<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

મનપાની ચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળશેઃ૨૫-૨૬ એપ્રિલનાં હોલ બુકીંગ રદ્દ

લગ્ન, સગાઈ સહિતના પ્રસંગો માટે ૪૫ દિવસ પહેલા બુક કરાવેલ પરિવારોમાં દોડધામઃ લોકો હેરાન પરેશાન

રાજકોટ, તા.૪: મહાનગરપાલિકાના ૨૩ લગ્ન હોલ અને કોમ્‍યુનિટી હોલનું બુકીંગ કાયમી હાઉસફુલ રહેતું હોય છે. ૩૦ દિવસ અને ૪૫ દિવસના બુકીંગ નિયમો અંતર્ગત અનેક પરિવારો દ્વારા પોતાના સંતાનોના લગ્ન, સગાઈ સહિતના અન્‍ય પ્રસંગો માટે હોલ બુક કરાવ્‍યા હતાં. પરંતુ ચૂંટણી નક્કી હોવા છતાં મહાનગરપાલિકાએ પણ બુકીંગ ચાલુ રાખી અનેક પરિવારોને અંધારામાં રાખવાનું કામ કર્યુ હતું. ચૂંટણી પંચ દ્વારા તા.૨૬ના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરાતા હવે તંત્રએ ચૂંટણી માટેના બહાર ગામથી આવતાં સ્‍ટાફને ઉતારો આપવા માટે લગ્ન હોલમાં ગોઠવણ કરી અનેક પરિવારોના બુકીંગ તા.૨૫ અને ૨૬ના રદ કરી દેતાં દેકારો બોલી ગયો છે. ગત ચૂંટણી વખતે તંત્ર દ્વારા ચૂંટણીના સ્‍ટાફ માટે અલગ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ પરંતુ આ વખતે અચાનક બુકીંગ રદ કરાતાં અનેક પરિવારો દોડતાં થઈ ગયા છે.

 મહાનગરપાલિકાની શાસક બોડીની મુદત ૧૧ માર્ચે પૂરી થવાની હતી.  એ  હવે જ્‍યારે ચૂંટણી માટે આ બુકિંગ્‍સ રદ કરવાની નોબત આવી છે ત્‍યારે મનપા તંત્રના મિસમેનેજમેન્‍ટના કારણે અનેક પરિવારોના પ્રસંગ બગડે એવી હાલત થઈ છે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી માટે મતદાની તારીખ ૨૬ એપ્રિલ ફાઈનલ થઈ છે ત્‍યારે તંત્ર એમાં પરોવાઈ ગયું છે, એવા સમયે જરૂર પડયે સરકારી ઈમારતોનો ઉપયોગ કરી શકાય એ હેતુથી રાજકોટ શહેરમાં આવેલા મહાનગરપાલિકાના તમામ કોમ્‍યુનિટી હોલના તા. ૨૫ અને ૨૬ એપ્રિલ તથા એની આસપાસના બુકિંગ રદ કરવામાં આવશે. ચૂંટણી વિભાગના અધિકારીઓ સહિતની ટીમોએ આ મામલે શુક્રવારે મનપા કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં મનપા હસ્‍તકના ૩૨ કોમ્‍યુનિટી હોલ અંગે ચૂંટણીના મતદાન દિવસ દરમિયાન થયેલા તમામ બુકિંગ રદ કરવા માટે સૂચના આપી હતી. ત્‍યાર બાદના સમયમાં ચૂંટણીઓ યોજાવાની હતી એ પણ જાણ હોવા છતાં મનપાના તંત્ર દ્વારા વિવિધ હોલના બુકિંગ ચાલુ રખાયા હતા. લોકોએ અજાણ હોવાથી બૂકીંગ કર્યા હતા. હવે જ્‍યારે ચૂંટણી માટે આ બુકિંગ્‍સ રદ કરવાની નોબત આવી છે ત્‍યારે મનપા તંત્રના મિસમેનેજમેન્‍ટના કારણે અનેક પરિવારોના પ્રસંગ બગડે એવી હાલત થઈ છે.

મહાનગરપાલિકા દ્વારા બુક કરનાર પરિવારોને ફોન દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. તમારા લગ્નપ્રસંગના દિવસે જ મતદાન હોવાથી તમારું બુકિંગ રદ કરવું પડશે. જેના લીધે અનેક પરિવાર  ચિંતામાં મુકાઈ ગયો છે. ઘણા દિવસો પહેલાં બુકિંગ કર્યું હતું. કંકતરીઓ પણ સગાસંબંધીઓને અપાઈ ગઈ હતી. તે ઘણું કરગર્યો પણ ચૂંટણી હોવાથી કંઈ થઈ ન શકે એમ હોવાથી તેણે નિરાશ પરત ફરવું પડયું હતું. અને હવે ભર સિઝનમાં લગ્ન માટે મોંઘા ભાવના પાર્ટી પ્‍લોટ તેમજ લગ્ન હોલ શોધવા માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. તેમ અનેક પરિવારોએ જણાવ્‍યું હતું.

(2:42 PM IST)