<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

મવડીના આર્યમાન સોસાયટીમાં દૂષિત ભૂગર્ભજળથી હાહાકારઃ લતાવાસીઓનું થાળી-વેલણ સાથે વિરોધ પ્રદર્શન

આ સમસ્‍યાનું તાત્‍કાલિક ઉકેલ નહી આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી

 

દુષીત પાણી મુદ્દે આર્યમાન રેસીડેન્‍સીના રહેવાસીઓનું વિરોધ પ્રદર્શન : ચક્કાજામ : રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧ર સ્‍થિત આર્યમાન રેસીડેન્‍સીમાં દુષીત ભુગર્ભજળથી પરેશાન લતાવાસીઓએ આજે થાળી-વેલણ વગાડી, વિરોધ પ્રદર્શન નોંધાવી રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. રહેવાસીઓએ જણાવેલ કે, છેલ્લા ૧૦-૧ર દિવસથી ડ્રેનેજનું ગંદુ પાણી ભુગર્ભ જળમાં ભળી જતા પાણી દુષીત અને દુર્ગંધગ્રસ્‍ત બન્‍યું છે. જેના કારણે અનેક લોકો ઝાડા-ઉલ્‍ટી સહિતની આરોગ્‍ય સમસ્‍યાનો ભોગ બન્‍યા છે. ઉપરોકત તસવીરમાં ડીપવેલનું પાણી દુષીત હોવાનું દર્શાવતા સ્‍થાનીક, મહિલાઓનો થાળી-વેલણ સાથે વિરોધ તથા નીચેની તસવીરમાં સ્‍થાનીકો દ્વારા ચક્કાજામ કરાતા ટ્રાફીકજામ અને ફસાયેલ એમ્‍બ્‍યુલન્‍સ દર્શાય છે. (તસવીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટઃતા.૮,શહેરના મવડી વિસ્‍તારમાં વોર્ડ નં. ૧રમાં આવેલી આર્યમાન સોસાયટીમાં છેલ્લા ૧૦ થી ૨૦ દિવસથી દૂષિત ભૂગર્ભજળની ગંભીર સમસ્‍યા ઉભી થતાં રહેવાસીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. સોસાયટીમાં પુરવઠો થતું પાણી ડ્રેનેજ અથવા એસિડ જેવી દુર્ગંધ ધરાવતું હોવાના કારણે તેનો સ્‍વાદ પણ અપ્રિય બની ગયો છે. ત્‍યારે આજે વિસ્‍તારવાસીઓએ એકત્રીત થઇ થાળી, વેલણ વગાડી સુતેલા મનપા તંત્રને જગાડવા વિરોધ પ્રદર્શન કર્યુ હતું , જો આ સમસ્‍યા તાકિદ ે ઉકેલ નહી આવે તો આગમી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારવામાં આવી હતી.

આ અંગે  રહેવાસીઓએ આશંકા વ્‍યક્‍ત કરી છે કે ડ્રેનેજનું ગંદુ પાણી ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે, જેના કારણે અનેક લોકો ઉલટી, ઝાડા સહિતની આરોગ્‍ય સમસ્‍યાઓનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આ સમસ્‍યા વધુ ગંભીર બનતી જોવા મળી રહી છે.

આ પરિસ્‍થિતિને પગલે સોસાયટીના રહેવાસીઓએ તંત્રને તાત્‍કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે. તેઓએ પાણી પુરવઠા પ્રણાલી અને ડ્રેનેજ લાઇનનું તાત્‍કાલિક નિરીક્ષણ, લીકેજ શોધી બંધ કરવું, પાણીની ગુણવત્તા ચકાસણી તેમજ જરૂરી સુધારાત્‍મક પગલાં લેવાની માંગણી કરી છે.

આ મુદ્દે તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્‍યક્‍ત કરતાં સોસાયટીના લોકો આજે સવારે ૯:૩૦ વાગ્‍યે થાળી અને વેલણ સાથે વિરોધ પ્રદર્શન કરેલ , જેમાં અંદાજે ૧૦૦ થી ૧૨૫ લોકો જોડાશે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તાત્‍કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

(2:39 PM IST)