News of Sunday, 29th March 2026
રાજકોટ પોલીસની મેગા સ્ટ્રાઈક: ગુંડાગીરી પર વધુ એક આકરો પ્રહાર: ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ આપી માહિતી કુખ્યાત ‘ઇભલા ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ,: ૮૯ ગુનાનો કાળો ઇતિહાસ
ખૂનની કોશિશના ૪, લૂંટ અને બળજબરીના ૫, રાયોટિંગના ૧૧, છેડતીનો ૧, મારામારીના ૨૯, એટ્રોસીટીનો ૧ અને સરકારી ફરજમાં રુકાવટના ૪ ગુનાઓ મુખ્ય

રાજકોટ: શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી અને સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત ‘ઇભલા ગેંગ’ વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકની સૂચનાથી, આ ગેંગના કુલ ૦૭ સાગરીતો વિરુદ્ધ ‘ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫’ (G.C.T.O.C) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગેંગના સભ્યો ૨૦૧૬ થી ૨૦૨૫ દરમિયાન ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ, રાયોટિંગ અને દારૂ-જુગાર જેવા કુલ ૮૯ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશનર ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગેંગના સાગરીતોની કુંડળી મેળવી હતી. ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઈ કાથરોટીયાએ પોતાની ધાક જમાવવા અને આજીવિકા મેળવવા માટે આ ‘ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ’ બનાવી હતી. આ ટોળકી દ્વારા કરવામાં આવતી ગુનાહિત પ્રવૃત્તિઓથી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ હતું, જેમને ડામવા માટે પોલીસે આ આકરું પગલું ભર્યું છે.
આ ઓપરેશન દરમિયાન ક્રાઈમ બ્રાંચે ગેંગના ચાર મુખ્ય સાગરીતોની ધરપકડ કરી છે, જેમાં સલીમ ઉર્ફે સલીયો કરીમભાઇ કાથરોટીયા, મહેબુબ ઉર્ફે મેબલો કરીમભાઇ કાથરોટીયા, અશરફ કરીમભાઈ કાથરોટીયા અને લખન વિક્રમભાઇ કમેજડીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કાથરોટીયા હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે અને તેનો ભાઈ જાવેદ ઉર્ફે જાવલો કાથરોટીયા મોરબી જિલ્લા જેલમાં છે. પોલીસ ટૂંક સમયમાં આ બંને આરોપીઓનો કબજો મેળવીને તેમની વિધિવત ધરપકડ કરશે..
ઇભલા ગેંગનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ભયાનક છે. તેમના વિરુદ્ધ નોંધાયેલા ૮૯ ગુનાઓમાં ખૂનની કોશિશના ૪, લૂંટ અને બળજબરીના ૫, રાયોટિંગના ૧૧, છેડતીનો ૧, મારામારીના ૨૯, એટ્રોસીટીનો ૧ અને સરકારી ફરજમાં રુકાવટના ૪ ગુનાઓ મુખ્ય છે. આ સિવાય દારૂ, જુગાર અને આર્મ્સ એક્ટ હેઠળ પણ ૩૪ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા હવે આ તમામ આરોપીઓએ ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવા (જપ્ત કરવા) માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.
આ મહત્વની કામગીરી શહેરના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયા તથા ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, તથા પો.સબ.ઇન્સ સી.બી.જાડેજા, વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર, આર.કે.ગોહિલ, ડી.પી.ઝાલા, એસ.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ જનકભાઇ કુગશીયા પોલીસ હેડ કોન્સ પ્રતીકસિંહ રાઠોડ, તથા ટીમ દ્વારા દરખાસ્ત તૈયાર કરીને કરવામાં આવી છે.
(6:09 PM IST)










