<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

એસ.ટી બસપોર્ટ રાજકોટના ઇન્‍કવાયરી ફોન શોભાના ગાંઠિયા સમાન

મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત

રાજકોટ, તા.૧૦: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા, ગોંડલના પ્રતિનિધિ પ્રદિપસિંહ જાડેજા, ભાવનગરના પ્રતિનિધિ દેવેન્‍દ્રસિંહ ગોહિલ, પૂર્વ ફૌજી નટુભા ઝાલાની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટનું ઢેબર રોડ પરનું એસ.ટી બસપોર્ટ મુસાફરોને સુવિધા આપવાને બદલે દુવિધા આપવામાં અગ્રીમ હરોળમાં સ્‍થાન ધરાવે છે.

રાજકોટ એસ.ટી બસપોર્ટમાં ૧ થી ૨૨ પ્‍લેટફોર્મ છે. અને ૧૪ થી ૨૨ સુધીના પ્‍લેટફોર્મ માટેની પ્‍લેટફોર્મ નંબર ૧૭ ની સામે અલાયદી પૂછપરછ બારી અને કંટ્રોલરૂમ છે. અને ફોનની સુવિધા છે માઇક સિસ્‍ટમ પણ કાર્યરત છે. આ કંટ્રોલ રૂમ પરથી સૌરાષ્‍ટ્ર તરફ જતી બસો અને દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ માટેનો કેબિન કંટ્રોલ રૂમ છે અને તેમાં બે ટ્રાફિક કંટ્રોલરો ફરજ બજાવે છે. પરંતુ તા - ૦૯/૦૪/૨૦૨૬ના અચાનક કોઈ પણ પૂર્વ જાહેરાત વગર આ ટેલિફોન, ઇન્‍કવાયરી અને કંટ્રોલરૂમને અલીગઢી તાળા મારી દેવામાં આવ્‍યા અને ઇન્‍કવાયરી નો ફોન ૦૨૮૧ ૨૨૩૫૦૨૬ પણ એકાએક બંધ કરી દેવામાં આવ્‍યો. જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલાએ સ્‍થળ પર દોડી જઈ વિભાગીય નિયામક શ્રી એમ.પી રાજને બંધ કંટ્રોલરૂમના ફોટા સાથે જાણ કરી તાત્‍કાલિક કંટ્રોલરૂમ પુનઃ શરૂ કરવા મેસેજ દ્વારા જાણ કરવામાં આવી જે પગલે પુનઃ ટ્રાફિક કંટ્રોલરની ઓફિસ અને ફોન શરૂ કરવામાં આવ્‍યા.

કલાકો સુધી રાજકોટ એસ.ટી બસપોર્ટ પર મુસાફરોને હાલાકી ભોગવવી પડી અને આ અંગે જવાબદાર કોણ? કોના કહેવાથી અને શા માટે કંટ્રોલરૂમ અને ફોન બંધ કરવામાં આવેલ હતો. 

(3:50 PM IST)