તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
રાજકોટ જિલ્લા પંચાયતમાં લડવા ભાજપમાં લાઇનઃ સરેરાશ પાંચથી વધુ દાવેદારો
ખોબો ભરી આશા ને લાયકાતનો છે દીવડો, ટેકેદારોના ટોળા લઇએ રે, હાલો હાલો ચૂંટણી લડવા જઇએ રે... રાજુ ડાંગર, અર્જુન ખાટરીયા, ભરત બારૈયા, જલ્પાબેન મકવાણા વગેરેએ ટીકીટ માંગીઃ બે ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા આજે જેતપુર, ઉપલેટા, ધોરાજી, કંડોરણા, કોટડા સાંગાણી, વિંછીયા, જસદણ તાલુકાની સેન્સ પ્રક્રિયાઃ કાલે લોધીકા, પડધરી, રાજકોટના દાવેદારોને સાંભળવામાં આવશે : સેન્સના સ્થળે રાજકીય કાર્યકરોનો મેળાવડો

રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાના તાલુકાઓની પંચાયતોમાં ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોને આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો વનમ઼ત્રી પ્રવીણ માળી, ગાંધીનગરના અતુલ પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સાંભળ્યા હતા. સેન્સના સમયે નરેન્દ્રસિંહ જાડેજા (મહામંત્રી) અર્જુન ખાટરીયા, મનોજ રાઠોડ વગેરે ઉપસ્થિત હતા. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા.૨: રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો તથા જિલ્લાની તાલુકા પંચાયતો અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા ભાજપના બે નિરીક્ષકોએ ગોંડલ અને રાજકોટમાં તાલુકાવાર સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. આવતીકાલે સેન્સ પ્રક્રિયા પુરછ થયા પછી નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડમાં સંકલિત અહેવાલ રજુ કરશે. ભાજપના ટીકીટના દાવેદારોની લાઇન છે. દરેક બેઠક દિઠ સરેરાશ પાંચથી વધુ દાવેદારો છે. સેન્સના સ્થળે રાજકીય કાર્યકરોનો મેળાવડો જામ્યો છે. ભાજપે તમામ પંચાયતો જીતવાનો દાવો કર્યો છે.
ગોંડલ પંથકની સેન્સ લેનાર ટીમમાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય શ્રી રાકેશ શાહ, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ કોૈશલ્યાકુંવરબા પરમાર અને યુવા ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કોૈશલ દવેનો સમાવેશ થાય છે. રાજકોટ સહિતના ૬ તાલુકાઓની બીજી ટીમમાં નિરીક્ષક તરીકે રાજયકક્ષાના વન પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણ માળી, ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી અતુલ પટેલ અને વર્તમાન મહામંત્રી ધર્મેન્દ્રાસિંહ વાઘેલા નીરીક્ષક તરીકે છે.
જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠક માટે અર્જુન ખાટરિયા, મોવૈયા બેઠક માટે રાજુ ડાંગર, વજુભાઇ ચાવડા, કમાભાઇ જાપડા, ચરખડી માટે જલ્પાબેન મકવાણા, દેરડી માટે જયશ્રીબેન ચોવટિયા વિગેરેએ ટીકીટ માંગી છે.
આજે કોટડાસાંગાણી, વિછીંયા, જસદણ તાલુકાની સેન્સ પ્રક્રિયા થઇ રહી છે. આવતીકાલે લોધિકા, પડધરી અને રાજકોટ તાલુકાની બેઠકો માટે ચુંટણી લડવા ઇચ્છુક કાર્યકરોને સાંભળવવામાં આવશે. દરેક ઉમેદવારે પાર્ટીએ નકકી કરેલ ફોર્મમાં સંપૂર્ણ માહિતી દર્શાવીને આપવાનું રહે છે.
(11:56 AM IST)










