<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

૨૨ વર્ષીય પરિણીતાનું તાવમાં મોત

દોઢ વર્ષની માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવીઃ પિયરમાં તબિયત લથડ્‍યા બાદ ઓપરેશન પણ નિષ્‍ફળ રહ્યું: ગાંધીગ્રામના પરિવારમાં ભારે કલ્‍પાંત

રાજકોટ, તા. ૯: શહેરના ગાંધીગ્રામ વિસ્‍તારમાં રહેતી એક ૨૨ વર્ષીય આશાસ્‍પદ પરિણીતાનું ટૂંકી બીમારી બાદ સારવાર દરમિયાન મોત નીપજતા સોલંકી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. સામાન્‍ય તાવ આવ્‍યા બાદ બીમારી મગજ સુધી પહોંચી જતા અને ઓપરેશન બાદ પણ તબિયત ન સુધરતા અંતે સિવિલ હોસ્‍પિટલના બિછાને દમ તોડ્‍યો હતો. આ ઘટનામાં દોઢ વર્ષની બાળકીએ માતાની મમતા ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

પ્રાપ્‍ત વિગતો અનુસાર, ગાંધીગ્રામના સત્‍યનારાયણનગર શેરી નંબર-૩માં રહેતા ઋતિકાબેન સનીભાઈ સોલંકી (ઉં.વ. ૨૨) ને ગત સપ્તાહે તાવ આવ્‍યો હતો, ત્‍યારબાદ તેમને શીતળા નીકળ્‍યા હતા. રાજકોટમાં પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓ આરામ કરવા માટે આટકોટ નજીક આવેલા પોતાના પિયર દળવા ગામે ગયા હતા.જોકે, ત્‍યાં ગત તા. ૨ એપ્રિલના રોજ તેમની તબિયત  અચાનક વધુ  લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. તાવ મગજમાં ચડી ગયો હોવાનું જણાતા તેમને તાત્‍કાલિક રાજકોટની ખાનગી હોસ્‍પિટલોમાં ખસેડવામાં આવ્‍યા હતા.

ગંભીર હાલતને જોતા ગત તા. ૫ એપ્રિલના રોજ ગોકુલ હોસ્‍પિટલ ખાતે ઋતિકાબેનના મગજનું ઓપરેશન પણ કરવામાં આવ્‍યું હતું. તેમ  છતાં તેમની સ્‍થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. ગઈકાલે તેમને બેભાન હાલતમાં જ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે રિફર કરવામાં આવ્‍યા હતા, જ્‍યાં આજે વહેલી સવારે ૬:૩૦ વાગ્‍યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મળતક ઋતિકાબેનના પતિ સનીભાઈ શાકભાજીનો વ્‍યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઋતિકાબેનના અકાળે અવસાનથી તેમની દોઢ વર્ષની માસૂમ દીકરી મા વિહોણી બની છે.

(3:50 PM IST)