News of Wednesday, 8th April 2026
મેટોડા જીઆઇડીસીમાં આખલાઓ ઉપર એસીડ છાંટનાર બે મહિલાની ધરપકડ
પોતાની ગાયને આખલા હેરાન કરતા હોય એસીડ નાંખ્યાની પકડાયેલ મહિલાની કબુલાત

રાજકોટ, તા., ૮ : મેટોડા જીઆઇડીસીમાં આખલાઓ ઉપર એસીડ છાંટનાર બે મહિલાની પોલીસે ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ રવીભાઇ બાવનભાઇ મોરી રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧ ની અંદર અંજલી પાર્ક મણીરત્ન એપાર્ટમેન્ટ ૪૦૧, ઉતમભાઇ પટેલના ફલેટમાં ભાડેથી (૧) દિપાબેન દિલીપભાઇ રાઠોડ તથા (ર) શોભનાબેન નિર્મળભાઇ ઉદેશા રહે. બંને શ્રીનાથજી પાર્ક સોસાયટી મેટોડા સામે મેટોડા જીઆઇડીસીની પોલીસ મથકમાં ફરીયાદ નોંધાણી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં. ૧ તથા ર આજથી આશરે દશેક દિવસ પહેલા મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.રની સામે આવેલ ડાયમંડ પાર્ક સોસાયટીમાં પોતે પશુઓ પ્રત્યે અત્યંત નિર્દયતા દાખવી તેઓના અંગ ભંગ કરવાના તથા ગંભીર ઇજા પહોંચાડવાના ઇરાદે આઠથી દશ જેટલા નિરાધાર આખલાઓ ઉપર એસીડ છાંટી આંખલાઓને પુંઠના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજા કરી હતી.
આ ફરીયાદ અન્વયે મેટોડા જીઆઇડીસી પોલીસે ઉકત બંને મહિલાની ધરપકડ કરી હતી. પકડાયેલ બંને મહિલાઓએ પોતાને ગાયને આખલા હેરાન કરતા હોય એસીડ છાંટયાની કેફીયત આપી હતી.
(2:27 PM IST)










