તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ, મોટાભાગના નામો લગભગ નક્કી
અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, નિલેશ મારૂ, નયનાબા જાડેજા અને સંજય અજુડિયા જેવા દિગ્ગજ નામોનું મેદાનમાં ઉતરવું લગભગ નિશ્ચિત : રાજકોટ મહાપાલિકા જંગ : વોર્ડ નં. ૭ સિવાય તમામ પેનલો ફાઈનલ : જૂના જોગીઓ અને પૂર્વ કોર્પોરેટરો પર કોંગ્રેસ ઉતારશે પસંદગીનો કળશ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે હવે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી (પીએસી) દ્વારા ઉમેદવાર પસંદગીની કવાયત પૂર્ણ કરી દેવામાં આવી છે અને તૈયાર કરાયેલી આ યાદી પર અંતિમ મહોર મારવા માટે પ્રદેશ મવડી મંડળને મોકલી આપવામાં આવી છે.
આ વખતની મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ કચાશ રાખવા માંગતી નથી, તેથી પાર્ટી જૂના જોગીઓ, અનુભવી અને પીઢ આગેવાનો તેમજ લોકો વચ્ચે રહીને કામ કરતા જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતારવા જઈ રહી છે. જે દાવેદારો સતત જનતાના સંપર્કમાં છે અને ભૂતકાળમાં ચૂંટણી લડવાનો બહોળો અનુભવ ધરાવે છે તેવા પૂર્વ કોર્પોરેટરો પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, નિલેશ મારૂ, નયનાબા જાડેજા અને સંજય અજુડિયા જેવા દિગ્ગજ નામોનું મેદાને ઉતરવું લગભગ નક્કી મનાઈ રહ્યું છે.
માત્ર વોર્ડ નંબર ૭ ની પેનલને બાદ કરતા મોટાભાગના વોર્ડના ઉમેદવારોના નામો નિヘતિ થઈ ગયા હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. વોર્ડ મુજબ જે સંભવિત નામોની યાદી પ્રાપ્ત થઈ છે તે નીચે મુજબ છેઃ
વોર્ડ નં. ૧ : રમેશ જુંજા
વોર્ડ નં. ૨ : નયનાબા જાડેજા
વોર્ડ નં. ૩ : અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા
વોર્ડ નં. ૪ : ઠાકરશી ગજેરા
વોર્ડ નં. ૬ : શૈલેષ સાકરીયા
વોર્ડ નં. ૮ : રાખોલિયા ભગત
વોર્ડ નં. ૯ : ગિરીશ ઘરસણિયા
વોર્ડ નં. ૧૦ : ગોહિલ મહિલા
વોર્ડ નં. ૧૧ : કેતન તાળા
વોર્ડ નં. ૧૨ : સંજય અજુડિયા
વોર્ડ નં. ૧૩ : કમલેશ કોઠીવાલા
વોર્ડ નં. ૧૪ : રાજુ ચાવડીયા
વોર્ડ નં. ૧૫ : વશરામ સાગઠિયા અને મકબૂલ દાવદાણી
વોર્ડ નં. ૧૬ : સુરેશ ગેરૈયા
વોર્ડ નં. ૧૭ : રસિક ભટ્ટ
વોર્ડ નં. ૧૮ : નિલેશ મારૂ અને નિતીન ભંડેરી
જોકે, રાજકારણમાં છેલ્લી ઘડીએ પણ અનેક સમીકરણો અને પરિસ્થિતિઓ બદલાતી હોય છે. પરંતુ હાલમાં જે નામો અહી રજૂ કરવામાં આવ્યા છે તે તમામ સંભવિત ઉમેદવારોને પાર્ટી દ્વારા ખાનગી રીતે લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને તેમને સઘન ચૂંટણી તૈયારીઓમાં લાગી જવા માટે સૂચના પણ આપી દેવાઈ છે.
(2:55 PM IST)










