<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

દુનિયામાં એક પણ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ ભાગવતમાં ન હોયઃ પૂ.જીજ્ઞેશદાદા

રાજકોટના રેસકોર્ષ ખાતે ભાગવત મોક્ષગાથા-જ્ઞાનયજ્ઞમાં દિવ્‍યવાણી : ભાગવત કથા પ્રાચીન છે પરંતુ તેનું વિષયવસ્‍તુ અર્વાચીન છે સમસ્‍યા અને સમાધાન એક માત્ર માણસ છે, માણસ સુધરી જાય તો વિશ્વ સુધરી જાય

રાજકોટ, તા. ૩૧: સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ચાલતી પવિત્ર ભાગવત સપ્તાહમાં સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાએ વ્‍યાસપીઠ ઉપરથી દિવ્‍યવાણી થકી જણાવ્‍યું હતું કે દુનિયામાં એક પણ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ ભાગવતમાં ન હોય. ભાગવત કથા પ્રાચીન છે પરંતુ તેનું વિષય-વસ્‍તુ અર્વાચીન છે. વધુમાં કહયું હતું કે સમસ્‍યા અને સમાધાન એક માત્ર માણસ છે, માણસ સુધરી જાય તો વિશ્વ સુધરી જાય.

પૂ. જીજ્ઞેશદાદાએ ભાગવત સત્‍સંગનો આશીર્વચન-સંદેશો આપતા જણાવ્‍યું હતું કે,  ભાગવત દિવ્‍ય ગ્રંથ છે, સાતમાં દિવસે શ્રોતાએ દિવ્‍ય ઊર્જાનો આવિર્ભાવ થાય છે. શ્રધ્‍ધાથી શ્રવણ કરનાર શ્રોતાના હ્રદયમાં પ્રભુસ્‍વરૂપ સ્‍થાપિત થાય છે. ભાગવત સત્‍સંગની દિવ્‍ય ઊર્જાથી નાસ્‍તિક અને શત્રુનું પણ હ્રદય પરિવર્તન થાય છે. ભાગવત શ્રવણથી માનવીની જગત જોવાની દ્રષ્‍ટી બદલાય જાય છે, સંસયથી સમાધાન સુધીની યાત્રા છે. કર્ણેન્‍દ્રિય અલૌકિક ન બને ત્‍યાં સુધી કથાનું શ્રવણ કરતા રહો, આખુ જગત વિચારોની અભિવ્‍યકિત છે, માત્ર એક વિચાર જગતને બદલી શકે છે, આ સૃષ્‍ટિ ભગવાનના વિચારથી બની છે, સૃષ્‍ટિનો આરંભ વિચારથી થયો છે, દાર્શનિક પ્‍લેટો કહે છે, કોઈપણ વસ્‍તુનું સર્જન થાય એ પહેલા વિચારનું પ્રાગટય થાય છે.

ભગવાન કૃષ્‍ણના ૨૪ પ્રેરણાગુરૂ હતા, દરેકના સદગુણોને ભગવાને સ્‍વીકાર્યા હતા. દુર્જનમાં પણ એક સદગુણ તો હોય જ છે, સર્વે વ્‍યાપક અને નિયામક પરમાત્‍મા છે, તેની અંશશકિતરૂપે જીવાત્‍મા છે, તેની ક્રિયાશકિતરૂપે પ્રકૃતિ છે. આમ પરમાત્‍મા, જીવાત્‍મા અને પ્રકૃતિ અનાદિ તત્‍વો છે. મનુષ્‍યના કલ્‍યાણ માટે વ્‍યવહારિક અને આધ્‍યાત્‍મિક સમજણનો રાજમાર્ગ બતાવનારૂ ભાગવત જ્ઞાન આપનાર ભગવાન શ્રી કૃષ્‍ણ છે.

પૂ. જીજ્ઞેશદાદાની દિવ્‍યવાણીના અમુક અંશો જોઇએ તો... અપેક્ષાઓ માનવીને વામણો બનાવે છે, પ્રભુનો સાચો ભકત નિરપેક્ષ હોય છે., સેવા, સત્‍સંગ અને નામસ્‍મરણ પ્રભુ પ્રાપ્‍તિના  પ્રવેશ દ્વારો છે, સાંપ્રત માનવ સમાજ ઇતિહાસ પાસેથી કંઇ શીખ્‍યો નથી, સુખાંત દુઃખાંતનો અંત છે, આ બધુ અંતવંત છે, કાળના વિપરીત પ્રવાહને રોકવાનું અપાર સામર્થ્‍ય કેવલ પ્રભુનામમાં જ છે, કેવળ શસ્‍ત્રથી સમાધાન ન થાય, શસ્‍ત્ર અને શાસ્‍ત્ર બંનેના સમન્‍વય જરૂરી છે., માનવી જે કંઇ પામે છે, તે પ્રભુનો પ્રસાદ છે, પ્રસાદ વહેંચીને ખાવાનો હોય છે., ગઇકાલ કેવલ સ્‍વપ્‍ન હતું, આવતીકાલ કેવલ કલ્‍પના છે... માટે વર્તમાનમાં જીવો, અહંકારી માનવીને કહી આનંદની અનૂભૂતિ થતી નથી.

ભાગવત શ્રવણથી માનવીની જગત જોવાની દૃષ્‍ટિ બદલાય જાય છે., માનવીને જ્ઞાન મેળવવાનું નથી જ્ઞાન તો છે જ માત્ર અજ્ઞાનને દુર કરવાનું છે, સદવિચારોનું આદાન-પ્રદાન સમાજને સમૃધ્‍ધ કરે છે, ભાગવત કથા માનવીના મૂળ તે પાણી યાપ છે, તમારા અધિકારથી વધારે લાભ મળે તો ના પાડવાની તૈયારી રાખજો, આ લાભ નથી અપરાધ છે, શાળા-કોલેજોમાં જીવિકાનું અને કથા-સત્‍સંગોમાં ભવનનું શિક્ષણ અપાય છે.

(3:56 PM IST)