તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
રાજકોટ શહેર-જીલ્લામાં ૧૫ વર્ષમાં વસતીમાં ર૦૦ થી ૩૦૦ ટકાનો વધારો થયો છેઃ ગણતરીદાર ઉપર અસહ્ય કાર્યભાર
૨૦૧૧ની વસતીના આધારે માત્ર ૨૦ ટકા વધારો ગણી ગણતરીદારો ફાળવણી અયોગ્ય છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘની કલેકટરને રજુઆત તથા આવેદન ગણતરીદાર સાથે સહાયક પણ ફાળવો, હાફ-ડે-ઓન ડયુટીનો લાભ પણ આપો, ટેકનીકલ અનેક સમસ્યાઓ છેઃ વ્યવસ્થિત નકશા આપવા માંગ કરી : અનેક મુદ્દા ઉઠાવ્યા

રાજકોટ, તા.,૬ : દેશવ્યાપી ચાલી રહેલી વસ્તી ગણતરી કામગીરી વચ્ચે મેદાની સ્તરે શિક્ષકો અને ગણતરીદારોને પડી રહેલી વ્યવહારૂ મુશ્કેલીઓ અંગે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
મહાસંઘ દ્વારા જણાવાયું છે કે હાલ ગણતરીદારોની ફાળવણી વર્ષ ૨૦૧૧ની વસતીના આધારે માત્ર અંદાજિત ૨૦ ટકા વધારો ગણી કરવામાં આવી છે, જ્યારે રાજકોટ સહિતના શહેરી તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વસતીમાં ૨૦૦ ટકાથી ૩૦૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. જેના કારણે એક જ ગણતરીદાર ઉપર અસહ્ય કાર્યભાર આવી રહ્યો છે.
સાથે જ ૨૫૦થી વધુ ઘરો ધરાવતા બ્લોકોમાં એક જ ગણતરીદાર માટે સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી કરવી મુશ્કેલ બનતી હોવાનું જણાવી દરેક આવા બ્લોકમાં એક સહાયક ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે.
મહાસંઘે શિક્ષકોની દ્વિગુણ જવાબદારીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. હાલ શિક્ષકોને નિયમિત શૈક્ષણિક કાર્ય સાથે વસ્તી ગણતરીની કામગીરી પણ સંભાળવી પડી રહી છે. ઉનાળાની ગરમી અને મેદાની પરિસ્થિતિને ધ્યાને રાખી વસ્તી ગણતરી દરમિયાન હાફ-ડે ઓન-ડ્યુટીનો લાભ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
ટેકનીકલ સમસ્યાઓ અંગે રજૂઆત કરતા સંગઠને જણાવ્યું કે હાલ એપ્લિકેશનમાં ઉપલબ્ધ નકશાઓ ઘણા વિસ્તારોમાં સ્પષ્ટ રીતે ઝૂમ થતા નથી, જેના કારણે વિસ્તારની સીમા અને રહેણાંક એકમોની ઓળખમાં મુશ્કેલીઓ ઉભી થાય છે. તેથી હાઈ રિઝોલ્યુશન અને સરળતાથી ઝૂમ થઈ શકે તેવા નકશા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ હુંબલ અને મહામંત્રી સાગરભાઈ પોપટે અને સંગઠન મંત્રી શ્રી રામલાલભાઈ શિંગાળા દ્વારા જણાવ્યું હતું કે વસ્તી ગણતરી દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ કામગીરી છે અને શિક્ષકો સંપૂર્ણ નિષ્ઠા સાથે તેમાં જોડાયેલા છે. જો સરકાર અને તંત્ર તરફથી જરૂરી વ્યવહારૂ સહયોગ આપવામાં આવશે તો કામગીરી વધુ ઝડપી, સરળ અને ચોકસાઈ ભરેલી બની શકશે.
(3:47 PM IST)










