તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની ફરીયાદ અન્વયે ૬૩ દિવસે ગુન્હો નોંધ્યા બાદ હવે આરોપીને ઝડપી લેવામાં પોલીસની ઘોર બેદરકારી
સ્ત્રી સશકિતકરણના સરકારી દાવાઓ વચ્ચે રાજકોટની યુવતીને ઘોર અન્યાય : આરોપી ધૃવલ દેસાઇ તરફથી ભોગ બનનાર યુવતીની ઓળખ છતી કરવાના હિન પ્રયાસોને કારણે સોશ્યલ મીડીયામાં ભારે બદનામી અને અજાણ્યા ફોન કોલ્સ થકી માનસીક ત્રાસ સહન કરતી યુવતીની ન્યાય માટે પોલીસ સમક્ષ આજીજી

રાજકોટ, તા., ૧૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી તે દુષ્કર્મની ઘટનાની ફરીયાદી યુવતીને ભયંકર અન્યાય થઇ રહયાની રજુઆતો ખુદ ભોગ બનનાર યુવતી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અખબારોને કરવામાં આવી છે. ભુતકાળમાં ટયુશનમાં આવતા વિદ્યાર્થીએ ઘણા સમય પછી વોટસએપ મેસેજથી સંપર્ક શરૂ કર્યા બાદ લગ્નની લાલચ આપી નિર્દોષ યુવતીનું શારીરીક શોષણ કર્યાનો ગુન્હો છેક ૬૩ દિવસ બાદ પોલીસે નોંધ્યો હતો અને હવે ઝેર પીવાનું નાટક કરી વારાણસીની હોસ્પીટલમાં દાખલ થયેલા આરોપીને ઝડપી લેવામાં રાજકોટ પોલીસ દ્વારા ભયંકર બેદરકારી આચરવામાં આવતી હોવાની લેખીત ફરીયાદ યુવતીએ નોંધાવી છે.
પોતાની લેખીત ફરીયાદમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ જણાવ્યું છે કે, રાજય સરકાર મહિલા સશકિતકરણની મોટી મોટી વાતો કરે છે, તાજેતરમાં માર્ચ માસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મને ખુબ જ અન્યાય થઇ રહયો છે.
તા.ર૩-૩-ર૦ર૬ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજી. નં. ૧૧ર૦૮૦૩ પર૬૦ર૦૪/૨૦૨૬, બીએનએસ કલમ ૬૪ (ર) (એમ), ૬૯, ૩૧૬ (ર) મુજબ આરોપી ધૃવલ પંકજભાઇ દેસાઇ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આજે દિવસોના દિવસો વિતવા છતા આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા અક્ષમ્ય બેદરકારી દાખવાઇ રહયાનો આક્ષેપ યુવતીએ કર્યો છે. તા. ૭ એપ્રિલના રોજ ડીસીપી-ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવાને કરેલી ફરીયાદ અરજીમાં તેની ફરીયાદ સંદર્ભે પોલીસ દ્વારા થયેલા અન્યાયનો ચિતાર આપતા ૧૧ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુદાઓમાં ૨૦-૧-૨૦૨૬ના રોજ દુષ્કર્મ અંગે ૩ આરોપીઓ સામે આપેલી ફરીયાદ બાદ તા. ર૭-૧-ર૦ર૬ના આમ્રપાલી પોલીસ ચોકીમાં ફરીયાદીને બોલાવી સમાધાન માટે થયેલા દબાણ, તા.ર૮-૧-ર૦ર૬ના સાંજે પાંચ વાગ્યે તેણીનું નિવેદન નોંધી વંચાવ્યા વગર પોલીસે લઇ લીધેલી સહી અંગે અને બાકી રહી જતી વિગતો તમારો વિડીયો બનશે તેમ કહી ઉડાવી દીધાનો ઉલ્લેખ કરાયો છે. ત્યાર બાદ ૩-ર-ર૦ર૬ના આરોપીના મા-બાપ મળવા માંગે છે તેમ કહી સાંજે ૬.૦૦ વાગ્યે મા-બાપ, મંગેતર અને બે મિત્રોએ ધૃવલ તરફથી માફી માંગી ફરીયાદ પાછી ખેંચવા પોલીસની હાજરીમાં ગેરવર્તન અને અપશબ્દો બોલી હલકી ચિતરવાના કરેલા પ્રયાસ વખતે પોલીસે મુંગા મુંગા તાલ તાશીરો જોયાનું જણાવી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની હાજરીમાં માફી માંગી સમાધાન માટે દબાણ કરેલું પરંતુ મેં ન્યાયની માંગણી દોહરાવી હતી. તા.