<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

મને મહાદેવ કહે તેમ હું ચાલુ છું: પૂ.દુર્ગા માતાજી

અન્ન-જળ વિના વર્ષોથી તપસ્‍યા અને અનુષ્ઠાન કરતા માતાજી : ચૈત્રી નવરાત્રીએ તા. ૧૯ થી તા. ૨૮ એપ્રીલ સુધી પૂર્વ કોર્પોરેટર વિનુભાઇ ઘવાની ઢાંઢિયા ગામે આવેલ વાડીએ ૧૦ ફૂટ ઊંડા ખાડામાં ૧૦ દિવસ અનુષ્ઠાન કર્યું: જે કંઇ ચાલે છે તે બધુ મહાદેવ ભોળાનાથ ચલાવે છે, આપણે તો કાળા માથાના પામર માનવી છીએઃ અત્‍યાર સુધીમાં ૧૩ અનુષ્ઠાન માતાજીએ કર્યા

અન્ન-જળ વિના વર્ષોથી તપસ્‍યા અને અનુષ્ઠાન કરતા પૂ. દુર્ગા માતાજીએ તાજેતરમાં રાજકોટના ઢાંઢિયા ગામે આવેલ પૂર્વ કોર્પોરેટર વિનુભાઇ ઘવાની વાડીએ ચૈત્ર નવરાત્રીના ૧૦ ફૂટ ઊંડા ખાડામાં ૧૦ દિવસ રહી અનુષ્ઠાન કર્યા હતા. પ્રસ્‍તુત તસવીરમાં પૂ. દુર્ગા માતાજી, અનુષ્ઠાન કર્યા તે સ્‍થળ અને ખાડો, સેવકો તથા વિનુભાઇ ઘવા અને તેમનો પરિવાર નજરે પડે છે. (તસવીરઃ અભિજીત બગથરિયા)(૪૦.૩૯)

રાજકોટ, તા.૩૧: સંત મહાત્‍મા એટલે કે આત્‍માને પરમાત્‍મા સાથે જોડનાર માર્ગદર્શક. આવા સંત મહાત્‍માની સાધના એટલે કેવળ પૂજા-પાઠ નહીં, પરંતુ આત્‍મ-સાક્ષાત્‍કાર, પરમાત્‍મા સાથે એકાકાર થવા અને મનની શુદ્ધિ માટે કરવામાં આવતો ગંભીર અને નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ. આપણા દેશમાં અનેક સંત મહાત્‍મા અને માતાજીઓ વાસ કરે છે. આવાજ એક માતાજી છે પૂજ્‍ય દુર્ગા માતાજી કે જેમણે તાજેતરમાં રાજકોટના ઢાંઢિયા ગામે ચૈત્ર નવરાત્રિમાં ૧૯ તારીખે ગુરૂવારે સતત ૧૦ દિવસ ૧૦ ફૂટ ઊંડા ખાડામાં રહી દિવ્‍ય અનુષ્ઠાન કર્યું. સતત ૧૦ દિવસ ખોરાક-પાણી વિના તેઓ ભૂગર્ભમાં રહ્યા અને મંત્રોચ્‍ચાર થકી અનુષ્ઠાન પૂર્ણ કર્યા. રાજકોટના પૂર્વ કોર્પોરેટર વિનુભાઇ ઘવા (૯૮૯૮૩૩૮૩૪૯) ની વાડીએ આવા તેજોમય માતાજીના દર્શન કરવાનો અનન્‍ય લાભ મળ્‍યો હતો.

પૂજ્‍ય દુર્ગા માતાજીએ જણાવ્‍યું હતું કે, હું નાની હતી ત્‍યારે મહાદેવજી પ્રગટ થયેલા. અમારૂ ગામ અમરેલી જીલ્‍લાનું કુંકાવાવ તાલુકાનું બરવાળા ગામ છે. અહિ રામનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. જ્‍યાં ૧૧ દિવસ બેસાડ્‍યા હતા અને આસો મહિનાના બિજા નોરતે રાત્રે પ્રગટ થયા હતા. હું ત્‍યારે ખુબ નાની હતી. એ સમયે મહાદેવે દિક્ષા દીધી. એ પછી નિત્‍ય ગાયત્રી યજ્ઞ પણ હું કરતી. આ દસ દિવસનું અનુષ્ઠાન સમાજ કલ્‍યાણ માટે કર્યું. ભગવાને અમને સાધુ શા માટે બનાવ્‍યા? ભેખ શા માટે પહેરાવ્‍યો? સમાજનું કલ્‍યાણ કરવા માટે. અમે ભજન કરીએ તો તમારા બધાનું કલ્‍યાણ થાયને. જે કંઇ ચાલે છે તે બધુ મહાદેવ ભોળાનાથ ચલાવે છે. આપણે તો કાળા માથાના પામર માનવી છીએ, આપણે કંઇજ નથી. કઠોર સાધનાનો વિચાર કઇ રીતે આવ્‍યો? માતાજી કહ્યું, મને મહાદેવ કહે તેમ ચાલું છુ. હું મારા વિચારે ચાલું તો રહી જ ન શકું. આ કઠોર અનુષ્ઠાનમાં દેવ-દેવીઓના સતત મંત્રોચ્‍ચાર કર્યા. અનુષ્ઠાનમાં દેવી નો જાપ હોય અને મહાદેવ આપે તે જાપ કરવાના હોય. જ્‍યારે સામાન્‍ય દિવસોમાં તપસ્‍યા કરીએ ત્‍યારે ગુરૂ મહારાજના જાપ કરું છુ. મારા ગુરૂ વિશ્વંભરગિરિબાપુ (વડિયા પાસે ઢોળવાના) જ્‍યારે દાદા ગુરૂ કૈલાશગિરિબાપુ છે. આ અનુષ્ઠાન માતાજીનું ૧૩ મું અનુષ્ઠાન હતું.

