<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ભાજપની નવી રણનીતિ નિરીક્ષકોના નામ ગુપ્ત રખાયા

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી માટે આવતીકાલથી સેન્‍સ પ્રક્રિયા હાથ ધરાશેઃ ઉમેદવારો નિરીક્ષકો પર લોબીંગનો મારો ચલાવે તે માટે આ વખતે નામો ગુપ્તઃ કોણ સેન્‍સ લેવા આવશે તેની જાણકારી કાલે કાર્યાલયે જ થશે

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી દ્રારા આવતીકાલથી સેન્‍સ પ્રક્રિયા શરૂ થવાની છે આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકીટ ઇચ્‍છુક ઉમેદવારોને ભાજપના પ્રદેશ આગેવાનોની નિરીક્ષકની ટીમ સાંભળશે. જો કે સેન્‍સ કોણ લેવા આવનાર છે તેના નામ ગુપ્ત રાખવામાં આવ્‍યા છે.

 ભાજપના વર્તુળમાંથી મળતી માહિતી પ્રમાણે આવતીકાલે ભાજપના જે નેતાઓ સેન્‍સ લેવા આવનાર છે તેની યાદી જાહેર કરાઇ નથી. માત્ર શહેર ભાજપ પ્રમુખને આ નામો મોકલવામાં આવ્‍યા છે.નામ ન જાહેર કરવા પાછળની રણનિતી એ પ્રકારની છે કે જો નિરીક્ષકોની યાદી જાહેર થાય તો તેના પર લોબીંગનો મારો ચલાવવામાં આવે છે. ટિકીટ ઇચ્‍છુક કાર્યકર્તાઓ નિરીક્ષક તરીકે જે શહેરમાંથી આગેવાન આવે તેને ભલામણોનો ધોધ વરસાવે છે જેના કારણે ક્‍યારેક નિરીક્ષક સંકટમાં પણ મુકાય છે અને આ પ્રકારની ભલામણોથી પરેશાન પણ થઇ જાય છે ત્‍યારે આ વખતે નિરીક્ષકોની યાદી જાહેર કરાઇ નથી.

 પ્રદેશ ભાજપ દ્રારા જે વિસ્‍તારમાં નિરીક્ષકોને મોકલવામાં આવનાર છે તેને ટેલિફોન કરીને જાણ કરવામાં આવી છે અને આવતીકાલથી જે સ્‍થળે જવાબદારી સોંપવામાં આવી છે ત્‍યાં પહોંચીને કાર્યકર્તાઓને સાંભળવા સૂચના આપી છે.

 શહેર ભાજપ પ્રમુખે કાર્યકર્તાઓનો જમાવડો

 આવતીકાલે સેન્‍સ પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્‍યારે આજે જ શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્‍યો હતો. કાર્યકર્તા મોટી સંખ્‍યામાં પોતાના સમર્થકો સાથે પહોંચ્‍યા હતા અને ટિકીટ માટે લોબીંગ કર્યું હતું જો કે શહેર ભાજપ પ્રમુખ સહિતના શહેર ભાજપના નેતાઓએ સેન્‍સ પ્રક્રિયામાં જોડાવા અને રજૂઆત કરવા કહ્યું હતુ.પાર્ટીનો આખરી નિર્ણય ચૂંટણી સમિતી કરશે તેવું પણ કહ્યું હતુ.

દરમ્‍યાન મોવડી મંડળના આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે દર્શનાબેન વાઘેલા, જીતુભાઇ પટેલ, જીજ્ઞેશ સેવક, ભાવનાબેન દવે, ડો.નરેન દેસાઇ, રાજેશ પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ તથા સીતાબેન પટેલ સહિતના આગેવાનો નિરીક્ષક તરીકે આવશે. 

(4:09 PM IST)