તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th April 2026
રાજકોટ બન્યું ‘અગ્નિગોળો' પારો ૪૧.૬ ડિગ્રીને પાર, હજુ તો આ માત્ર શરૂઆત છે!
બપોરે ૨:૩૦ વાગ્યે જનજીવન પ્રભાવિત; લૂના ફૂંકાતા પવનોએ શહેરીજનોને ઘરમાં પુરાવા મજબૂર કર્યા

રાજકોટ : રંગીલું રાજકોટ અત્યારે સૂર્યદેવના પ્રકોપથી રિતસર શેકાઈ રહ્યું છે. આજે બપોરે ૨:૩૦ વાગ્યાના ટકોરે શહેરનું તાપમાન ૪૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ચારેતરફ ગરમીનો હાહાકાર જોવા મળ્યો હતો. બપોરના સમયે માર્ગો પર કરફયુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બપોરે પવનની ગતિ પ્રતિ કલાક માત્ર ૬ કિલોમીટરની રહી હતી. પવનની ઓછી ગતિને કારણે હવામાં ભેજ અને ગરમીનું મિશ્રણ થતાં શહેરીજનોએ ભારે અકળામણ અનુભવી હતી. સામાન્ય રીતે પવન હોય તો રાહત મળતી હોય છે, પરંતુ આજે તો ‘લૂ' ફૂંકાતી હોય તેવો અનુભવ થયો હતો.
હવામાન નિષ્ણાતોના મતે, આ તો માત્ર ટ્રેલર છે. આગામી દિવસોમાં ગરમીનું જોર હજુ વધવાની પૂરેપૂરી શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને સૂકા પવનો ફૂંકાવાને કારણે પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. મે મહિનાની શરૂઆત પહેલા જ રાજકોટમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે.
ગરમીથી બચવા માટે લોકો સવારથી જ પોતાના કામ પતાવી રહ્યા છે. બપોરે ૧ થી ૫ ના ગાળામાં રાજકોટના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ વિસ્તારમાં ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો. બીજી તરફ, શેરડીના રસ, છાશ અને ઠંડા પીણાના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
તસ્વીરમાં આકરા તાપથી બચવા લોકો પોતાના મોઢે ફરતે રૂમાલ સહિતના વષાોનો ઉપયોગ કરી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:40 PM IST)