 પૂજ્‍ય દુર્ગા માતાજીએ અનુષ્ઠાન ઉપરાંત અનેક કઠોર તપસ્‍યાઓ પણ કરી છે. ગુફામાં રહીને સાધનાઓ કરી છે. તેઓ કહે છે, ગુફામાંથી વર્ષે એક-બે દિવસ બહાર આવવાનું હોય. જોકે બહાર હોય ત્‍યારે અનુષ્ઠાન તેઓ કરે છે. મહાદેવ મને પ્રગટ થયા અને ભેખ પહેરાવ્‍યો તેને ૨૯ મું વર્ષ ચાલે છે. મહાદેવે બધાને દર્શન આપેલા પરચા પુરેલા. તેમના સેવકોએ જણાવ્‍યું હતું કે, માતાજી આંકડિયા આશ્રમમાં બે વર્ષ સાધનામાં ગુફામાં બેઠા હતા જ્‍યારે બે વર્ષ ગીગાસણમાં સાધના કરી છે. જ્‍યારે બરવાળામાં ૭ વર્ષ રહિને સાધના-તપસ્‍યા કરી છે. રાજકોટના ઢાંઢિયા ગામે વિનુભાઇ ઘવાની વાડી ‘કરણ ફાર્મ' ખાતે ચૈત્ર નવરાત્રિમાં ૧૦ ફૂટ ઊંડો ખાડો ખોદી તેમાં માતાજી બિરાજ્‍યા અને ખાડા ઉપર પતરા રાખી, તેની પર તાલપત્રી અને તેના પર માટી નાખી જવારા ઉગાડ્‍યા હતા. ૧૦ દિવસ સતત અન્ન-જળ વિના માતાજીએ અનુષ્ઠાન કર્યા. ૧૯ એપ્રીલથી લઇ ૨૮ એપ્રીલ સુધી અનુષ્ઠાન ચાલ્‍યું. ૨૮ મીએ સવારે સવા દસ કલાકે અનુષ્ઠાન પૂર્ણ કર્યા.

વિનુભાઇ ઘવાએ જણાવ્‍યું હતું કે, વડિયા ખાતેના તોરી આશ્રમે આર.સી.સીનું પાકુ ચણતર કરેલું જ્‍યાં પૂજ્‍ય દુર્ગામાતાજીએ સતત બે મહિના રહી સાધના કરી હતી. અહિ આવવાના હતા તે પહેલા નર્મદા ગયા અને મહાદેવની પ્રેરણાથી તેઓ રાજકોટના ઢાંઢિયા ગામે અનુષ્ઠાન કરવા આવ્‍યા. હાલ માતાજીએ આંખ અને ચહેરા પર કપડું બાંધ્‍યુ છે. જોકે તેનુ કારણ કોઇને ખ્‍યાલ નથી. અનુષ્ઠાનમાંથી બહાર આવ્‍યા પછી તેઓ ફળનો જ્‍યુસ લે છે.

બરવાળામાં શ્રવણબાપુ ભજનિક હતા જે માતાજીના નાનપણમાં તેમને ભણાવતા. ઉલ્‍લેખનીય છે કે, પૂજ્‍ય દુર્ગા માતાજી ભોજન લે તો શાક અને લીલા મરચા લુખા ખાય સાથે થોડા ઘણા ફળોનો આહાર લે. વિનુભાઇ કહે છે, સામાન્‍ય દિવસોમાં તેઓ કંઇજ ભોજન-પાણી લેતા નથી. અમારા ઘરે બે મહિના પહેલા ૧૫ દિવસ રોકાયા હતા તો ૪ દિવસ કઇંજ લીધુ નહિ. વિનુભાઇએ વિનંતી કરી તો માતાજીએ ૧૦ દિવસ સ્‍વયં બધા માટે દરરોજ રસોઇ બનાવી જમાડ્‍યા.

