<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપના આંતરિક અસંતોષનો વિસ્ફોટ : વોર્ડ નંબર 13માં ઉમેદવારની પસંદગી સામે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ બગાવતી સૂર રેલાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના હાઈકમાન્ડને પત્ર લખી પોતાની હૈયા વરાળ ઠાલવી

પક્ષના પાયાના કાર્યકરો અને મતદારોમાં પસંદગી પામેલા ઉમેદવાર પ્રત્યે ભારે નારાજગી હોવાનો દાવો કરતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ પક્ષના હિતમાં નિર્ણય પર પુનઃવિચારણા કરવા અને વર્ષો સુધી કરેલી નિષ્ઠાવાન સેવાની કદર કરવા રાષ્ટ્રીય તેમજ પ્રદેશ નેતૃત્વને રજૂઆત કરી

 રાજકોટ:  રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ફાળવણીને લઈને વિવાદ સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ ઉમેદવારની પસંદગી સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ બાબતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને એક વિસ્તૃત પત્ર લખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

 

 કાર્યકરો અને મતદારોમાં ભારે રોષ:

નીતિન રામાણીએ પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે વોર્ડ નંબર 13માં જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, તેનાથી સ્થાનિક મતદારો અને પક્ષના કાર્યકરોમાં સંતોષ નથી. પક્ષના વફાદાર સમર્થકોની અપેક્ષાઓ મુજબ આ પસંદગી થઈ ન હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. પૂર્વ કોર્પોરેટરે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જે ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે, તેઓ ભૂતકાળમાં પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા નથી, જેના કારણે સમર્પિત કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

 

 પોતાની અવગણના અંગે ઠાલવી વ્યથા:

નીતિન રામાણીએ પોતાની સેવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે તેમણે પૂર્વ કોર્પોરેટર તરીકે પક્ષ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું છે. તેમના સમર્થકો અને શુભેચ્છકો એવી અપેક્ષા રાખતા હતા કે પક્ષ ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂકી ઉમેદવારી માટે વિચારણા કરશે. તેમણે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે તેમના સમર્થકોની લાગણીઓને પણ ધ્યાનમાં લેવી અત્યંત જરૂરી છે.

 

 નિર્ણય બદલવા નેતૃત્વને વિનંતી:

પક્ષના હિતને સર્વોપરી ગણીને નીતિન રામાણીએ વિનંતી કરી છે કે હાઈકમાન્ડ આ નિર્ણય પર ફરીથી વિચાર કરે અને મતદારો તેમજ પાયાના કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવે. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ ભાજપના વફાદાર અને સમર્પિત કાર્યકર્તા તરીકે હંમેશા પક્ષની વિચારધારા અને નેતૃત્વ સાથે જોડાયેલા રહેશે અને પક્ષની સફળતા માટે કટિબદ્ધ છે. રાજકોટ ભાજપમાં સર્જાયેલી આ ખેંચતાણ આગામી દિવસોમાં શું વળાંક લેશે તે જોવું રહ્યું.

(3:49 PM IST)