તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
રાજકોટ મનપાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાયુઃ કાલથી બે દિ' ભાજપ નિરિક્ષકો લેશે સેન્સ
ટોળાશાહી નહીં, વ્યકિતગત મુલાકાત માટે સુચનાઃ દાવેદાર વોર્ડ સંગઠનો સાથે રાખીને ફોર્મ લેવું ફરજીયાત : કેસરીયો ખેસ પહેરી દાવેદારો શક્તિ પ્રદર્શન કરશેઃ ૪ વિધાનસભાના ૧૮ વોર્ડ માટે સેન્સ પ્રક્રિયાનું એલાન, જાણો તમારા વોર્ડનો વારો કયારે?

રાજકોટ, તા. ૩૧: રાજકોટ મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણીના જંગ માટે હવે ભાજપે કમર કસી લીધી છે. શહેરના શીતલ પાર્ક પાસે આવેલા ભાજપના શક્તિધામ ‘કમલમ' કાર્યાલય ખાતે આગામી બે દિવસ એટલે કે બુધવાર અને ગુરુવારે દાવેદારોનો મેળાવડો જામવાનો છે. પક્ષ દ્વારા ચારેય વિધાનસભાના તમામ ૧૮ વોર્ડના મુરતિયાઓ પસંદ કરવા માટે સેન્સ પ્રક્રિયાનું સત્તાવાર ટાઈમ-ટેબલ જાહેર કરી દેવામાં આવતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
બુધવારે ૧૨ વોર્ડનો વારો
સવારથી સાંજ સુધી ધમધમાટ આવતીકાલે બુધવારે, તા. ૧લી એપ્રિલના રોજ સવારના ૮ વાગ્યાથી જ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. જેમાં વિધાનસભા-૬૮ ના વોર્ડ નં. ૪, ૫, ૬ અને ૧૫, વિધાનસભા-૬૯ ના વોર્ડ નં. ૧, ૨, ૩ અને ૮ તેમજ વિધાનસભા-૭૦ ના વોર્ડ નં. ૭, ૧૩, ૧૪ અને ૧૭ ના કાર્યકરો અને દાવેદારો નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆત કરશે. આખો દિવસ ઁકમલમઁ ખાતે ઉમેદવારોના ટેકેદારોની ભીડ અને શક્તિ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળશે.
ગુરુવારે બાકીના વોર્ડ અને વિધાનસભા-૭૧ ની સેન્સ
બીજા દિવસે એટલે કે ગુરુવારે, તા. ૨જી એપ્રિલના રોજ વિધાનસભા-૭૧ ના ત્રણેય વોર્ડ (૧૧, ૧૨, ૧૮) ની સાથે સાથે વિધાનસભા-૬૮ નો વોર્ડ નં. ૧૬ અને વિધાનસભા-૬૯ ના વોર્ડ નં. ૯ અને ૧૦ ની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.
દરેક વોર્ડ માટે ૨ થી ૩ કલાકનો સમય ફાળવીને નિરીક્ષકો કાર્યકરોની નાડ પારખશે. ટિકિટ માટે છેક દિલ્હી-ગાંધીનગર સુધી લોબિંગ કરતા માંધાતાઓથી લઈને પાયાના કાર્યકરો સુધીના તમામ દાવેદારો અત્યારે પોતાની ગોઠવણમાં લાગી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે, આ સેન્સ પ્રક્રિયાના અંતે કોનું નસીબ ખુલે છે અને કોના પત્તા કપાય છે!
આ સેન્સ પ્રક્રિયામાં દરેક વોર્ડ વાઇઝ સમય મુજબ જેતે વોર્ડ ના દાવેદારો એ સમયસર ઉપસ્થિત રહીને કાર્યાલય ખાતે વોર્ડ ના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી ને સાથે રાખીને ફોર્મ લેવામાં આવશે.
સક્રિય સભ્ય નંબર અને કોર્પોરેશનની મતદારયાદીના ભાગ ક્રમ નંબર સાથે રાખવા.. ચુંટણી કાર્ડ રાખવું. તેમજ આરક્ષિત સીટ માટે પ્રમાણપત્ર, ભુતકાળમાં કોઇ જાતના ગુના હોય તો પોલીસ વિગત કે રિપોર્ટ સાથે જોડવી. બધાએ જરુર પડે માત્ર વ્યક્તિગત રજુઆત જ કરવી.. કોઇએ સમર્થકો ના જુથ સાથે રજુઆત કરવાની કડક મનાઇ સહિતના નિયમો નકકી કરવામાં આવ્યા છે
(4:05 PM IST)










