News of Wednesday, 8th April 2026
રાજકોટ શહેર સમસ્ત મોચી સમાજ દ્વારા કાલે સંત શ્રી લાલબાપાનો ૮૫મો પૂણ્યતિથિ મહોત્સવ
મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણીનો કાર્યક્રમઃ નવા પ્રમુખની જાહેરાતઃ ૧૪ સંસ્થાઓ કાર્યરત

રાજકોટઃ સંત શિરોમણી ભક્તરાજ પૂજ્ય સંત શ્રી લાલબાપાની ૮૫મી પૂણ્યતિથિ નિમિતે સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ, રાજકોટ શહેર દ્વારા એક વિરાટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટ શહેરની તમામ સહયોગી સંસ્થાઓ એકમંચ પર આવીને આ દિવ્ય પ્રસંગની ઉજવણી કરી રહી હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
આ ભક્તિમય મહોત્સવ તા.૯ ગુરૂવારે સાંજે ૫ થી રાત્રે ૧૦ સુધીનો ‘લાલાબાપા ધામ' ગોલ્ડન પાર્ટીલોન્સ, અયોધ્યા ચોક, સીનર્જી હોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપ પ્રાગટયથી થશે, ત્યારબાદ મહાઆરતી થશે. બાદ જાણીતા કલાકારો દ્વારા સંતવાણીની રમઝટ બોલાવવામાં આવશે, જેમાં ભક્તો સંતોના ભજનોમાં લીન થશે. ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.આ પ્રસંગે સમસ્ત જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર સમસ્ત મોચી સમાજના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે.
શ્રી મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ (મોચી મંદિર), શ્રી માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના, શ્રી મોચી જ્ઞાતિ સેવા ટ્રસ્ટ(લાલ ભવન), અને સંત શ્રી લાલાબાપા યુવક મંડળ ઉપરાંત રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ, શ્રી નામલધામ ગ્રુપ અને મોચ જ્ઞાતિ સ્પોર્ટસ ફેડરેશન, શ્રી રામદેવપીર મોચી જ્ઞાતિ ટ્રસ્ટ ગાંધીગ્રામ. જેવી સંસ્થાઓ તેમજ આયોજનના મુખ્ય નિમંત્રક અને સંયોજક તરીકે ભરતભાઈ પરમાર (રાહુલ ઓર્નામેન્ટ)સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે (મો.૭૩૮૩૬ ૮૦૩૦૩) ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં સુરેશભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ ચૌહાણ, ભરતભાઈ બી.પરમાર, કમલેશભાઈ ચાપડી, વિપુલભાઈ વાઢીયા અને દિનેશભાઈ ચાવડા નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:17 PM IST)










