તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
રાજકોટના ૧૯ વર્ષીય યુવા ઉદ્યોગસાહસિક સાથે રૂ. ૨૯ લાખની ઓનલાઈન છેતરપિંડી : પ્રખ્યાત ક્લોથિંગ બ્રાન્ડ 'SNITCH' ની ફ્રેન્ચાઈઝી આપવાના નામે સાયબર ગઠિયાઓએ આચર્યું મોટું કૌભાંડ
મેટોડા GIDC માં મેટલ પાર્ટ્સનો વ્યવસાય કરતા હિતાર્થ અમીપરાએ ઓનલાઇન અરજી કરતા સાયબર ઠગોએ જાળ બિછાવી : બેંગલુરુ હેડ ઓફિસે ખોટું આમંત્રણ આપતો એપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યો : વધુ ૨૧ લાખની માંગણી થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો

રાજકોટ: રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક અગ્રણી અને જાણીતી ક્લોથિંગ બ્રાન્ડની ફ્રેન્ચાઈઝી મેળવવાની લાલચમાં રાજકોટના એક ૧૯ વર્ષીય યુવા ઉદ્યોગપતિએ રૂપિયા ૨૯ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. કપડાંની નામાંકિત બ્રાન્ડ 'સ્નિચ' (SNITCH) ના નકલી પ્રતિનિધિઓ બનીને આવેલા સાયબર ગઠિયાઓએ આ આખી છેતરપિંડી આચરી હતી. આ મામલે ભોગ બનનાર યુવકે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઓફિશિયલ દેખાતી નકલી વેબસાઇટ પર ફ્રેન્ચાઇઝી માટે કરી હતી અરજી:
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, રાજકોટના ગીતાનગરમાં રહેતા અને મેટોડા જીઆઈડીસી (GIDC) માં મેટલ પાર્ટ્સ બનાવવાનું કારખાનું ધરાવતા હિતાર્થ અમીપરા નામના ૧૯ વર્ષના યુવાને ગત એપ્રિલ મહિનામાં ઇન્ટરનેટ પર 'સ્નિચ એપેરલ્સ પ્રાઇવેટ લિમિટેડ' ની ફ્રેન્ચાઇઝી લેવા માટે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન ગૂગલ પર ઓરિજિનલ જેવી જ દેખાતી એક નકલી વેબસાઇટ સામે આવી હતી, જેના પર વિશ્વાસ રાખીને હિતાર્થે ફ્રેન્ચાઇઝી મેળવવા માટે ઓનલાઇન અરજી સબમિટ કરી દીધી હતી. આ અરજીના આધારે જ સાયબર ગુનેગારોએ યુવકનો સંપર્ક સાધ્યો હતો.
એનઓસી અને સિક્યોરિટી ડિપોઝિટના નામે વિવિધ RTGS દ્વારા ૨૯ લાખ પડાવ્યા:
અરજી કર્યાના થોડા જ દિવસોમાં હિતાર્થ પર એક અજાણ્યા શક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતે સ્નિચ બ્રાન્ડનો ફ્રેન્ચાઇઝી મેનેજર હોવાની ઓળખ આપી હતી. સાયબર ઠગે હિતાર્થને પૂરેપૂરા કંપની જેવા જ દેખાતા ઓફિશિયલ દસ્તાવેજો, એગ્રીમેન્ટના કાગળો અને નિયમો મોકલીને ઓનબોર્ડિંગની કાયદેસર પ્રક્રિયા શરૂ કરી હોવાનો ડોળ કર્યો હતો. ત્યારબાદ હિતાર્થે સૂચવેલા આઉટલેટ (સ્ટોર) ના લોકેશનને કંપનીએ મંજૂરી આપી દીધી છે તેવું કહીને ટોકન અમાઉન્ટ, એનઓસી (NOC) ચાર્જ, સિક્યોરિટી ડિપોઝિટ અને એડમિનિસ્ટ્રેટિવ ફીના નામે કટકે-કટકે નાણાંની માંગણી કરી હતી. હિતાર્થે આ ઓફરને સાચી માનીને અલગ-અલગ RTGS ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા ૨૯ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. ઠગોએ વિશ્વાસ જીતવા બેંગલુરુની હેડ ઓફિસે આવવા માટેનો નકલી એપોઇન્ટમેન્ટ લેટર પણ મોકલ્યો હતો.
વધુ ૨૧ લાખની માંગણી થતાં ભાંડો ફૂટ્યો, સાયબર હેલ્પલાઇન અને પોલીસના દ્વાર ખખડાવ્યા:
આ આખું કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે સાયબર ગુનેગારોએ સ્ટોરના ફિટ-આઉટ (ઈન્ટિરિયર અને ફર્નિચર) ના ખર્ચના નામે અચાનક વધુ રૂપિયા ૨૧ લાખની માંગણી કરી હતી. એક સામટી આટલી મોટી રકમ માંગવામાં આવતા હિતાર્થને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી. તેણે વધુ નાણાં ચૂકવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને પોતાની અગાઉ ભરેલી રકમનું રિફંડ માંગ્યું હતું. આરોપીઓએ ૪૦ દિવસમાં નાણાં પાછા આપી દેવાની ખાતરી આપી હતી, પરંતુ કોઈ રિફંડ મળ્યું નહોતું. દરમિયાન આ પરિવારને એક અનામી (એનોનિમસ) ઇમેઇલ મળ્યો હતો, જેમાં જણાવાયું હતું કે આ ફ્રેન્ચાઇઝી ઓફર અને તમામ દસ્તાવેજો સંપૂર્ણપણે નકલી અને બોગસ છે. છેતરાયાનો અહેસાસ થતાં જ પરિવારે તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો અને રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (IT Act) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, ટ્રાન્ઝેક્શનમાં વપરાયેલા બેંક એકાઉન્ટ્સ, મોબાઇલ નંબરો અને ઇમેઇલ આઇડીના આધારે આરોપીઓનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.
(2:53 PM IST)










