News of Monday, 13th April 2026
ખોખડદળ પુલ પાસે યુવતી-પરિવારને છરી બતાવી પતાવી દેવાની ધમકી
રોડ ઉપર સ્કુટર રાખી ફોન કરતા શખ્સને સાઇડમાં જવાનું કહેતા આ એરીયા મારો છે, અને રોડ ઉપર આમ જ ઉભો રહીશ તેમ કહી સાગર વિફર્યો

રાજકોટ, તા., ૧૩: લાપાસરી રોડ ખોખડદળ પુલ પાસે રોડ વચ્ચે સ્કુટર રાખી ફોન કરતા શખ્સને સાઇડમાં જવાનું કહેતા. આ શખ્સે યુવતી તથા તેના પરિવારને છરી દેખાડી પતાવી દેવાની ધમકી આપી હતી.
મળતી વિગતો મુજબ મારવાડી કોલેજમાં નોકરી કરતી સેજલબેન વિજયભાઇ સુરેલા, (ઉ.વ.રપ) (રહે. ઋષિપ્રસાદ સોસાયટી શેરી નં. ૩, વેલનાથ-એ) -આરોપી સાગર કાલીયા સામે આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ સેજલબેન દસેક દિવસ પહેલા તેના બીજા ઘરે જમવા ગયા હતા ત્યાંથી તેની બહેન સાથે તે સ્કુટી ઉપર અને તેના માતા-પિતા એકટીવા ઉપર ઋષિપ્રસાદ સોસાયટીમાં ઘરે જતા હતા. ત્યારે ખોખડદળ પુલ પાસે પહોંચતા આરોપી સાગર તેનું એકટીવા રોડ ઉપર ઉભુ રાખી ફોનમાં વાત કરતો હોય તેને હટાવવા માટે તેણે બે-ત્રણ વખત હોર્ન વગાડી સાઇડમાં જવાનું કહેતા સાગર ઉશ્કેરાયો હતો અને યુવતીના માતા-પિતાને ગાળો ભાંડી આ એરીયા મારો છે અને રોડ ઉપર જ આમ જ ઉભો રહીશ, તારે અહી નિકળવુ હોય તો સાઇડમાંથી જતા રહેવાનું. ખોટા હોર્ન મારવા નહી જેથી યુવતીના પિતાએ ગાળો બોલવાની ના પાડતા આરોપી સાગરે છરી કાઢી યુવતી તથા તેના પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે આજી ડેમ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(2:33 PM IST)










