તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
જય બજરંગબલી : રાજકોટમાં હનુમાન જન્મોત્સવની ભાવભેર ઉજવણી
કયાંક વાજતે ગાજતે શોભાયાત્રા અને કયાંક બટુક ભોજન મહાપ્રસાદના આયોજનો : રાત્રે સુંદરકાંડના પાઠ સહીતના સત્સંગ કાર્યક્રમો

રાજકોટ : જ્ઞાન અને ગુણના મહાસાગર સમાન હનુમાન દાદાની આજે જન્મ જયંતિ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દાદાના જન્મોત્સવને વધાવવા અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. રાજકોટમાં ચોમેર સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠના રણકાર સાંભળવા મળી રહ્યા છે. હનુમાન દાદાના મંદિરોને ફુલોના શણગાર કરી સવારથી જ પુજન, આરતીના કાર્યક્રમો ચાલી રહ્યા છે. દાદાની વાજતે ગાજતે શોભાયાત્રા પણ યોજવામાં આવી છે. હનુમાન જયંતી નિમિતે કયાંક ગુંદી ગાંઠીયા તો કયાંક ફરાળી ચેવડો અને ગુલાબ જાંબુની પ્રસાદીનું વિતરણ કરાયુ હતુ. આજી નદીના કાંઠે ભીચરી નાકે આવેલ શ્રી કપીલા હનમાન મંદિરે બપોરે યજ્ઞનું આયોજન કરાયુ હતુ અને રાત્રે ૮ વાગ્યાથી સુંદરકાંડના પાઠ રાખવામાં આવ્યા છે. રાત્રે ૧૨ વાગ્યે ચૈતન્ય મહાઆરતી થશે. રૈયા લાઇટ હાઉસ ખાતે સાંજે ૬ વાગ્યે શોભાયાત્રા અને રાત્રે સોસાયટીના ફલેટધારકો માટે પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. પેડક રોડ પર બાલક હનુમાનજી મંદિરે બપોરે હવન રાખવામાં આવેલ અને રાત્રે ૮.૩૦ વાગ્યે મહાઆરતી રાખેલ છે. કોઠારીયા કોલોની ખાતેના શ્રી મોજીલા હનુમાન મંદિરે સાંજે ૭.૩૦ વાગ્યે ૐકાર મહાઆરતી થશે. શહેરના સુપ્રસિધ્ધ શ્રી કરણસિંહજી બાલાજી હનુમાન મંદિરે પણ સવારથીજ પૂજન અર્ચનના વિશેષ કાર્યક્રમો ચાલી રહ્યા છે. ભાવિકોને ગુલાબ જાંબુ અને ફરાળી ચેવડાની પ્રસાદીનું અવિરત વિતરણ કરાયુ હતુ. સુર્યમુખી હનુમાન મંદિરે પણ વિશેષ શણગાર દર્શન ખુલ્લા મુકાયા છે. તસ્વીરમાં દાદાના દર્શન પૂજનનો લાભ લેતા ભાવિક ભકતો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(1:05 PM IST)










