તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
મોટી મત્તાની આશા ઠગારી નીવડીઃ સોની બજારની ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયોઃ ૬ પકડાયા
ધવલે ચોરી કરવા ખાસ મુંબઇથી મિત્રને બોલાવ્યો, રેકી કરી અને ત્રાટક્યા : એ-ડિવીઝન પીઆઇ જે. આર. દેસાઇ, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે રાજકોટના પાંચ, મુંબઇના એકને દબોચી લઇ કાર, નોટો ગણવાના મશીન કબ્જે લીધાઃ તિજોરીમાં લાખોનું સોનુ હતું

રાજકોટ તા. ૧: શહેરના સોની બજાર ગધીવાડમાં દૂકાનના તાળા તોડી તિજોરી તોડવાનો, ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જો કે રોકડ, દાગીના ન મળતાં તસ્કરો રૂપિયા ગણવાના ૫૦ હજારના બે મશીન ચોરી ગયા હતાં. આ ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલી મુંબઇ, રાજકોટના ૬ તસ્કરને દબોચી લઇ મશીન કબ્જે લેવાયા છે. આ ચોરી માટે રાજકોટના શખ્સોએ મુંબઇથી ખાસ સાગ્રીતને રાજકોટ બોલાવ્યો હતો. અમિત જ્વેલસમાં લાકડાના દરવાજા હોઇ ત્યાં ત્રાટકવાનો પ્લાન બનાવી રેકી કરી બધા ત્રાટક્યા હતાં. પોલીસે કાર પણ કબ્જે કરી છે.
સોની બજારમાં નવા નાકા રોડ પર આવેલ અમિત જવેલર્સ નામની પેઢીમાં ગઇકાલે વહેલી સવારે ત્રાટકેલા તસ્કરોએ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નિષ્ફળતા મળતાં નોટ ગણવાનાં બે મશીન રૂા. ૫૦ હજારના લઈ ભાગી ગયા હતા. એ-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન એ-ડિવીઝન, એલસીબી ઝોન-૨ની ટીમે સીસીટીવી કેમેરાના આધારે ચોરીમાં સામેલ છ સભ્યોની ટોળકીને ઝડપી લીધી છે. આ બનાવમાં દૂકાન માલિક મનિષભાઈ રાણપરા (ઉ.વ.પ૭, રહે. પંચનાથ શેરી નં.૧૬, ડીજીબ પેલેસ એપાર્ટમેન્ટ)ની ફરિયાદ પરથી ગુનો નોંધાયો હતો.
પોલીસે ૬ આરોપી શુભમ સુભાષભાઈ સોની (ઉ.વ.૨૪, રહે. બાંદ્રા વેસ્ટ, રાજારામ વાડી, ધોબી ઘાટ રૂમ નં. ૨૦૨ મુંબઈ), ભાવીક કિરણભાઈ સીતાપરા (ઉ.વ.૨૩, રહે. રાધેશ્યામ સોસાયટી-ર, હુડકો ચોકડી), જયદિપ નરેશ કાકડીયા (ઉ.વ.૨૬, રહે. હિરા વીલા કોમ્પલેક્ષ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે) ફલેટ બી-૩૦૩), મિલન દિલીપભાઈ ગોંડલીયા (ઉ.વ.૨૬, રહે. સનાતન પાર્ક શેરી નં.૪, કોઠારીયા રોડ પાલવ સ્કૂલ પાછળ), ધવલ દિલીપભાઈ સુરેલા (ઉ.વ.૨૫, રહે. તિરૂપતી સોસાયટી શેરી નં.૧૦, કોઠારીયા ચોકડી પાયલ પ્રોવીઝનવાળી શેરી) અને રાકેશ કાળુભાઈ બોરસણીયા (ઉ.વ.૨૩, રહે. તિરૂપતિ સોસાયટી શેરી નં.૧૦, કોઠારીયા રોડ)ને ઝડપી લઇ રૂપિયા ગણવાના મશીન અને જીજે૦૩એમઆર-૦૪૧૦ નંબરની ૫ લાખની કાર કબ્જે કર્યા છે.
પોલીસ સુત્રોના કહેવા મુજબ આરોપી શુભમ કે જે મુંબઇનો છે તે અગાઉ ગોલ્ડ ચોરીના ગુનામાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતો. તે વખતે આરોપી મિલનનો ભાઈ ધવલ પણ ત્યાં જ સાયબર ક્રાઈમના ગુનામાં હતો. જેને કારણે બંને વચ્ચે પરિચય થયો હતો. આ પછી શુભમનો મિલન સાથે પણ પરિચય થયો હતો. હાલમાં મિલન અને ધવલને મોજશોખ માટે પૈસાની જરૂર હતી. જેથી બીજા મિત્રો ભાવિક, જયદિપ અને રાકેશ સાથે મળી ચોરીનો પ્લાન પડયો હતો. બાદમાં ધવલે મુંબઇ જેલમાં પોતાની સાથે હતાં તે શુભમને ચોરીમાં સામેલ કરવાનું કહેતાં તેને પણ રાજકોટ બોલાવાયો હતો.
પ્લાન નક્કી થતાં શુભમ મુંબઇથી આવ્યો હતો. બાદ કાર મારફત સોની બજારની રેકી કરી હતી. જેમાં ે અમિત જવેલર્સના દરવાજા લાકડાના હોવાથી તેમાં સરળતાથી ચોરી કરી શકાશે તેવું લાગતાં વહેલી સવારે ત્રાટકયા હતા. જોકે તિજોરી નહીં તુટતાં લાખોની મત્તા બચી ગઇ હતી. તિજોરીમાં દસેક લાખનું સોનુ હતું. આ ટોળકીને આ બધાને મોટો દલ્લો મળવાની આશા હતી. પરંતુ તે આશા ઠગારી નીવડી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, મહેશભાઇ ચાવડા, સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર, એલસીબી ઝોન-૨ના આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.
(4:12 PM IST)










