<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી સાથે રૂ. ૫.૬૬ લાખનું સાયબર ફ્રોડ

ગઠિયાઓએ બેન્‍ક કર્મચારીના નામે ફોન કરી કેવાયસીના બહાને હિતેષ ધોળકીયાની એફડી તોડાવી બેંક ખાતું સાફ કરી નાખ્‍યું

રાજકોટ તા.૧૦: શહેરના રૈયા રોડ વિસ્‍તારમાં રહેતા અને જિલ્લા પંચાયતના નિવળત્ત કર્મચારી સાયબર ગઠિયાઓનો શિકાર બન્‍યા છે. બેંકના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ગઠિયાઓએ નિવળત્ત કર્મચારીના ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ રૂ. ૫,૬૬,૮૩૪ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.

આ બનાવની વિગતો મુજબ હિતેષભાઇ લલીતભાઈ ધોળકીયા (ઉ.વ. ૬૦), જેઓ રાજકોટના રૈયા રોડ પર આવેલ સુભાષનગરના ઓમ એપાર્ટમેન્‍ટ (ફ્‌લેટ નં. ૩૦૨)માં રહે છે. તેઓ અગાઉ જિલ્લા પંચાયતમાં વર્ક આસિસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવળત્ત જીવન ગુજારે છે. વધુ માહિતી અનુસાર ગત તા. ૨૩/૧૦/૨૫ના રોજ હિતેષભાઇના મોબાઈલ પર એક અજાણ્‍યા નંબર પરથી ફોન આવ્‍યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ એક્‍સીસ બેંકના કર્મચારી તરીકે આપી હતી અને જણાવ્‍યું હતું કે તમારા બેંક ખાતાનું કેવાયસી અપડેટ કરવું પડશે. વિશ્વાસ જીતવા માટે તેણે વ્‍હોટ્‍સએપ પર એક એપીકે ફાઇલ મોકલી હતી અને તેને ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરવા જણાવ્‍યું હતું.

ફરિયાદીએ અજાણતામાં તે ફાઇલ ડાઉનલોડ કરી તેમાં પોતાના ડેબિટ કાર્ડ અને અન્‍ય વિગતો ભરી દીધી હતી. ત્‍યારબાદ તા. ૨૫/૧૦/૨૫ના રોજ ગઠિયાએ ફરી ફોન કરી ‘‘ઓવરડ્રાફ્‌ટ'' સુવિધા શરૂ કરવાના બહાને હિતેષભાઇ પાસે તેમની ફિક્‍સ ડિપોઝિટ તોડાવડાવી હતી. ત્‍યારબાદ વિવિધ ઓટીપી મેળવી ગઠિયાઓએ અલગ-અલગ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા કુલ રૂ. ૫,૬૬,૮૩૪ની રકમ ટ્રાન્‍સફર કરી લીધી હતી.

જ્‍યારે એક્‍સીસ બેન્‍કના કસ્‍ટમર કેરમાંથી શંકાસ્‍પદ ટ્રાન્‍ઝેક્‍શન અંગે ફોન આવ્‍યો, ત્‍યારે હિતેષભાઇને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેમણે તાત્‍કાલિક પોતાનો ફોન ફોર્મેટ કરી નાખ્‍યો હતો. તા. ૨૭/૧૦/૨૦૨૫ના રોજ બેંકમાં જઈ તપાસ કરતા માલુમ પડ્‍યું કે ૨૪ ઓક્‍ટોબરના રોજ અલગ-અલગ ટ્રાન્‍ઝેક્‍શન આઈડી દ્વારા લાખો રૂપિયા ખાતામાંથી નીકળી ગયા છે. ભોગ બનનાર હિતેષભાઇએ તુરંત સાયબર હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એકનોલેજમેન્‍ટ નંબર જનરેટ થયો હતો. હાલ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ વાય.ડી. જાડેજાએ આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોઈ પણ અજાણી વ્‍યક્‍તિના કહેવાથી મોબાઈલમાં લિંક દ્વારા એપીકે  ફાઇલ ઇન્‍સ્‍ટોલ કરવી નહીં કે બેંકની વિગતો કે ઓટીપી શેર કરવા નહીં. તેમ સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્‍યું છે.

(2:15 PM IST)