૧૦-ર થી ૧૩-ર દરમિયાન અનેકવાર હું મારા પિતાશ્રીને બ્રેઇનસ્ટ્રોક આવ્યો હોવાના કારણે હોસ્પીટલની દોડધામમાં હતી ત્યારે મારા નંબર પોલીસ દ્વારા ધર્મેશભાઇ એડવોકેટને આપી મને તેમની ઓફીસે બોલાવવા જણાવાયું હતું. પરંતુ મેં સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત ૯-૩-૨૦૨૬ના આમ્રપાલી ચોકીએ હું રૂબરૂ મારી ફરીયાદ સંદર્ભે શું કાર્યવાહી થઇ ? તે જાણવા ગઇ ત્યારે હાજર પુરૂષ અધિકારીએ જોશી મેડમ રજા ઉપર છે તમે ૧૭-૧૮ તારીખે આવો. આ તારીખે સતત ફોન કરવા છતા કોઇ રીસ્પોન્સ આપવામાં આવ્યો ન હતો. તા. ૧૯-૩ ના ફરી હું રૂબરૂ ગઇ ત્યારે ઉપલા અધિકારીને મળ્યા પછી સાંજે નિવેદન લીધું હતું. જે નિવેદન મારા કહેવા મુજબનું ન હોવાથી મેં સહી કરી ન હતી. તેથી મારી સાથે ગેરવર્તન કરી કહેવામાં આવેલ કે ધૃવલે તમને સ્કુલમાં મેસેજ કરેલા તેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જવુ પડશે.
તા. ર૦-ના રોજ મહિલા પોલીસ અધિકારીને ફોન કર્યો હતો પણ તેમણે ફોન ઉપાડયો ન હતો. સાંજે ૪ વાગ્યે પુરૂષ અધિકારી દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતુ અને ફરી આમ્રપાલી ચોકીથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને આવવા જણાવાયા બાદ છેક ૬૩ દિવસે તા. ર૩-૩-ર૬ના મારી ફરીયાદ નોંધવામાં આવેલ.
મારી ફરીયાદ નોંધવા સમયે ઘણા મહિલા પોલીસ અધિકારીઓ હાજર હોવા છતા કાર્યવાહી પુરૂષ દ્વારા કરવામાં આવી હતી. તા. ર૦ જાન્યુઆરીથી ર૩ માર્ચ સુધી મહિલા દુષ્કર્મની ગંભીર ફરીયાદ હોવા છતા મદદનીશ પોલીસ કમિશ્નર (મહિલા સેલ) કે નાયબ પોલીસ કમિશ્નર (મહિલા સેલ) ને કોઇ પણ કારણોસર જાણ કરવામાં આવી નથી. મારી લેખીત ફરીયાદમાં ૩ આરોપી દર્શાવાયા છતાં ફરીયાદમાં એક જ આરોપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારી ફરીયાદ બાદસ્ત્રી અધિકારો મુજબ માહિતી ગુપ્ત રહેવી જોઇએ તેના બદલે જાહેર થઇ ગઇ છે અને આરોપી તરફથી ખુલ્લેઆમ અંગત વાતો કે મેસેજ સહિતની માહીતીઓ વિવિધ સોશ્યલ માધ્યમોમાં વાયરલ કરવામાં આવી હોવાથી આજે હું સમાજમાં મોં બતાવવાને લાયક રહી નથી. સોશ્યલ મીડીયા ઉપર અજાણ્યા ફોન કોલ્સ અને અજાણ્યા મેસેજ દ્વારા માનસીક ત્રાસ આપવામાં આવી રહયો છે. આ બધી વિગતો સાથેની મારી ફરીયાદને તુરંત ધ્યાને લઇ મારી બદનક્ષી અને સાયબર ક્રાઇમ અંગે અલગથી ગુન્હાઓ નોંધવા મારી માંગણી છે તેવું ભોગ બનનાર યુવતીએ જણાવ્યું છે. તેણે એવો આક્ષેપ પણ કર્યો છે કે આરોપી ધૃવલ દવા પીવાનું નાટક કરી વારાણસીમાં દાખલ થયો હોવા છતા રાજકોટ પોલીસે વારાણસી પોલીસને જાણ કરી તેના પર જાપ્તો બેસાડવાની તસ્દી લીધી ન હતી. આમ ફરીયાદ નોંધવા પહેલા અને નોંધાયા બાદ ડગલેને પગલે મને અન્યાય થઇ રહયો છે તેમ યુવતીએ અંતમાં જણાવ્યું છે.
(3:49 PM IST)










