તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
કોર્પોરેશન ચૂંટણીઃ ઉમેદવારોએ અંગત વિગતોથી લઇ ગુનાહિત ઇતિહાસ-મિલકતોની પારદર્શક માહિતી આપવી ફરજીયાત
કાલે રાજકીય પક્ષોની હાજરીમાં મોકપોલ : અપક્ષ માટે જે તે વોર્ડના ૧૦ મતદારો દરખાસ્ત કરનાર તરીકે હોવા આવશ્યક

રાજકોટ, તા. ૭: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નમૂના-૩ મુજબના ઉમેદવારી પત્રમાં ઉમેદવારોએ પોતાની અંગત વિગતોથી લઈને ગુનાહિત ઈતિહાસ અને મિલકતોની પારદર્શક માહિતી આપવી ફરજિયાત રહેશે, કાલે ચ્સ્પ્ વેર હાઉસ ખાતે રાજકીય પક્ષોની હાજરીમાં મોકપોલ થશે.ચૂંટણી નિયમો મુજબ, ઉમેદવારી પત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પક્ષ દ્વારા નિર્દિષ્ટ ઉમેદવારે ભાગ-૧ અને ભાગ-૩ ફોર્મ ભરવાનું રહેશે. અપક્ષ અથવા નોંધાયેલા બિન-માન્ય પક્ષઃ આવા ઉમેદવારોએ ભાગ-૨ અને ભાગ-૪ નો ઉપયોગ કરવાનો રહેશે. મહત્વની વાત એ છે કે, અપક્ષ ઉમેદવાર માટે વોર્ડના ૧૦ મતદારો દરખાસ્ત કરનાર તરીકે હોવા આવશ્યક છે. અપક્ષ ઉમેદવારોએ પોતાની પસંદગીના ત્રણ પ્રતીકો ક્રમ અનુસાર દર્શાવવાના રહેશે, જેમાંથી ચૂંટણી અધિકારી દ્વારા ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવાર એક સાથે બે થી વધુ વોર્ડમાં ઉમેદવારી કરી શકશે નહીં તેવી બાંહેધરી પણ આપવાની રહેશે.
(2:47 PM IST)










