News of Saturday, 11th April 2026
રાજકોટમાં ધગધગતી ગરમીઃ બપોરે ૨:૩૦ વાગ્યે પારો ૪૦ ડિગ્રીએ પહોંચ્યો, ‘લૂ'ના ફૂંકાતા ઝાપટાં

રાજકોટ, તા. ૧૧: રંગીલા રાજકોટમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે બપોરે શહેરના તાપમાનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને બપોરે ૨:૩૦ વાગ્યે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ સ્થિર થતા શહેર આખું ભઠ્ઠીની જેમ તપ્યું હતું.
બપોરના સમયે આકાશમાંથી વરસેલી અગનજવાળાઓને કારણે શહેરના રાજમાર્ગો સુમસામ ભાસતા હતા. માત્ર ગરમી જ નહીં, પણ ૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે લોકોએ ચામડી દઝાડતી લૂનો અનુભવ કર્યો હતો. ગરમી અને ગરમ પવનોના આ ડબલ એટેકથી બચવા લોકોએ મોઢે રૂમાલ અને ચશ્માના સહારે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
હવામાન વિભાગ જણાવે છે કે આગામી દિવસોમાં ગરમીનું જોર હજુ વધવાની શકયતા છે. પવનની ગતિમાં ફેરફાર થતા બફારાનું પ્રમાણ પણ વધી શકે છે, જેથી નાગરિકોને કામ વગર બપોરે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
(3:36 PM IST)










