<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

હોટેલ-રેસ્‍ટોરન્‍ટમાં વપરાતા પનીર અંગે બોર્ડ મારવું ફરજીયાત

મનપાએ એનાલોગ પનીરના નિયમ અંગે કડક સૂચના આપી ગ્રાહકોને ભ્રમિત કરનારા પેઢી સામે દંડ અથવા લાયસન્‍સ રદ કરવાની આકરી કાર્યવાહી કરાશે

રાજકોટ,તા.૮: શહેરમાં નકલી પનીર (ડેરી એનાલોગ) પીરસતા હોટલો અને રેસ્‍ટોરન્‍ટ્‍સ સામે તંત્ર લાલઘૂમ બન્‍યું છે. ગુજરાત રાજ્‍યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા કડક પરિપત્ર બાદ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્‍ય વિભાગ એક્‍શન મોડમાં આવી ગયો છે. છેલ્લા બે દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્‍તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું, જેમાં કુલ ૪૪ જેટલી હોટલો, રેસ્‍ટોરન્‍ટ્‍સ અને ફૂડ આઉટલેટ્‍સને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

તપાસ દરમિયાન અનેક સ્‍થળોએ ગ્રાહકોને જાણ કર્યા વગર વનસ્‍પતિજન્‍ય ફેટમાંથી બનેલું ‘‘ડેરી એનાલોગ'' પનીરના નામે પીરસવામાં આવતું હોવાનું સામે આવ્‍યું હતું. ગ્રાહકોને અંધારામાં રાખીને આ પ્રકારની પ્રવળત્તિઓ ચલાવવામાં આવતી હોવાથી તંત્રએ કડક વલણ અપનાવ્‍યું છે.

રાજ્‍ય સરકારના નવા આદેશ મુજબ, જો કોઈ ફૂડ આઉટલેટ અસલી પનીરની જગ્‍યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તો તેને મેનૂ કાર્ડમાં સ્‍પષ્ટ રીતે “Analogue Paneer” લખવું ફરજિયાત બનાવવામાં આવ્‍યું છે. જેમ કે ‘‘પનીર ટીક્કા મસાલા''ની જગ્‍યાએ “Analogue ટીકા મસાલા''દર્શાવવું પડશે, જેથી ગ્રાહકોને સાચી માહિતી મળી રહે.

આરોગ્‍ય વિભાગના સૂત્રોના જણાવ્‍યા મુજબ પનીરના નામે ડેરી એનાલોગ વેચવું ફૂડ સેફ્‌ટી એક્‍ટ હેઠળ મિસબ્રાન્‍ડિંગ અને છેતરપિંડીનો ગુનો બને છે. નોટિસ આપવામાં આવેલી પેઢીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ મેનૂ કાર્ડ અને ડિસ્‍પ્‍લે બોર્ડમાં સ્‍પષ્ટ માહિતી દર્શાવે. જો આ નિયમોનું પાલન નહીં થાય તો ફૂડ સેફ્‌ટી એક્‍ટની કલમ ૫૧, ૫૩ અને ૫૯ હેઠળ ભારે દંડ અથવા લાયસન્‍સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

(3:32 PM IST)