News of Friday, 3rd April 2026
રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો છવાયા : છાંટા ચાલુ
શહેરમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટોઃ સૂર્યનારાયણે દર્શન દીધા બાદ ગાયબ : ગરમીથી આંશિક રાહત, પવન શાંત, માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ

રાજકોટઃ છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી ગરમી અને બફારા વચ્ચે આજે શુક્રવારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે વહેલી સવારથી જ શહેરનું આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગે હળવો વરસાદ ચાલુ છે.
વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનના પારામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા રાજકોટવાસીઓને મોટી રાહત મળી છે. જોકે, વાદળોના ઘેરાવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારો પણ વર્તાઈ રહ્યો છે.
બીજી તરફ, આ બદલાયેલા વાતાવરણને લઈને શહેરના ઉપનગરીય વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં ખેતરોમાં રવિ પાકની કાપણી અને તૈયાર પાકને વેચાણ માટે લાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે જો કમોસમી વરસાદ પડે, તો તૈયાર પાક પલળી જવાની અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાની પૂરેપૂરી શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૪ થી ૪૮ કલાક દરમિયાન વાતાવરણમાં આવી જ અનિヘતિતા જોવા મળી શકે છે. તંત્ર દ્વારા પણ ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત સ્થાને રાખવા અથવા તાડપત્રીથી ઢાંકી દેવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ તો રાજકોટવાસીઓ ગરમીમાં રાહત અનુભવી રહ્યા છે, પરંતુ આકાશમાં છવાયેલા કાળા વાદળો કોઈ મોટી મુસીબત લઈને આવશે કે માત્ર ઠંડક આપીને વિખેરાઈ જશે, તે જોવું રહ્યું.(૪૧.૭)
(11:19 AM IST)










