તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 13th April 2026
પ્રદેશ પ્રમુખ અસંતોષની આગ ઠારવા આવ્યા છતાં અંદરખાને ભભૂકી રહ્યો છે રોષ
ખરેખર અસંતોષ સંભળાયો કે ગોઠવાયો? ચોમેર ચર્ચા : આંતરિક સોગઠાબાજી સામે પ્રદેશ નેતૃત્વ પણ ટૂંક પડયું હોય તેવું જણાય છે

રાજકોટ તા. ૧૩ : શહેર ભાજપમાં ટીકીટ વહેંચણીના મુદ્દે ભભુકેલા અસંતોષને ડામવા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ બે દિવસ મુકામ કર્યો. જો કે પ્રદેશ નેતૃત્વને ગેરમાર્ગે દોરવા માટે ચોક્કસ જૂથના ૩૦ જેટલા વર્તમાન હોદ્દેદારોને ‘અસંતુષ્ટ' તરીકે રજૂ કરી દેવાયાની ચર્ચા છે. સાચા કાર્યકર્તાઓને સાંભળવાને બદલે માત્ર દર્શિતાબેન શાહ વિરૂદ્ધ મોરચો માંડવામાં આવ્યો હોવાનો તાલ સર્જાયો હતો. કહેવાય છે કે દિવસ દરમિયાન રોષ ઠાલવનારા આ જ ‘નારાજ' નેતાઓ રાત્રે વોર્ડમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. ખરા અર્થમાં જે દિગ્ગજો અને કાર્યકર્તાઓ નારાજ છે તેઓ હજુ પણ ઉપેક્ષીત જ રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીમાં ટિકીટની વહેંચણીના મુદ્દે લગભગ વોર્ડમાં અસંતોષી આગ જોવા મળી રહી છે. હજુ પણ અનેક વોર્ડમાં કોઈ નક્કર પ્લાનીંગના અભાવે ભાજપની હાલત કોંગ્રેસ જેવી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજકોટમાં લાગેલી જૂથવાદની જવાળા ડામવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીએ ભારે વ્યસ્તતા વચ્ચે પણ રાજકોટમાં બે દિવસનો પડાવ નાખી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આંતરીક સાંગઠાબાજી સામે પ્રદેશનું નેતૃત્વ પણ પાછુ પડયુ હોય તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે.
વિશ્વકર્માજી સાવચેતીપૂર્વક તમામ બેઠકો જીતવાનો આશાવાદ વ્યકત કરી પરત જવા નીકળી ગયા હતા. પરંતુ અસંતોષની આગ યથાવત રહી હોવાનો સૂર સંભળાય છે.
વિશ્વકર્માજી રાજકોટની મુલાકાતે માત્ર અસંતોષ ઠારવા માટે આવ્યા હતા. પરંતુ સ્થાનિકોએ કુનેહપૂર્વક પ્લાનીંગથી કામ પાર પાડી દીધુ હતું. ભાજપ શહેર પ્રમુખ શ્રી માધવ દવેના નિવાસસ્થાને અંદાજે ૨૫-૩૦ કાર્યકર્તાઓને બોલાવાયેલા. પરંતુ આ ટીમમાં ખરા અર્થમાં કોઈ અસંતુષ્ટો ન હોવાનો ગણગણાટ છે. વર્તમાન બોડીમાં જ જવાબદારી સંભાળનારા કાર્યકર્તાઓને બેસાડીને કોઈ તકલીફ ન હોવાનું દૃશ્ય ઉભુ કરવામાં આવ્યુ હતું. આ જાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલ જેવો તાલ સર્જાયો હતો.
આ બેઠકમાં જેઓને ‘નારાજ' તરીકે રજૂ કરાયા તે તમામ મોટી જવાબદારીઓ સંભાળે છે. જેમાં પૂર્વેશ ભટ્ટ (વોર્ડ નં. ૧ના પ્રભારી), સંજય દવે (વોર્ડ નં. ૮ના પ્રભારી), જીગ્નેશ જોશી (વોર્ડ નં. ૧૪માં વર્ષોથી પ્રભારી), હેમુ પરમાર (વોર્ડ નં. ૩ના પ્રમુખ), હરેશ કાનાણી (એક મહિના પહેલાં સુધી શહેર ભાજપ મંત્રી), વિજય પાડલીયા (એક મહિના પહેલાં સુધી શહેર ભાજપ મંત્રી), ધર્મેન્દ્ર ભગત (એક મહિના પહેલાં સુધી પ્રભારી), શૈલેષ હાપલિયા (વોર્ડ પ્રભારી), ભરત શિગાળા (એક મહિના પહેલાં શહેર ભાજપ મંત્રી), વિક્રમ પૂજારા (પંદર દિવસ પહેલાં જ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે લાલ લાઈટવાળી ગાડીમાં ફરી લાઈમ લાઈટમાં રહેલા), બે મહિલા શહેર ભાજપના હોદ્દેદારો.
