તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
કાલે રાજપર (ગઢ) ખાતે સાર્ધશતાબ્દી મહોત્સવ
કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા અને કલેકટર ડો. ઓમપ્રકાશની ઉપસ્થિતિ : ધોળકિયા વિદ્યાર્થી ભવન અને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું લોકાર્પણઃ પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન-સ્નેહ મીલન

રાજકોટઃ શ્રી ધીરજલાલ શામજીભાઇ ધોળકીઆ તાલુકા પ્રાથમિક શાળા સાર્ધશતાબિદ મહોત્સવ તથા શ્રી ધીરજલાલ શામજીભાઇ ધોળકીઆ વિદ્યાર્થી ભવન અને સ્પોર્ટસ સંકુલ લોકાર્પણ કાર્યક્રમ રાજપરા (ગઢ) તા. કોટડા-સાંગાણી, જિ. રાજકોટ ખાતે તા. ર એપ્રિલને ગુરૂવારેસવારે ૯ વાગ્યાના રોજ ભવ્ય મહોત્સવનું આયોજન થયું છે. ગામની સરકારી પ્રાથમિક શાળા કે જેને દોઢસો વર્ષ પૂર્ણ થતાં તેની સાર્ધશતાબિદ ઉજવણી સાથે તેના પૂર્વે વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન અને સન્માન રાખેલ છે. એ સાથે ગ્રીનીશબૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના સ્થાન પામનાર શ્રી જવાહરભાઇ ધીરજલાલભાઇ ધોળકીઆ (પૂર્વ ડેવલપમેન્ટ ઓફિસર એલઆઇસી) સ્થાપક ટ્રસ્ટી, વોલન્ટરી બ્લડ બેંક-રાજકોટ લાઇફ સંસ્થા તથા એચ.જે.દોશી હોસ્પિટલ - કે જેઓ રાજપરાના વતની અને આ જ શાળાના વિદ્યાર્થી અને દાતા છે. તેમનું સન્માન શ્રી જવાહરભાઇ દ્વારા ગામમાં શ્રી કૃષ્ણગૌશાળા, સ્મશાનગૃહ તથા તેનું પ્રવેશ દ્વાર, અદ્યતન વિદ્યાર્થી ભવન બોડેશ્વર મહાદેવ સહિત ત્રણ મંદિરોનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત સદ્દભાવના વૃદ્ધાશ્રમના નવા ભવનો માટે પણ દોઢ કરોડનું દાન આપ્યું હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
આ રાજપરા રત્ન ઉપરાંત આજ શાળામાંથી ભણીને ડોકટર્સ, એન્જીનીયર્સ, સી.એ. શિક્ષક અને ઉદ્યોગપતિ થયેલાને ઉચ્ચ અધિકારી બનેલા પૂર્વ વિદ્યાર્થીઓનું અદેકરૂ સન્માન કરવામાં આવશે. આ તકે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા ઉપસ્થિત રહેશે. સૌની યોજનાનાં લાભ તાલુકાના ગામોને અપાવવા બદલ તેમનું અને અતિથિવિશેષ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેનનું સન્માન થશે. સાથે સાથે ન્યુ ઇરા એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં બનેલ શ્રી ધીરજલાલ શામજીભાઇ ધોળકીઆ વિદ્યાર્થી ભવન તથા સ્પોર્ટસ ગાઉન્ડઝના લોકાર્પણ તેઓના હસ્તે થશે. આ પ્રસંગે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઓમ પ્રકાશ (આઇ.એ.એસ) ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને શૈક્ષણિક સંકુલના સંચાલક શ્રી એન.ડી. જાડેજા, ગામના ટ્રસ્ટી શ્રી સામતભાઇ ઝાપડા, સરપંચ શ્રી નરપતસિંહ જાડેજા, શાળાના આચાર્યાશ્રી સંગીતાબહેન તથા શ્રી ઘાડીયા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી વસંતભાઇ ગોરશીયા, પૂર્વ સરપંચશ્રી કિશોરભાઇ વિરડીયા, ટ્રસ્ટી શ્રી ડી.કે. ગોરસીયા, શ્રી ઓધડભાઇ કુમરખાણિયા, શ્રી શંભુભાઇ બાવળિયા તથા નવયુવાનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
(4:11 PM IST)










