<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

સોની બજારમાં અમિત જ્‍વેલર્સમાં બુકાનીધારી ત્રાટક્‍યાઃ કંઇ ન મળતાં નોટ ગણવાના બે મશીન ઉઠાવી ગયા!

નવા નાકા રોડ પર મારૂતિ પ્‍લાઝાની સામે ગધીવાડમાં રાતે અઢી વાગ્‍યે બનાવ : પચાસ હજારના બે મશીનની ચોરીઃ કાર અને ટુવ્‍હીલર પર આવેલા તસ્‍કરો સીસીટીવીમાં કેદઃ તિજોરી તોડવાનો, ઉઠાવવાનો નિષ્‍ફળ પ્રયાસઃ એ-ડિવીઝન પોલીસે વેપારી મનિષભાઇ રાણપરાની ફરિયાદ નોંધી

 

જ્‍યાં ચોરી થઇ તે અમિત જ્‍વેલર્સ નામની દૂકાન, વેરવિખેર ચીજવસ્‍તુઓ, તૂટેલા ચાર તાળા, પોલીસને વિગતો જણાવી રહેલા વેપારી મનિષભાઇ રાણાપરા જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૧: સોની બજારમાં સોની વેપારીની દૂકાનમાં મધરાતે બુકાનીધારી ચોર ત્રાટક્‍યા હતાં. તાળા તોડી તસ્‍કરોએ દૂકાનમાં બધુ વેરણછેરણ કરી નાંખ્‍યું હતું અને તિજોરી તોડવાની ઉપાડી જવાની કોશિષ કરતાં ચકચાર મચી ગઇ છે. જો કે દૂકાનમાંથી કોઇ કિંમતી માલમત્તા કે રોકડ ન મળતાં આ તસ્‍કરો રૂપિયા ગણવાના રૂા. ૫૦ હજારના બે મશીન ચોરી ગયા હતાં! એક કાર અને ટુવ્‍હીલર પર કુલ પાંચ તસ્‍કરો આવ્‍યા હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ સોની બજાર નવા નાકા રોડ પર મારૂતિ પ્‍લાઝા કોમ્‍પલેક્ષની સામે ગધીવાડ શેરીમાં આવેલી અમિત જ્‍વેલર્સ નામની સોનાના દાગીનાની દૂકાનમાં ચોરીનો બનાવ બન્‍યાની જાણ થતાં એ-ડિવીઝન પોલીસ, એલસીબી, ડીસીબીનો સ્‍ટાફ દોડી ગયો હતો. ચોરીના આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે દૂકાન માલિક પંચનાથ પ્‍લોટ શેરી નં. ૧૬ ડીજીબ પેલેસ એપાર્ટમેન્‍ટ ત્રીજા માળે રહેતાં મનિષભાઇ  રમણભાઈ રાણપરા (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મનિષભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૩૦મીએ રાતે  નવેક વાગ્‍યાની આસપાસ હું તથા મારો દિકરો જય અમારી દુકાન બંધ કરીને અમારા ઘરે જતા રહેલ. બાદમાં આજે ૩૧મીએ સવારે છએક વાગ્‍યાની આસપાસ અમારી દુકાનની નજીક નિહારનો સામાન વેચતા રમેશભાઈ દ્વારા અમોને જાણવા મળેલ કે અમારી દુકાનના તાળા તુટેલા છે, જેથી હું તથા મારો દિકરો જય અમે તાત્‍કાલિક અમારી દુકાન અમિત જવેલર્સ ખાતે પહોચેલ અને ત્‍યાં જઈને જોતા અમારી દુકાનના બહારના લાકડાના દરવાજા પર મારેલ ચાર લોક તથા એક મોટું લોક એમ બધા લોક તુટેલા હતા અને દુકાનનો દરવાજો ખુલ્લો હતો.

તેમજ દુકાનનો અંદરનો કાચનો સ્‍લાઈડર દરવાજો પણ ખુલ્લો હતો તેમજ દુકાનની અંદર જઈ જોતા દુકાનની અંદર રહેલ બે કેમેરા પણ તુટેલી હાલતમાં હતા અને દુકાનની અંદર રહેલ આશરે રૂ. ૫૦,૦૦૦ની કિંમતના બે રોકડ રકમ ગણવાના મશીનો ત્‍યાં જોવામા આવેલ નહી. જેથી રાત્રિના નવેક વાગ્‍યાથી સવારના છએક વાગ્‍યાના સમય દરમિયાન અમારી દુકાન અમિત જ્‍વેલર્સની અંદર પ્રવેશ કરી દુકાનની અંદર રહેલ આશરે રૂ. ૫૦,૦૦૦ની કિંમતના બે રોકડ રકમ ગણવાના મશીન ચોર ચોરી કરી લઇ ગયાનું જાણવા મળ્‍યું હતું.

મનિષભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે અમે કેમેરા ચેક કરતાં જાણવા મળ્‍યું હતું કે એક આઇ-૨૦ કાર અને એક ટુવ્‍હીલર પર કુલ પાંચ જેટલા તસ્‍કરો આવ્‍યા હતાં. જેણે મોઢે રૂમાલ બાંધેલા હતાં. ટુવ્‍હીલર પર ત્રણ  ચોર આવ્‍યા હતાં તે તાળા તોડી અંદર ઘુસ્‍યા હતાં. કંઇ  ન મળતાં નોટો ગણવાના મશીન ઉપાડી લીધા હતાં. આગળ જઇ ટુવ્‍હીલર ઉભુ રાખતાં એક કાર આવી હતી. ટુવ્‍હીલરમાં ત્રણ બેઠા હોઇ તેમાંથી એક ઉતરી કારમાં બેસી ગયો હતો. બાદમાં આ બધા ભાગી ગયા હતાં.

તસ્‍કરો રાતે અઢીથી ત્રણ વચ્‍ચે આવ્‍યા હતાં. જે સીસીટીવી કેમેરાને આધારે જાણી શકાયું છે. એ-ડિવીઝન પોલીસ, એલસીબી, ડીસીબીએ ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. મનિષભાઇએ કહ્યું હતું કે તસ્‍કરોએ તિજોરી તોડવાનો, ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ વજનદાર હોઇ તે શક્‍ય બન્‍યું નહોતું. તિજોરીમાં અમુક રોકડ અને દાગીના હતાં.

(2:53 PM IST)