<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ભાજપ કાર્યાલયે હંગામોઃ વોર્ડ નં. ૩, ૧૩ અને ૧૪માં તીવ્ર અસંતોષ

પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી તથા વોર્ડ ૩માં હેમુ પરમાર કપાતા સમર્થકોનો વિરોધ

 

રાજકોટ તા. ૧૧: મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થતા જ શહેરના રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચ્‍યો છે. ખાસ કરીને વોર્ડ નંબર ૩ અને ૧૩માં ઉમેદવારોના નામ જાહેર થતા જ વિરોધ અને ઉત્‍સાહના વિરોધાભાસી દ્રશ્‍યો સામે આવ્‍યા છે. જયારે નિતિન રામાણીએ હાઇકમાન્‍ડને ટીકીટ અંગે પુનઃ વિચારણા કરવા પત્ર પાઠવ્‍યો છે. આ પત્ર પાઠવવામાં આવતા અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.

વોર્ડ નંબર ૧૩ માટે ભાજપે પંકજ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકીયાના નામ જાહેર કર્યા હતા. ઉમેદવારોની જાહેરાત સાથે જ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વિવિધ વિસ્‍તારોમાં આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ જ વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કપાતા ભારે અસંતોષ ફાટી નીકળ્‍યો હતો. પોતાના નેતાને ટિકિટ ન મળતા રામાણીના સમર્થકોમાં રોષ જોવા મળ્‍યો હતો. નીતિન રામાણી પોતાના સમર્થકોના મોટા કાફલા સાથે ભાજપ કાર્યાલય ‘કમલમ' પહોંચ્‍યા હતા, જ્‍યાં ‘‘નીતિનભાઈ તુમ આગે બઢો, હમ તુમ્‍હારે સાથ હૈ'' જેવા નારાઓ સાથે કાર્યાલય ગુંજી ઉઠ્‍યું હતું. પરિણામે ત્‍યાં તણાવપૂર્ણ સ્‍થિતિ સર્જાઈ હતી.

સમર્થકોની મુખ્‍ય માંગ હતી કે પાયાના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર તરીકે નીતિન રામાણીને ફરી તક આપવામાં આવે. જોકે વિરોધ વધતા ભાજપના વરિષ્ઠ આગેવાન પુષ્‍કર પટેલે મધ્‍યસ્‍થી કરી રામાણી સાથે વાતચીત શરૂ કરી હતી અને તેમને શહેર પ્રમુખ સમક્ષ રજૂઆત માટે લઈ ગયા હતા.

આ મુદ્દે પક્ષના ટોચના નેતાઓએ તાત્‍કાલિક બેઠક બોલાવી હતી. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પુષ્‍કર પટેલ, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ સહિતના નેતાઓની હાજરીમાં નીતિન રામાણી સાથે બંધ બારણે ચર્ચા યોજાઈ હતી. આશરે ૧૫ મિનિટ ચાલેલી આ બેઠકમાં રામાણીની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

બીજી તરફ, વોર્ડ નંબર ૩માં પ્રબળ દાવેદાર હેમુ પરમારનું નામ જાહેર ન થતાં તેમના સમર્થકો પણ કમલમ કાર્યાલયે પહોંચી વિરોધ નોંધાવ્‍યો હતો. આમ, ઉમેદવારોની જાહેરાત બાદ રાજકોટ ભાજપમાં આંતરિક અસંતોષ અને ઉજવણીના મિશ્રણ સાથે રાજકીય ચહલપહલ તેજ બની છે.

હાલ આ મામલો શાંત પડ્‍યો હોવા છતાં, આ આંતરિક અસંતોષનો આવનારી ચૂંટણી પર શું પ્રભાવ પડશે તે જોવું મહત્‍વપૂર્ણ બની રહ્યું છે.

(3:52 PM IST)