તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
ભાજપે ઇતિહાસ રચ્યો! વોર્ડ નં. ૭માં જાનીના સ્થાને નેહલ શુકલ.
આવું પહેલીવાર બન્યું: સભામાં બેઠેલા ઉમેદવારની ટિકિટ પાછી ખેંચી ભાજપે સૌને ચોકાવ્યાઃ એક નેતાનું લોબિંગ કામ કરી ગયું અને જાહેર કરાયેલા ઉમેદવાર છેલ્લી ઘડીએ બદલાયાઃ ટિકિટ મળ્યાની ખુશી રાતોરાત છીનવાઇ ગઇ શૈલેષ જાનીને બદલે પુર્વ કોર્પોરેટર અને દિગ્ગજ નેતા નેહલ શુકલને ફરી લડાવવા પાર્ટીએ મન બનાવ્યું : વોર્ડ નં. ૧૧માં રક્ષીત કલોલા સામે ભુતકાળની એફઆરઆઇ છતા ટીકીટ આપવા સામે વોર્ડમાં ઉગ્ર અસંતોષ

રાજકોટ, તા. ૧૧: હંમેશા ન ધારેલુ કરવા માટે જાણીતા ભાજપે આજે વોર્ડ નં. ૭ માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી ઈતિહાસ રચ્યો છે. પાર્ટીના જુના જોગીઓ પાસેથી મળેલ માહિતિ મુજબ પક્ષના આટલા વર્ષના ઇતિહાસમાં રાજકોટમાં કયારેય પણ નામ જાહેર થયા પછી અન્ય વ્યકિતને ટીકીટ અપાયાની ઘટના બની નથી.
ભાજપની સ્થાપનાના ૪૬ વર્ષના ઇતિહાસમાં આજે પ્રથમવાર ઉમેદવાર બદલવાની ઘટના બની છે. પાર્ટીના પાયાના પથ્થરસમા સ્વ. ચીમનભાઇ શુકલા, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલ, સ્વ. ક્રાંતિભાઇ વૈધ સહિતના લોકોએ સિંચેલો છોડ આજે વટવૃક્ષ બન્યો હોવા છતા આ ઘટનાથી કાર્યકરો-લોકોમાં ભારે કુતુહલ અને ચર્ચાઓ થવા લાગી છે.
મનપાની ચુંટણી માટે ભાજપે વ્યુહાત્મક રીતે ગઇકાલે મોડી રાત્રે ૭૨ ઉમેદવારોના નામ જાહેર કરી અસંતોષ ખાળવા પ્રયત્ન કરેલ, પણ આ પગલા પછી પણ વિરોધનો જુવાળ ગઇ રાત્રીથી ફાટી આજે મોટી આગમાં પરિણમ્યો છે. ભાજપ માટે વોર્ડ નં.૭ અંતિમ દિવસે ઉમેદવાર બદલવાની નોબત છે. જો કે અન્ય વોર્ડમાં પણ અસંતોષની જવાળા લબકારા મારી રહયા હોવાનું પણ બહાર આવ્યું છે. વોર્ડ નં.૭માં નેહલ શુકલને ફરી લડાવવા પક્ષે મન બનાવવું પડયું છે, જયારે વોર્ડ નં.૧૧ના ઉમેદવાર રક્ષીત કલોલા સામે ભૂતકાળમાં થયેલ એફઆઇઆરના કારણે વોર્ડમાં ભારે અસંતોષ-વિરોધ ઉભો જાણવા મળેલ છે.
ભાજપે વોર્ડ નં. ૭ માં શિક્ષણવિદ્ શૈલેષ જાનીનું ગઇકાલે નામ જાહેર કર્યુ હતું. પણ આજે સવારે બહુમાળી ભવન ખાતેના વિજય વિશ્વાસ સંમેલન દરમિયાન પ્રદેશ દ્વારા નેહલ શુકલના નામનું મેન્ડેટ અપાતા સ્ટેજ ઉપર બેઠેલા જાનીએ નિચે ઉતરવું પડયું હતું.
ભાજપના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ હાલના જે ઉમેદવારોમાં અનેક નવોદીત પ્રતિભાઓ છે, પરંતુ અનુભવી અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ભાષ પ્રભુત્વ નેહલ શુકલ વિશેષ ધરાવે છે. બાલ્યકાળથી જ ભાજપ અને સંઘ પરિવાર સાથે ધનિષ્ઠ નાતો ધરાવતા નેહલ શુકલની પ્રતિભા એક યુવા લડવૈયા તરીકે જાણીતી છે. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં યુથ ઓફ ગુજરાત અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરીને અભુતપૂર્વ યુવા સંમેલન નેહલ શુકલના નેતૃત્વમાં યોજાયું છે.
નેહલ શુકલને ટીકીટની ફાળવણી ગુજરાત ભાજપ હાઇકમાન્ડે છેલ્લી ઘડીએ કરતા તેમના સબળ નેતૃત્વનું કૌશલ્ય ધ્યાનમાં લીધાનું જાણવા મળે છે
(3:44 PM IST)










