તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
રાજકોટની તમામ મહેસૂલ કચેરીઓમાં ટોયલેટ-બાથરૂમ પંખા-ખુરશી-બાંકડા-નળમાં પાણીની વ્યવસ્થા માટે આદેશો
રાજય સરકારે આ માટે ખાસ બેઠક યોજી : રાજકોટની મોટા ભાગની કચેરીમાં સુવિધાઓનો અભાવ

રાજકોટ, તા.૩૦: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સામાન્ય જનતાની સુવિધાને પ્રાધાન્ય આપતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરની મહેસૂલી કચેરીઓ, જ્યાં અરજદારોની સતત અવર-જવર રહેતી હોય છે, ત્યાં પાયાની સુવિધાઓ જેવી કે સ્વચ્છ શૌચાલય, પીવાનું શુદ્ધ પાણી અને બેસવાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે તમામ વહીવટી કચેરીઓને તાકીદ કરી છે કે કચેરી ખાતે સ્ત્રી અને પુરુષો માટે અલગ અને સ્વચ્છ ટોયલેટ-બાથરૂમની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. લાંબી લાઈનોમાં ઉભા રહેતા અરજદારો માટે પંખા અને બેસવા માટે પૂરતી સંખ્યામાં ખુરશીઓ કે બાંકડાની વ્યવસ્થા કરવી. તમામ કચેરીઓમાં પીવાના પાણીની પરબ કે આરો વોટરની સુવિધા સુનિશ્ચિત કરવી. કચેરીના કામકાજમાં પારદર્શિતા અને છપાઈ સહિતની વહીવટી કામગીરીમાં સુધાર લાવવો. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નિયત સમયમર્યાદામાં આ વ્યવસ્થાઓ ઉભી કરવામાં નહીં આવે, તો જે તે વિભાગના વડાઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરની મોટાભાગની મહેસૂલી કચેરીઓ અને સબ-રજિસ્ટ્રાર ઓફિસોમાં પાયાની સુવિધાઓનો ઘોર અભાવ જોવા મળી રહ્યો છે.ઘણી જગ્યાએ શૌચાલય અત્યંત બિસ્માર હાલતમાં છે અથવા તો તેને તાળા મારેલા હોય છે.
પેટા કચેરીઓમાં અરજદારોને ધોમધખતા તાપમાં બહાર ઉભા રહેવું પડે તેવી સ્થિતિ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ સબ-ડિવિઝનલ ઓફિસોને તાત્કાલિક અસરથી જરૂરી સિવિલ કામકાજ પૂર્ણ કરવા અને અરજદારોને હાલાકી ન પડે તે જોવા આદેશો આપી દેવામાં આવ્યા છે.
(3:24 PM IST)










