તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
રાજકોટમાં મારા પતિ ઉપર બળાત્કારની ખોટી ફરીયાદઃ શિક્ષીકાના પ્રકરણમાં નવો વળાંક
પત્નિ સાક્ષી દેસાઇએ પોલીસ કમિશનરને લેખીત રજુઆત કરી

રાજકોટ તા.૨૮: શહેરમાં ચર્ચાસ્પદ બનેલા દુષ્કર્મ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આરોપી ધ્રુવલ દેસાઈની પત્ની સાક્ષી દેસાઈએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તેમના પતિ પર બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની રજૂઆત મુજબ, ભૂતપૂર્વ શિક્ષિકા, જેઓ સાથે તેમના પતિના સંબંધો હતા, તેમણે તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો છે.સાક્ષી દેસાઈએ જણાવ્યું કે કેસમાં તેમના પતિનો ગુનો કોર્ટમાં સાબિત થાય તે પહેલા જ સોશિયલ મીડિયામાં તેમની છબી ખરાબ કરવામાં આવી છે. બદનામીના કારણે તેમના પતિ છેલ્લા બે દિવસથી ઘર છોડીને જતા રહ્યા હતા. પરિસ્થિતિ વધુ ગંભીર બની જ્યારે ધ્રુવલ દેસાઈ વારાણસી ખાતે દવા પી લીધી હતી. આ પછી તેમને વારાણસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સાક્ષી દેસાઈએ પોલીસને વિનંતી કરી છે કે માત્ર ફરિયાદના આધારે નહીં, પરંતુ તેમના દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને પણ સમાન મહત્વ આપવામાં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો તેમના પતિને કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની ભૂતપૂર્વ શિક્ષિકા પર રહેશે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(3:50 PM IST)










