તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
પગથીયાને બદલે લિફટના ગાળામાં પગ મુકાઇ ગયોઃ બીજા માળેથી પટકાતાં ચંદુભાઇ ભુતનું મોત
બાલાજી હોલ નજીક મેડીકેર હોસ્પિટલની બાજુમાં બાંધકામની સાઇટ પર બનાવઃ મજુરી કામ માટે આવેલા ૬૭ વર્ષના વૃધ્ધના મૃત્યુથી સહકાર સોસાયટીના પરિવારમાં ગમગીમી

રાજકોટ તા. ૨: દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ નજીક ઓમનગર પાસે આવેલી મેડીકેર હોસ્પિટલની બાજુમાં જ બાંધકામની સાઇટ પર કરૂણ બનાવમાં મજુરી કામ માટે આવેલા સહકાર સોસાયટીના વૃધ્ધનું બીજા માળેથી લિફટના ગાળામાં પગ મુકાઇ જવાથી પડી જતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ સહકાર સોસાયટી શેરી નં. ૮માં રહેતાં ચંદુભાઇ ગાંડુભાઇ ભુત (ઉ.વ.૬૭) ગઇકાલે મેડીકેર હોસ્પિટલની બાજુમાં જ કન્સ્ટ્રક્શનની સાઇટ પર કામે ગયા ત્યારે બીજા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. પરંતુ મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ મેડીકેર હોસ્પિટલના ડો. રીતેશ મારડીયાએ કરતાં માલવીયાનગરના હેડકોન્સ. એ. વી. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃત્યુ પામનાર ચંદુભાઇ ભુત ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. સગાના કહેવા મુજબ ગઇકાલે સવારે ટીફીન લઇને ચંદુભાઇ બાંધકામની સાઇટ પર કામ કરવા પહોંચ્યા હતાં. બીજા માળે ટીફીન મુકી પાછળ ફરી પગથીયાથી ઉતરવા માટે ત્યાં પગ મુકવાને બદલે ભુલથી લિફટ માટેના ખાલી ગાળામાં પગ મુકી દેતાં અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થઇ હતી અને સારવારમાં મૃત્યુ થયું હતું.
(3:40 PM IST)










