<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

રાજકોટ શહેર-જિલ્લામાં પાલિકા- પંચાયતો માટે ૨૨૦૦ મતદાન મથકો

કોર્પોરેશન, તાલુકા- જિલ્લા પંચાયત અને ગોંડલ સુધરાઇની ચૂંટણી માટે તા.૨૬મીએ મતદાન : કોર્પોરેશનની ૭૨, જિલ્લા પંચાયતની ૩૬ અને ૧૧ તાલુકા પંચાયતોની ૨૦૨ બેઠકો પર ચુંટણીઃ ચૂંટણી તંત્ર તૈયારીમાં વ્‍યસ્‍ત

 

રાજકોટ તા. ૨: રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો, ૧૧ તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાના ૧૧ વોર્ડની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૬ માટે મતદાન મથકો, બેઠકો, ઈ.વી.એમ., ફરજ પરના સ્‍ટાફ તથા મતદારોની વિગતો સ્‍થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.

રાજ્‍ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનું જાહેરનામું ૬ એપ્રિલે પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૩મીએ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૫મી એપ્રિલ છે. મતદાન ૨૬ એપ્રિલ ને રવિવારના રોજ સવારે ૭થી સાંજે ૬ સુધી થશે. જો જરૂર પડે તો પુનઃ મતદાન ૨૭મી એપ્રિલે થશે. મતગણતરી ૨૮મીએ થશે અને ૩૦મી એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૧થી ૧૮ વોર્ડમાં કુલ ૯,૮૫,૯૫૨ મતદારો નોંધાયા છે. જેમાં ૫,૧૦,૦૮૬ પુરૂષ મતદારો, ૪,૭૫,૮૪૮ મહિલા મતદારો અને ૧૮ અન્‍ય મતદારોનો સમાવેશ થાય છે. શહેરમાં ૧,૦૧૪ મતદાન મથકો નક્કી કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૮,૯૪૮ કર્મચારીઓ તૈનાત રહેશે. મતદાન માટે ૧,૧૬૩ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ (CU) અને ૨,૩૨૬ બેલેટ યુનિટ (BU) ફાળવવામાં આવ્‍યા છે. ચૂંટણીના સુચારૂ સંચાલન માટે વર્ગ-૧ કક્ષાના ૦૮ ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-૨ કક્ષાના ૨૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો અને ૧૧ તાલુકા પંચાયતોની ૨૦૨ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે કુલ ૧,૧૮૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્‍યા છે અને ૮,૪૮૦ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્‍યા છે. મતદાન માટે ૨,૬૭૫ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨,૬૭૫ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-૨ કક્ષાના ૨૨ ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-૩ કક્ષાના ૨૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 

ગોંડલ નગરપાલિકાના ૧થી ૧૧ વોર્ડમાં કુલ ૮૧,૪૭૧ મતદારો છે, જેમાં ૪૨,૨૩૫ પુરૂષ અને ૩૯,૨૩૦ મહિલા તથા ૦૬ અન્‍ય મતદારો છે. નગરપાલિકામાં ૮૬ મતદાન મથકો માટે ૧,૭૦૨ કર્મચારીઓ ફાળવવામાં આવ્‍યા છે. અહીં ૧૧૩ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨૨૬ બેલેટ ચુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-૧ કક્ષાના બે અધિકારી તથા વર્ગ-૨ કક્ષાના બે અધિકારીને ફરજ સોંપવામાં આવી છે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

૧૧ તા.પં.ની ૨૦૨ બેઠકો, જિ.પં.ની ૩૬ બેઠકો માટે ૧૧૮૬ મતદાન મથકો

રાજકોટ તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્‍ય ચૂંટણી ૨૦૨૬ માટે તાલુકાવાર વિવિધ વિગતો નીચે મુજબ છેઃ

રાજકોટ તાલુકા પંચાયતની ૨૨ બેઠક અને જિ.પં.ની ૦૬ બેઠકોની ચૂંટણી માટે ૧૭૨ મતદાન મથકો નક્કી કરાયા છે. કુલ ૧,૩૪,૪૮૨ મતદારો નોંધાયા છે.

પડધરી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૮૮ મતદાન મથકોમાં ૬૧,૫૯૫ મતદારો નોંધાયા છે.

લોધિકા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક હેઠળ ૬૩ મતદાન મથકોમાં ૪૬,૬૦૨ મતદારો નોંધાયા છે.

કોટડા સાંગાણી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક હેઠળ ૮૫ મતદાન મથકોમાં ૬૬,૦૭૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ગોંડલ તા. પં. ૨૨ અને જિ.પં.ની ૦૫ બેઠક માટે ૧૬૮ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૧,૩૯,૧૦૪ મતદારો નોંધાયા છે.

જેતપુર તા.પં.ની ૨૦ અને જિ.પં.ની ૦૪ બેઠક હેઠળ ૧૨૪ મતદાન મથકોમાં ૧,૦૨,૦૩૭ મતદારો નોંધાયા છે.

જામકંડોરણા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૮૧ મતદાન મથકોમાં ૬૦,૭૦૨ મતદારો નોંધાયા છે.

ધોરાજી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૬૧ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૫૧,૭૯૫ મતદારો નોંધાયા છે.

ઉપલેટા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૦૩ બેઠક સાથે ૯૧ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૭૩,૯૭૩ મતદારો નોંધાયા છે.

જસદણ તા.પં.ની ૨૨ અને જિ.પં.ની ૦૫ બેઠક માટે ૧૪૭ મતદાન મથકોમાં ૧,૨૪,૬૪૬ મતદારો છે.

વિંછીયા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૦૩ માટે ૧૦૯ મતદાન મથકોમાં ૯૫,૫૧૧ મતદારો છે.

આમ ૧૧ તા.પં.ની કુલ ૨૦૨ બેઠક અને જિ.પં.ની ૩૬ બેઠક માટે ૧૧૮૯ મતદાન મથકો નક્કી કરાયા છે અને કુલ ૯,૫૬,૫૨૨ મતદારો નોંધાયા છે.(૨

(2:56 PM IST)