તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
રૈયા ટી.પી. સ્કીમમાં જાહેર રસ્તો પચાવી પાડતા બિલ્ડર સામે રહીશોનો રોષઃ મ્યુનિસિપલ કમિશ્નરને ધાંધિયાની ફરિયાદ
‘‘શુભ વંદન'' હાઈરાઈઝ બિલ્ડીંગના બાંધકામમાં ૧૫ વર્ષ જૂનો ડામર રોડ પ્લોટમાં દર્શાવી ગેરકાયદેસર કબ્જો કર્યાનો આક્ષેપઃ ૧ હજારથી વધુ લોકોની અવર-જવર ખોરવાઈ

રાજકોટઃ શહેરના રૈયા રોડ પર આવેલી સમૃદ્ધિ સોસાયટીના રહીશોએ એક બિલ્ડર દ્વારા જાહેર રસ્તો પચાવી પાડવાના વિરોધમાં મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું છે. રહીશોનો આક્ષેપ છે કે ઙ્કશુભ વંદનઙ્ઘ નામની હાઈરાઈઝ બિલ્ડીંગ બનાવી રહેલા બિલ્ડર દ્વારા રૈયા ટી.પી. સ્કીમ નંબર ૨૨ મુજબનો ૭.૫૦ મીટરનો જાહેર રસ્તો પોતાના પ્લોટમાં ભેળવી દઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
રહીશોએ આવેદનમાં જણાવ્યું છે કે સમૃદ્ધિ સોસાયટી શેરી નં. ૧ માં છેલ્લા ૧૫ વર્ષથી ૭.૫૦ મીટરનો પાકો ડામર રોડ અસ્તિત્વમાં છે, જે પૂર્વમાં ૧૨ મીટર અને પヘમિમાં ૧૫ મીટરના ટી.પી. રોડને જોડે છે. આ રસ્તા પરથી દૈનિક આશરે ૧ હજાર જેટલા લોકો અને જે.કે. પાર્કના ૫૦૦ ઘરોના રહીશો અવર-જવર કરે છે. હાલમાં બિલ્ડર દ્વારા આ જાહેર રસ્તો ખોદી નાખવામાં આવતા રહીશોને અડધો કિલોમીટરનો ફેરો વધી ગયો છે અને સ્કૂલ બસ પણ ઘર સુધી આવી શકતી નથી.
સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જ્યારે તેઓએ રસ્તો ખોદવાનો વિરોધ કર્યો ત્યારે બિલ્ડરે ધાક-ધમકી આપી હતી કે અમે ટી.પી. શાખાના અધિકારીઓને પૈસા આપી દીધા છે, અમારું કોઈ કંઈ બગાડી શકશે નહીં. રહીશોનું માનવું છે કે અધિકારીઓની મિલીભગત વગર કોઈ બિલ્ડર જાહેર રસ્તો પચાવી પાડવાની હિમત ન કરી શકે.
સમૃદ્ધિ સોસાયટીના રહીશો, જેમાં મુખ્યત્વે દિપકુમાર પારેખ, પ્રકાશ મહેતા સહિત ૮૦થી વધુ લોકોએ સહી કરીને મ્યુનિસિપલ કમિશનર પાસે શુભ વંદન બિલ્ડીંગના પ્લાન મંજૂર ન કરવા અથવા અપાયેલી મંજૂરી રદ કરવા માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી અને કલેક્ટરને પણ રવાના કરવામાં આવી હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
(2:38 PM IST)