આ તમામને શું નારાજ થવા માટે ખાસ સુચના આપવામાં આવી હતી? આ કાર્યકર્તાઓએ પ્રવર્તમાન અસંતોષની લાગણી વ્યકત કરવાને બદલે ધારાસભ્ય દર્શિતાબેન શાહ સામે ખુલ્લો મોરચો માંડયો હતો તેમ કહેવાય છે. એક તબક્કે તો બોઘરા જૂથની નજીક ગણાતા હરેશ કાનાણી વિશ્વકર્માજી સમક્ષ દર્શિતાબેનની ફરીયાદ કરતા કરતા રડી પડયા હતા તેવી પણ ચર્ચા છે.
રાજકોટની સાચી પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો સાચા નારાજ કાર્યકર્તાઓદને સાંભળવા પડે. પરંતુ અહિં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાને વિશ્વકર્માજી સાથે રહેવાની જવાબદારી સોંપાઈ હતી. જેથી કરીને કાર્યકર્તાઓ સાચી વાત અને રોષ ઠાલવી ન શકે તેવુ પણ બોલાઈ રહ્યુ છે. રોષ ઠાલવનારાઓને સાંભળવાને બદલે પોતાના પુત્રની રાજકીય કારકિર્દીની વ્યથા સંભળાવી રમૂજ સાથે સૌ છુટા પડયા હતા. આヘર્યની વાત એ છે કે દિવસે અસંતોષની વાત કરનારા આ જ આગેવાનો રાત્રે પોતપોતાના વોર્ડની બેઠકોમાં મુખ્ય વકતા તરીકે અને હસતા મોઢે ચૂંટણી વ્યવસ્થામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
રાજકીય પંડિતોના મતે, વિશ્વકર્માજીએ જો ખરેખર રાજકોટની સંવેદના અને સાચી પરિસ્થિતિ જાણવી હોય તો મૂળ ભાજપના અને વર્ષોથી સક્રિય એવા જુના કાર્યકર્તાઓને સાંભળવા જોઈએ. જેમાં મીરાબેન વોરા, ભારતીબેન રાવલ, દશરથભાઈ વાળા, વિલાસબા સોઢા, હિતેષભાઈ રાવલ, સી.ટી. પટેલ, જે.ડી. ડાંગર, યોગરાજાસિહ જાડેજા, પ્રવીણ પાઘડાર, પ્રવીણ ઠુંમર, રજની ગોલ, જ્યોત્સનાબેન હળવદિયા, પ્રભાબેન વસોયા, હરિભાઈ રાતડીયા, ગંભીરસિહ પરમાર, કૌશિક અઢિયા, અશ્વિન રાખસીયા, નિલેશ તેરૈયા, રાજેશ ટાંક, જીણાભાઇ ચાવડા, હિરેન ગોસ્વામી અને વિઠ્ઠલ અભંગી જેવા કાર્યકરોના નામો ભાજપ વર્તુળોમાં ચર્ચામાં હતા. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી ભાજપની ટિકિટના વચન સાથે ભાજપમાં આવેલા પરંતુ ટિકિટથી વંચિત રહેલા મનાતા અશોકભાઈ, ભરતભાઈ, વોર્ડ નં. ૧૨માં મૂંગરા, ગોપાલ બોરાણા, કેતન જારિયા, ગોવિદ વાઘેરા, નીતિન વ્યાસ, ભરતસિહ જાડેજા અને બીપીન દવે સહિતના આગેવાનોને જો વિશ્વકર્માજી સાંભળવાનો મોકો આપે તો જ રાજકોટ ભાજપની વેદનાની સાચી ખબર પડશે તેવો ગણગણાટ પણ સાંભળવા મળ્યો. (૩૭.૫)
(2:59 PM IST)










