<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

પોપટપરા ૫૩ ક્‍વાર્ટરના ૨૦ વર્ષના લાલજીનું પિતા અને ભાઇની નજર સામે ડૂબી જતાં મોત

પડધરીના રામપર ગામે નદીમાં ન્‍હાતી વખતે કરૂણ ઘટના : ભરતભાઇ ભોજવીયા પોતાના બે દિકરા, પાડોશી સહિતને લઇ રવિવારની રજા હોઇ ફરવા, ન્‍હાવા ગયા અને યુવાન દિકરો ગુમાવ્‍યોઃ મૃત્‍યુ પામનાર યુવાનની તાજેતરમાં સગપણની વાત થઇ હતી

રાજકોટ તા. ૩૦: પોપટપરા ત્રેપન ક્‍વાર્ટરમાં રહેતાં ૨૦ વર્ષના યુવાનનું પડધરીના રામપર ગામે નદીમાં ન્‍હાતી વખતે પિતા, ભાઇ સહિતની નજર સામે ડૂબી જવાથી મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. રવિવારની રજા હોઇ સેન્‍ટીંગ કામના કારીગર આધેડ પોતાના બે દિકરા, બહેનના દિકરીના દિકરા, પાડોશી સહિતને સાથે લઇ રિક્ષા મારફત પડધરીના રામપર ગામ તરફ ફરવા, નદીમાં ન્‍હાવા માટે ગયા હતાં. ત્‍યારે તેની નજર સામે જ તેનો ૨૦ વર્ષનો પુત્ર ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો. તેમણે અને સાથે ગયેલા પાડોશીઓએ ડૂબકીઓ મારી યુવાનને બેભાન હાલતમાં બહાર કાઢી સારવાર માટે ખસેડયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ પોપટપરા માઉન્‍ટેન પોલીસ લાઇન પાછળ ૫૩ ક્‍વાર્ટરમાં વિવેકાનંદનગર ક્‍વાર્ટર નં. ૧૪માં રહેતાં ભરતભાઇ ચતુરભાઇ ભોજવીયા-કોળી નામના આધેડ ગઇકાલે રવિવારે રજા હોઇ પોતાના બે દિકરા લાલજી ભોજવીયા (ઉ.વ.૨૦), ઇવાન ભોજવીયા (ઉ.વ.૧૧) તેમજ બહેનના દિકરાના દિકરા તેમજ પાડોશી વાઘજીભાઇ દામજીભાઇ સવાસડીયા સહિતના રિક્ષા લઇને પડધરીના રામપર ગામે નદીમાં ન્‍હાવા માટે ગયા હતાં. ત્‍યારે લાલજી ભોજવીયા ન્‍હાતી વખતે નદીમાં ડૂબી ગયો હતો. તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો.

ભરતભાઇએ જણાવ્‍યું હતું કે મારે સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જેમાં મૃત્‍યુ પામનાર લાલજી મારી સાથે સેન્‍ટીંગનું કામ કરતો હતો. તેના સગપણની તાજેતરમાં વાત કરવામાં આવી હતી અને આગામી સમયમાં સગપણ કરવાનું હતું. મારા પત્‍નિ ચાંદી કામ કરવા જાય છે. તેને રવિવારે રજા હોઇ જેથી અમે પણ કામમાં રજા રાખીએ છીએ. અમે નદીમાં ન્‍હાવા જવાનું નક્કી કર્યુ હતું અને હું તથા મારા બે પુત્રો, પાડોશી સહિતના રિક્ષા મારફત રામપર ગયા હતાં.

જ્‍યાં બધા નદી કાંઠે ન્‍હાઇ રહ્યા હતાં ત્‍યારે દિકરો લાલજી આગળ ઉંડા પાણી તરફ જતો રહ્યો હતો અને ડૂબવા માંડયો હતો. અમારી નજર સામે જ ડુબી ગયો હતો.  મેં અને પાડોશી વાઘજીભાઇએ ડૂબકીઓ મારી હતી. જેમાં ત્રીજી ડૂબકી વખતે વાઘજીભાઇના હાથમાં મારો દિકરો લાલજી આવી જતાં તેને અમે બેભાન હાલતમાં બહાર કાઢી રાજકોટ સારવાર માટે ખસેડયો હતો. પરંતુ તેનું મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવથી ભોજવીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(2:49 PM IST)