તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
એકલી સમજીને રાતે લિફટ આપી એ મહિલા રિક્ષાચાલકની પત્નિનો મોબાઇલ બઠ્ઠાવી ગઇ
જયનગરના જગદીશપરી પત્નિ, દિકરાને રેસકોર્ષ ફેરવી ઘરે જતાં હતાં ત્યારે કોઠારીયા ગામ પાસે એક મહિલાને હાથ ઉંચો કરતાં બેસાડી હતીઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૬: શહેરમાં રિક્ષા ચાલકો અને પેસેન્જરોને ટાર્ગેટ કરતી તસ્કરોની ટોળકી સક્રિય થઈ હોય તેમ વધુ એક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલી એક અજાણી મહિલા રિક્ષા ચાલકની પત્નિની નજર ચુકવીને એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ચોરી ગઇ છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ જયનગર ધાર હાઉસીંગ બોર્ડ સામે રહેતાં રિક્ષાચાલક જગદીશપરી ધીરજપરી ગોસ્વામી (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. ૨ના સાંજના છ વાગ્યાની આસપાસ જગદીશપરી તેમની રિક્ષા જીજ૦૩સીટી-૮૨૫૭ લઈને પત્નિ વર્ષાબેન અને ૧૧ માસના દીકરા ક્રિયાંશ સાથે રેસકોર્ષ ગાર્ડન ખાતે ફરવા માટે ગયા હતા. ત્યાં ગાર્ડનમાં ફર્યા બાદ અને નાસ્તો કર્યા પછી રાત્રિના પોણા દશેક વાગ્યાની આસપાસ તેઓ રિક્ષા લઈને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા.
રિક્ષા જ્યારે કોઠારીયા ગામ પાણીના ટાંકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક અજાણી મહિલાએ હાથ ઊંચો કરી રિક્ષા ઊભી રખાવી હતી. મહિલા એકલી હોવાથી રિક્ષા ચાલકે તેને પાછળની સીટમાં બેસાડી દીધી હતી, જ્યાં તેમના પત્નિ અને બાળક પણ બેઠા હતા. આ અજાણી મહિલા થોડે દૂર આવેલા મહાદેવ કાસ્ટીંગનામના કારખાનાની સામે ઉતરી ગઈ હતી. ત્યારબાદ રિક્ષા ચાલક પરિવાર સાથે પોતાના ઘરે પહોંચ્યા હતા. ઘરે જઈને તપાસ કરતા રિક્ષામાં પાછળ બેઠેલા વર્ષાબેનનો મોબાઈલ ફોન ગાયબ હતો. વર્ષાબેને જણાવ્યું કે કોઠારીયા ગામ સુધી ફોન તેમની પાસે જ હતો. જેથી રિક્ષામાં બેઠેલી અજાણી મહિલાએ જ નજર ચૂકવીને ફોન ચોરી લીધો હોવાની શંકા દ્રઢ થઈ હતી. ગુમ થયેલા મોબાઈલ નંબર પર ફોન કરવા છતાં તે સ્વીચ ઓફ આવતો હતો. આજીડેમના હેડકોન્સ. એ. એચ. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:33 PM IST)










