તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd April 2026
મોરબી રોડ ઉપર ઇમીટેશનના પાંચ ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા
જીવરાજ પાર્ક મેઇન રોડ પરથી ઓનલાઇન ક્રિકેટનો જુગાર રમતો વિદ્યાર્થી પોલીસની ઝપટે ચડી ગયોઃ દેશી-વિદેશી દારૂ સાથે પાંચ ઝડપાયા

રાજકોટ તા.૩: બી ડીવીઝન પોલીસ સ્ટેશનના નરેશભાઇ ચાવડા અને એસ.એન. શ્યોરાએ મળેલી બાતમીના આધારે મોરબી રોડ જકાતનાકા પાસે સતનામ પાર્ક, શેરી નં.૧માં આવેલા હરસિધ્ધી કૃપામાં દરોડો પાડી મકાનમાલીક સહિત પાંચ ઇમીટેશનના ધંધા સાથે સંકાળયેલા વેપારીઓ અને કારીગરોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
જુગાર રમતા ઝડપાયેલાઓમાં નીલેશ લાલજીભાઇ ભોગાયતા (ઉ.વ.૪૮) ધંધો.ઇમીટેશન રે.સતનામ પાર્ક, હરસિધ્ધી પાર્ક, પ્રશાંત ભાણજીભાઇ રાજપરા-પટેલ (ઉ.વ.૩૨) ધંધો.વેપાર, રે. હરસિધ્ધી પાર્ક મેઇન રોડ, ચામુંડા પાન પાસે, ગ્રીનલેન્ડ ચોકડી નજીક, અરવિંદ ચતુરભાઇ પાથર - સગર (ઉ.વ.૫૦) ધંધો.મજુરી રે.ભગીરથ સોસાયટી શેરી નં.પ, સંતકબીર રોડ, મુકેશ મગનભાઇ માલકીયા- કોળી (ઉ.વ.૪૦) ધંધો.ઇમીટેશન, રે.શ્યામનગર શેરી નં.૧ સંતકબીર રોડ અને કાનજી દેવરામભાઇ ભોગાયતા (ઉ.વ.૫૦) ધંધો. ઇમીટેશન શ્રીહાઇટસ, વીંગ-એ, ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે જુના મોરબી રોડનો સમાવેશ થાય છે. પોલીસે ગંજીપાના અને રોકડા ૪૬,૦૭૦ રૂા. કબ્જે કર્યા હતા.
ક્રિકેટનો જુગાર
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જીવરાજપાર્ક મેઇન રોડ, સત્યજીત સોપાન ફલોરા નેસ્ટ બીલ્ડીંગ પાસે જાહેરમાં મોબાઇલ એપ ઉપર ક્રિકેટનો જુગાર રમી રહેલા પ્રથવ જીગ્નેશભાઇ વાગડીયા- પટેલ (ઉ.વ.૨૦) નામના રાધે પાર્કમાં રહેતા વિદ્યાર્થીને પી.એસ.આઇ બી.આર. ભરવાડ અને પોલીસમેન નિકુંજભાઇ મારવીયાએ ઝડપી લઇ આઇફોન-૧૬ પ્રો કિંમત રૂા.૫૦,૦૦૦નો કબ્જે કર્યો હતો. આ વિદ્યાર્થી રેડી ૬૬માં આર ૯ પ્રથવ ૬૧૫૫ વાળી આઇડી ઉપર ક્રિકેટનો જુગાર રમી રહયો હતો.
દેશી- વિદેશી દારૂ સાથે પાંચ ઝડપાયા
એલસીબી ઝોન-રના કુલદિપસિંહ રાણા અને હેડકોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલે માધાપર ચોકડીએ ડી-માર્ટની પાછળ ખુલ્લી જગ્યામાંથી અજય કલજીભાઇ વાઘેલા (ઉ.વ.૨૮)ને ૧૮ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ. જયંતિભાઇ રાઠોડ અને પોલીસમેન ઉમંગ જોશીએ પુષ્કરધામ રોડ ઉપર આવેલા કેવલમ આવાસ યોજનામાં ભાડેથી રહેતા અને ટેટુ ચીતરવાનું કામ કરતા રાજેશ દલસુખભાઇ વાઘેલા (ઉ.વ.૨૮)ને રીટઝ રીઝર્વ નામના દારૂની ૧૮૦ એમએલની બે બોટલ સાથે ઝડપી લીધો હતો. બીજા દરોડામાં આ બન્ને પોલીસમેને કેવલમ કવાટરમાંથી જ હિરેન જગદીશભાઇ મંડલી - પ્રજાપતિ (ઉ.વ.૩૨) ધંધો.કડીયાકામ, રે.શીવશકિત કવાર્ટરની સામે યુનિવર્સીટી રોડને અંકલ ટોમ પ્યોર ગ્રેઇન વોડકાની ૧૮૦ એમ.એલ.ની બે બોટલ સાથે ઝડપી લીધો હતો.
એલસીબી ઝોન-રના એએસઆઇ જે.વી. ગોહિલે રૈયાધાર મફતીયાપરામાં ઇન્દીરાનગર વિનાયક ફલેટની પાછળથી ૧૫ લીટર દેશી દારૂ સાથે અલ્પા દિપકભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નામની મહિલાને ઝડપી લીધી હતી. આવી જ રીતે એલસીબીના કુલદિપસિંહ રાણાએ રૈયાધાર મફતીયાપરા ચાર માળીયા કવાર્ટસ પાસેથી ૧૦ લીટર દેશી દારૂ સાથે રેખા મનીષભાઇ ભોણીયા (ઉ.વ.૪૫)ને ઝડપી લીધી હતી.
(3:32 PM IST)










