<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ત્રણ ગંભીર ઇજાગ્રસ્‍તને રાજકોટ ખસેડાયાઃ જેમાં પ્રેમજીભાઇ ડઢૈયા અને ભરતભાઇ ડઢૈયાના મોત

માનસર પાસે પરેશ ડઢૈયાને બાઇક સ્‍લીપ થતાં ઇજા થઇ હોઇ તેને મોરબી હોસ્‍પિટલે કારમાં લઇ જતી વખતે બનાવઃ ડઢૈયા-ઠાકોર પરિવારમાં કાળો કલ્‍પાંત

રાજકોટ તા. ૬: હળવદ નજીક ચરાડવાથી મોરબી જતાં હાઇવે પર રાતે કાર અને ટ્રકના અકસ્‍માતમાં ત્રણ લોકોના ઘટના સ્‍થળે જ મોત થયા હતાં. જ્‍યારે ગંભીર ઇજાગ્રસ્‍ત હળવદના રણછોડગઢ ગામના ત્રણ લોકોને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી બે પ્રોૈઢના મૃત્‍યુ થતાં આ ગોઝારા અકસ્‍માતનો કુલ મૃત્‍યુઆંક પાંચ થઇ ગયો હતો. અકસ્‍માતમાં ઇજા પામનાર ડઢૈયા પરિવારના એક યુવાનને કાર મારફત સારવાર માટે મોરબી લઇ જતાં હતાં ત્‍યારે આ કારને અકસ્‍માત નડયો હતો. જેમાં બાઇક અકસ્‍માતમાં ઘાયલ યુવાન  સહિત પાંચ કાળનો કોળીયો બની ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ રણછોડગઢ ગામે રહેતાં પરેશ દિલીપભાઇ ડઢૈયા (ઉ.વ.૨૪)ને ગઇકાલે સાંજે માનસર નજીક બાઇક અકસ્‍માતમાં ઇજા થઇ હતી. આ બનાવની જાણ થતાં પરેશના પિતા સહિતના કુટુંબીજનો ગામના સુરેશભાઇ વીહાભાઇ શિહોરા (ઉ.વ.૪૦)ની કારમાં બેસી પરેશને મોરબી હોસ્‍પિટલે લઇ જવા નીકળ્‍યા હતા. આ કારમાં કુલ સાત લોકો બેઠા હતાં. કાર ચરાડવાની મોરબી તરફ જતી હતી ત્‍યારે હાઇવે પર સીએનજી પંપ નજીક ટ્રક સાથે અથડાતાં ત્રણના ઘટના સ્‍થળે જ મોત થયા હતાં.

ચાર ઇજાગ્રસ્‍તોને સારવાર માટે મોરબી ખસેડાયા હતાં. ત્‍યાંથી ત્રણ લોકો રણછોડગઢના પ્રેમજીભાઇ શંકરભાઇ ડઢૈયા (ઉ.વ.૫૦), તેના ભત્રીજા ભરતભાઇ પ્રભુભાઇ ડઢૈયા (ઉ.વ.૩૦) અને દિલીપભાઇ ભગવાનજીભાઇ ડઢૈયા (ઉ.વ.૫૦)ને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ પ્રેમજીભાઇ ડઢૈયા અને ભરતભાઇ ડઢૈયાના સારવાર દરમિયાન મૃત્‍યુ થયા હતાં.

મૃતક પ્રેમજીભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. જ્‍યારે અન્‍ય મૃતક ભરતભાઇ એ પ્રેમજીભાઇના કુટુંબી ભત્રીજા થતાં હતાં. ભરતભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં અને દિવ્‍યાંગ હોઇ રાશનની દુકાને બેસી કામ કરતાં હતાં. જ્‍યારે કારના ચાલક સુરેશભાઇ વીહાભાઇ શીહોરાનું પણ મૃત્‍યુ થયાનું રાજકોટ સારવારમાં રહેલા દિલીપભાઇના સગાએ જણાવ્‍યું હતું. અન્‍ય એક ઇજાગ્રસ્‍ત પ્રકાશભાઇ હમીરભાઇ ડઢૈયા (ઉ.વ.૩૬) મોરબી સારવાર હેઠળ છે.

(2:55 PM IST)