તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
નોકરીએ જઇ રહેલા હેલ્થકેર કંપનીના મેનેજર સંજયભાઇ કાલરીયાનું કારની ઠોકરે ચડતાં મોત
મવડી કણકોટ રોડ પર ગણેશ ચોકમાં બનાવઃ કારમાં યાર્ડના ચેરમેનનું બોર્ડ : જીવરાજ પાર્કમાં રહેતાં વૃધ્ધ બાઇક સહિત ઠોકરે ચડી ગયાઃ હોસ્પિટલમાં મૃતદેહ જ પહોંચ્યોઃ મોભીના મૃત્યુથી પરિવારમાં ગમગીનીઃ તાલુકા પીએસઆઇ એન. એચ. મહારાજે કાર્યવાહી કરી

ઘટના સ્થળે કાર અને ઠોકરે ચડેલુ બાઇક તથા બાઇકચાલક વૃધ્ધ સંજયભાઇ કારલીયાનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૦: શહેરમાં વધુ એક જીવલેણ વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં જીવરાજ પાર્કમાં રહેતાં વૃધ્ધ સવારે પોતાનું બાઇક હંકારીને પુનીતનગર પાણીના ટાંકા તરફ નોકરીના સ્થળે જતાં હતાં ત્યારે રસ્તામાં મવડી કણકોટ રોડ પર પહોંચ્યા ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. તેઓ હેલ્થકેર કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં હતાં.
જાણવા મળ્યા મુજબ જીવરાજ પાર્ક પાસે કોપર એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતાં સંજયભાઇ સવજીભાઇ કાલરીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ સવારે આઠેક વાગ્યે પોતાનું બાઈક હંકારીને ઘરેથી નોકરી પર જતા હતા ત્યારે મવડી કણકોટ રોડ પર હીલસ્ટોન અરીસ્ટો આગળ ગણેશ ચોકમાં પુરપાટ ઝડપે આવેલી કારની ઠોકરે બાઇક સહિત ચડી જતાં રોડ પર ફંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી.
બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. પરિવારજનોના કહેવા મુજબ મૃત્યુ પામનાર સંજયભાઇ કાલરીયા પુનીતનગર પાણીના ટાંકા પાસે આવેલી પાન હેલ્થ કેર કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં હતાં. સવારે તેઓ નિત્યક્રમ મુજબ ઘરેથી નોકરીએ જવા નીકળ્યા ત્યારે મવડી કણકોટ રોડ પર ગણેશ ચોકમાં અકસ્માત નડયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પોતે બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. મોભીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. એચ. મહારાજ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. જે કારની ઠોકરે અકસમાત નડયો તે કાર રાજકીય આગેવાનની હોવાનું ખુલ્યું હોઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2:50 PM IST)










