તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
ફેરસ અને નોનફેરસ મેટલમાં ૧૫ દિવસમાં ૧૦ થી ૨૫%નો તોતીંગ વધારો
યુધ્ધની સ્થિતિ અને ડોલર સામે ઐતિહાસિક રીતે નબળા પડેલા રૂપિયાના કારણે ભારતીય સ્ટીલ માર્કેટ સળગ્યું : ટીએમટી (ખીલાસરી) ટનના ભાવ ૪૮,૫૦૦થી ૬૨,૦૦૦ પહોંચ્યાઃ ફોર્જીંગમાં વપરાતા બીલેટસના ભાવમાં ૨૦ ટકાઃ એંગલ, ચેનલ, એચબીમ, સીબીમ સહિતની સ્ટીલ પ્રોડકટના ભાવો આસમાનેઃ આયાતી સ્ક્રેપ મોંઘો થતા સ્ટીલના વિવિધ ઉત્પાદનો ઉપર સીધી અસર વર્તાયઃ એલ્યુમિનીયમ, કોપર, ઝીંક, બ્રાસ માર્કેટમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારોઃ બજારમાં અફડાતફડીનો માહોલ

રાજકોટ તા.૧: છેલ્લા એક માસથી વધુ સમયથી મીડલ ઇસ્ટમાં પ્રર્વતી રહેલી યુધ્ધની સ્થિતી વચ્ચે ભારતીય સ્ટીલ માર્કેટમાં માત્ર ૧૫ દિવસમાં ૧૦ થી ૨૫% નો તોતીંગ વધારો આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં પણ સ્વાભાવીક રીતે ઈન્ડસ્ટ્રીયલ નોન ઇન્ડસ્ટ્રીયલ સ્ટીલ માર્કેટને અસર પડી છે. જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગને ૮૦ % યુનિટો બંધ પડયા છે. આવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ ગેસ આધારીત મોરબીનો સિરામીક ઉદ્યોગ પણ ઠપ્પ થયો છે. તો ટીએમટી (ખીલાસરી)માં ટને ૨૦% નો વધારો થવાના કારણે બાંધકામ ઉદ્યોગને પણ નકારાત્મક અસરો થઇ છે.
આયાતી સ્ક્રેપની આવકમાં ઘટાડા અને ભાવના વધારાના કારણે સ્ટીલ માર્કેટમાં અસમંજસનો માહોલ ફેલાયો છે. સ્ટીલ માર્કેટના તજજ્ઞોના જણાવ્યા મુજબ ૩૦ દિવસ પહેલા ટીએમટી (ખીલાસરી)નો ટનનો ભાવ ૪૮,૫૦૦ હતો જે આજે ૬૨ હજારે પહોંચ્યો છે. ફોર્જીંગ પ્લાન્ટસમાં વપરાતા બીલેટસના ભાવમાં ૨૦%નો વધારો થયો છે. એંગલ, ચેનલ, સીબીમ, એચબીમ અને અન્ય સ્ટીલ ઉત્પાદનોમાં ૨૦%, પીગ આર્યનમાં ૨૦%, લોખંડના સ્ક્રેપમાં ૧૫% અને બીડના સ્ક્રેપમાં ૧૫%નો ભાવવધારો નોંધાયો છે. સાથોસાથ ઇન્ડસ્ટ્રીયલ યુઝના કોલસામાં ટને ૫ાંચ હજારનો વધારો થયો છે. ઇન્ડસ્ટ્રીય ગેસ અને ઘરવપરાશના ગેસનો ભાવવધારો તો અખબારોના પાને સતત ચમકી રહયો છે. પરંતુ સ્ટીલ માર્કેટમાં થયેલો તોતીંગ વધારો અનેક ધંધા ઉદ્યોગોને માઠી અસર પહોંચાડી ચુકયો છે. તે પણ નોંધનીય છે. નોનફેરસ મેટલ જેવી કે એલ્યુમીનીયમ, કોપર, બ્રાસ, ઝીંકમાં ૧૦ થી ૧૫%નો ભાવવધારો નોંધાયો છે. આમ ફેરસ નોનફેરસ સ્ટીલ માર્કેટમાં મોટી હલચલ વ્યાપી ગઇ છે. માર્કેટના જાણકારોના કથન મુજબ આવતા દિવસોમાં પેટ્રોલ- ડીઝલમાં લીટરે આઠેક રૂપિયાનો ભાવવધારો ઝળુંબી રહયો છે. વેપાર ઉદ્યોગોથી માંડી ગૃહિણીના બજેટ સુધી યુધ્ધની માઠી અસરો સપાટી ઉપર આવી છે ત્યારે યુધ્ધની સમાપ્તી અને માર્કેટ ઉપરની નકારાત્મક અસરો કયાં સુધી વર્તાશે(?) તે જોવુ રહયુ.(૨.૧૭)
(2:59 PM IST)