વિનુભાઇ કહે છે, હું ૨૦૧૪ માં આંકડિયા આશ્રમે ૨ થી ૪ વખત ગયેલો. માતાજીએ ત્‍યાં ૫૫૧ કુંડીનો હવન કરેલો. હું ત્‍યારે રાજકોટમાં ડેપ્‍યુટી મેયર હતો. માતાજી એ વખતે અનુષ્ઠાનમાં બેસવાના હતા. હું ગયો ત્‍યારે ખાડો જોયો. ગામના લોકો ડરતા હતા. માતાજીએ કહ્યું તમે આજે રોકાય જાવ કાલે તમારા હસ્‍તે મારે અનુષ્ઠાનમાં બેસવાનું છે. માતાજીએ અનુષ્ઠાન શરૂ કર્યા અને હું રાજકોટ આવી ગયો. ૨૦ દિવસ પછી સાંજે ગયો ત્‍યારે અંદરથી માતાજીએ કહ્યું વિનુભાઇ આવ્‍યા લાગે છે. માતાજીએ કહ્યું હવે રોકાજો સવારે તમારા હસ્‍તે અનુષ્ઠાન પૂર્ણ કરવાનું મુહૂર્ત છે. જે મારો પહેલો અનુભવ હતો. માતાજીના અનુષ્ઠાન દરમિયાન વિનુભાઇએ વાડીએ ધુન-ભજન, પ્રસાદ સહિતના કાર્યક્રમો રાખ્‍યા હતા. આજુબાજુના ગામના લોકોએ પૂ. દુર્ગા માતાજીના દર્શનનો અનન્‍ય લાભ લીધો હતો.

૩૨ વર્ષથી કુદરતી ક્રિયાઓ કરી નથી..!

રાજકોટઃ તબીબો માટે એક કોયડા રૂપ સાબિત થયેલા અને માડીના નામે જગ વિખ્‍યાત બનેલા અંબાજી ગબર ખાતે રહેતા ચુંદડીવાળા માતાજી તરીકે જાણીતા માડી પ્રહલાદભાઇ જાની ૭૩ વર્ષ ઉપરાંતથી અન્નજળ ત્‍યાગ તથા શૌચક્રિયા નહિ કરનાર સંત હતા. આવાજ પૂજ્‍ય દુર્ગા માતાજી કે જેઓએ હાલ રાજકોટના ઢાંઢિયા મુકામે ચૈત્ર નવરાત્રીમાં ૧૦ દિવસ ઊંડા ખાડામાં રહી અનુષ્ઠાન કર્યા. તેઓ પણ દિવ્‍ય શક્‍તિનો એક અજાયબ કિસ્‍સા સમાન છે. સેવકોનું કહેવું છે કે, માતાજીએ ૩૨ વર્ષથી શૌચક્રિયા કરી નથી! તેઓ રાત્રે ધ્‍યાનમાં બેસે તો સવાર સુધી ધ્‍યાન સમાધીમાં રહે છે અને પાણી પણ લેતા નથી. તેમના એક સેવક મુંબઇ રહે છે. આ સેવકના પુત્ર અમેરિકામાં ડોક્‍ટર છે તેમણે માતાજીના રીપોર્ટ કર્યા પણ બધુજ નોર્મલ આવે છે. તેવું પણ જણાવાયું છે.જે એક ચમત્‍કાર જ કહી શકાય.

નર્મદા નદીમાં બેસી પોણા

બે મહિના તપસ્‍યા કરી.!

રાજકોટઃ પૂજ્‍ય દુર્ગા માતાજીએ જણાવ્‍યું હતું કે મારો જન્‍મ થયો ત્‍યારથી મહાદેવ મારી સાથે છે. જે મારા અહોભાગ્‍ય છે. ઉલ્‍લેખનીય છે કે માતાજીએ અનેક અનુષ્ઠાન અને તપસ્‍યા કર્યા છે. તેમણે તાજેતરમાં નર્મદામાં નદીમાં બેસીને સતત પોણા બે મહિના તપ કર્યું હતું. તેઓ કહે છે, અમે પાંચ દિવસ રોકાવા અને સ્‍નાન કરવા ગયેલા પણ નર્મદામાં એ હુકમ કર્યો કે મારી ગોદમાં બેસી પોણા બે મહિના તપસ્‍યા કરો. જોકે હું જ્‍યારે પણ પાણીને જોવુ તો પડી જાવ છુ. પણ નર્મદામાં એ તપસ્‍યાનો હુકમ કર્યો તો સતત પોણા બે મહિના પાણીમાં બેસી તપસ્‍યા કરી. એ વખતે પણ મહાદેવે વિરાટ રૂપમાં દર્શન આપેલા છે.

(2:44 PM IST)