તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
મનપાના ૭૫ કર્મચારીઓના પગાર વધારાને અંતે કમિશનરની મંજુરી
સ્ટેન્ડિંગ કમિટીએ આર્થિક બોજ કહી નકારી દરખાસ્તઃ જનરલ બોર્ડમાં અરજન્ટ તરીકે પસાર થયા બાદ અમલનો માર્ગ મોકળો

રાજકોટ, તા. ૮: રાજકોટ મહાનગરપાલિકામાં વર્ગ ૧ થી ૪ના કર્મચારીઓ અને અધિકારીઓના પગાર વધારાની ચર્ચાસ્પદ દરખાસ્તને અંતે કમિશનરની મંજુરી મળી ગઈ છે. અગાઉ આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાતા કરોડો રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ ઊભું થાય તેવી દલીલ સાથે તેને નામંજુર કરવામાં આવી હતી.
પરંતુ બાદમાં સંકલનના અભાવ અને કર્મચારી યુનિયનોની રજૂઆતોના યોગ્ય અભ્યાસ ન થવાનો મુદ્દો સામે આવતા આ જ દરખાસ્તને જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્ત તરીકે રજૂ કરી મંજુર કરવામાં આવી હતી. હવે લાંબા સમય બાદ કમિશનરે આ નિર્ણયને અનુમોદન આપતા પગાર સુધારાને લીલી ઝંડી મળી છે.
સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નં. ૫૪૭ તા. ૨૦/૦૨/૨૦૨૬ મુજબ મનપાની વિવિધ શાખાઓમાં કુલ ૯ સંવર્ગોના પગારધોરણમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ક્રમ નંબર ૧ અને ૨ના હોદ્દાઓ માટે સરકારની મંજુરી બાદ સુધારેલા પગારધોરણ લાગુ કરાશે, જ્યારે ક્રમ ૩ થી ૯ સુધીના સંવર્ગોમાં સીધો પગાર સુધારો અમલમાં મુકવામાં આવશે.
આ ઉપરાંત સંબંધિત કર્મચારીઓને નિમણૂક અથવા બઢતીની તારીખથી ઠરાવની તારીખ સુધી નોશનલ લાભ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. હાલ મનપામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓને જ આ લાભ મળશે.
(3:26 PM IST)










