<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

રાજકોટ જીલ્લામાં ચૂંટણી અંતર્ગત ૧પ૦પ ઇસમો સામે અટકાયતી પગલા લેવાયા

છ શખ્‍સોને પાસામાં અને ૧ર અસામાજીક તત્‍વોને હદપાર કરાયાઃ ૧૧૦૬ હથિયારો જમા લેવાયાઃ ર૭૦૦થી વધુ વાહનોનું ચેકીંગ

રાજકોટ, તા. ૧૧ એપ્રિલ - સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી અન્‍વયે રાજકોટ જિલ્લા ગ્રામ્‍ય વિસ્‍તારમાં આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન સાથે કાયદો-વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રાંત અધિકારીશ્રી દ્વારા માર્ચમાં નવ અને એપ્રિલમાં ત્રણ મળીને ૧૨ ઈસમોને હદપાર કરવામાં આવ્‍યા છે. જ્‍યારે જિલ્લામાં અતિ સંવેદનશીલ, સંવેદનશીલ અને સામાન્‍ય વિસ્‍તારોમાં આદર્શ આચારસંહિતાના પાલન સાથે ૧થી ૮ એપ્રિલ સુધીમાં વિવિધ કલમો હેઠળ ૧૫૦૫ ઈસમો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્‍યા છે.

જિલ્લામાં ‘પાસા' હેઠળ કુલ છ કેસોમાં અટકાયતી હુકમ કરવામાં આવ્‍યા છે. જિલ્લાના કુલ ૧૨૦૬ હથિયારો પૈકી ૧૧૦૬ હથિયારો સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં જમા લેવામાં આવ્‍યા છે. ૮૬ પરવાનેદારોને જાહેરનામા મુજબ હથિયાર જમા કરાવવામાંથી મુક્‍તિ અપાઈ છે, જ્‍યારે પાંચ કેસોમાં હથિયાર જપ્ત અથવા રદ કરવામાં આવ્‍યા છે.

જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓના સરળ સંચાલન સાથે, ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને કાયદો-વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ હેઠળ કુલ ૧૫ અલગ-અલગ પ્રકારના જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્‍યા છે.

જિલ્લામાં ૨૧ ચેકપોસ્‍ટ કાર્યરત કરીને કુલ ૨૭૨૪ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્‍યું છે. જો કે કોઈ વાંધાજનક બાબતો સામે આવી નથી. ઉપરાંત નવ લિસ્‍ટેડ હિસ્‍ટ્રીશીટર અને છ જુગારીઓને ચેક કરવામાં આવ્‍યા છે.

રાજકોટ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રીની સૂચના અને રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષકશ્રીની રાહબરી હેઠળ ૬૦ બુટલેગર્સ પર સફળ રેડ કરવામાં આવી છે. જિલ્લામાં રૂ. ૨,૦૫,૮૦૦ની કિંમતનો દેશી દારૂ અને રૂ. ૫,૬૮,૭૧૬ની કિંમતનો વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પાડવામાં આવ્‍યો છે.

(3:49 PM IST)