News of Monday, 6th April 2026
રાજકોટ મનપા ચૂંટણીઃ ખાનગી સર્વેમાં વોર્ડ નં. ૧૭ ડેન્જર ઝોન જાહેર થવાના અહેવાલને પગલે પ્રથમ ઈચ્છા જાહેર કર્યા બાદ ગૌતમ ગોસ્વામીની ચૂંટણી ન લડવાની જાહેરાતથી ભારે ચર્ચા

રાજકોટઃ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ૧૧૦૦ જેટલા ઉમેદવારો ટિકિટની લાઇનમાં છે, ત્યારે વોર્ડ નં. ૧૭ના પ્રબળ દાવેદાર ગણાતા ગૌતમ ગોસ્વામીએ અચાનક ચૂંટણી ન લડવાનો નિર્ણય લેતા ભારે આヘર્ય સર્જાયું છે.
એક ખાનગી સર્વેમાં આ વોર્ડને ભાજપ માટે મુશ્કેલ દર્શાવવામાં આવ્યો હતો, જેના પગલે ઉમેદવારી નોંધાવતા પહેલા જ તેમણે પીછેહઠ કરી હોવાની ચર્ચા છે. તેમના આ નિર્ણયથી પક્ષને અન્ય વોર્ડમાં પણ અસર પહોંચી શકે છે. જોકે તેમણે પક્ષને ખાતરી આપી છે કે આ વોર્ડમાં જે ચાર ઉમેદવારને ઉભા રાખવામાં આવશે તેમને જીતાડવા માટે પોતે પૂરેપૂરી મદદ કરશે.
અકિલાના અઢારે અઢાર વોર્ડના ખાનગી સર્વેમાં વોર્ડ નં. ૧૭માં ભાજપની સ્થિતિ નબળી હોવાનો અને આ વિસ્તાર ભાજપ માટે ડેન્જર ઝોન સાબિત થઈ શકે તેવો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.
ગૌતમ ગોસ્વામીએ અચાનક ઉમેદવારી પાછી ખેંચતા, તેમણે ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસ સામે ચૂંટણી લડ્યા વિના હાર માની લીધી હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા.
અગાઉ શહેર ભાજપના મહામંત્રી પદ માટે એડીચોટીનું જોર લગાવનાર અને ટિકિટ માટે ભારે મહેનત કરનાર ગોસ્વામીએ અચાનક ના પાડી દેતા, આ નિર્ણય પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે તે મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
વોર્ડ નં. ૧૭માં બક્ષીપંચ પુરુષ બેઠક માટે તેમનું નામ મોખરે હતું, પરંતુ અચાનક લેવાયેલા આ પગલાથી વોર્ડના કાર્યકર્તાઓમાં અનેક તર્કવિતર્ક.
વિગતવાર જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. રાજકીય પંડિતો મારફત શહેરના ૧૮ વોર્ડમાં એક ખાનગી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કયા વોર્ડમાં ભાજપની સ્થિતિ કેવી છે તેનો અછડતો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને વોર્ડ નં. ૧૭ને ભાજપ માટે ડેન્જર ઝોન સમાન ગણાવવામાં આવ્યો હતો. આ અહેવાલો બાદ અચાનક જ ગૌતમ ગોસ્વામીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નં. ૧૭માં ભાજપની સ્થિતિ ડામાડોળ હોવાની અટકળો તેજ બની છે.
નોંધનીય છે કે, ભાજપમાં હાલ ૧૧૦૦ જેટલા ઉમેદવારો ટિકિટ મેળવવા માટે કતારમાં છે. ત્યારે ગૌતમ ગોસ્વામીએ લીધેલા આ નિર્ણય પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે તે અંગે સવાલો ઊભા થયા છે. અગાઉ શહેર ભાજપ સંગઠન મહામંત્રી પદ મેળવવા માટે તેમણે તનતોડ મહેનત કરી હતી, પરંતુ તેઓ તેમાં પાછા પડ્યા હતા. ત્યારબાદ ચૂંટણી લડવાની તેમની પ્રબળ માંગ હતી. આ પરિસ્થિતિમાં ટિકિટ માટે પ્રયાસો કર્યા બાદ અચાનક ચૂંટણી લડવાની ના પાડનાર તેઓ પ્રથમ નેતા હોવાનું જાણવા મળે છે. તેમની આ પીછેહઠની અસર અન્ય અનેક વોર્ડમાં ભાજપને ફટકો પાડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ખાનગી સર્વેમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આ વોર્ડમાં વિકાસના નામે શૂન્ય કામગીરી થઈ છે, દારૂ જેવા દૂષણોને લઈને સ્થાનિક જનતા લાલઘૂમ છે, અને કોર્પોરેટરો લોકોની વચ્ચે વોર્ડમાં રહેવાને બદલે માત્ર બોર્ડ (હોર્ડિગ્સ) પૂરતા સીમિત રહ્યા હોવાની મતદારોમાં વ્યાપક નારાજગી છે.
મતદારોનો મિજાજ ખૂબ આક્રમક હોવાથી એવું ફલિત થાય છે કે ગૌતમ ગોસ્વામીએ પોતાની ઉમેદવારી ખેંચી લઈને કોંગ્રેસ સામેનો મુકાબલો ટાળી અગાઉથી જ હાર સ્વીકારી લીધી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ વોર્ડમાં અનિતાબેન ગોસ્વામી સળંગ ૧૦ વર્ષ સુધી કોર્પોરેટર પદે રહ્યા હતા. ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસનું મોટું વાવાઝોડું હતું, ત્યારે પણ આ વોર્ડમાંથી માત્ર અનિતાબેન જ ચૂંટાઈ આવ્યા હતા.
આ વખતની ચૂંટણીમાં વોર્ડ નં. ૧૭માં બક્ષીપંચ પુરુષ બેઠક માટે ગૌતમ ગોસ્વામીનો રથ આગળ વધે તે પહેલાં જ, તેમણે કોના કહેવાથી આવું પગલું ભર્યું તે હાલ વોર્ડ નં. ૧૭ના કાર્યકર્તાઓમાં મુખ્ય ચર્ચાનો વિષય બની ગયો છે.
(3:41 PM IST)










