<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

પીસીબીનો ગોડાઉનમાં દરોડોઃ બેરલમાં લાકડાના વહેર સાથે છુપાવેલી સ્‍કોચ અને વોડકાની ૬.૨૨ લાખની બોટલો મળી

સોખડા ચોકડીથી બેડી ચોકડીના રસ્‍તે આવેલા એપીસીએલ ટ્રાન્‍સપોર્ટ સોૈભાગ્‍ય વેર હાઉસમાં દરોડો : એએસઆઇ સંતોષભાઇ મોરી, હરદેવસિંહ, દેવરાજભાઇ કળાતરાની બાતમી પરથી પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયાની ટીમનો દરોડોઃ રાજસ્‍થાન નીમરાણાથી આવ્‍યા હતાં પાર્સલમાં ૨૮ બેરલો

 

રાજકોટ તા. ૨૮: વિદેશી દારૂનો મોટો જથ્‍થો કટીંગ થાય એ પહેલા પીસીબીની ટીમે પકડી લીધો છે. સોખડા ચોકડીથી બેડી ચોકડીના રસ્‍તે આવેલા એક ગોડાઉનમાં દારૂનો જથ્‍થો ઉતર્યો હોવાની માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં  રૂા. ૬,૨૨,૬૮૦ની કિંમતનો મોઘીદાટ સ્‍કોચ, વોડકાનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ દારૂની બોટલો બેરલોની અંદર લાકડાના વહેરમાં છુપાવીને રાખવામાં આવી હતી. પોલીસે ગોડાઉનમાં હાજર મેનેજર પાસેથી માહિતી મેળવી રાજસ્‍થાન નીમરાણાથી દારૂનો જથ્‍થો મોકલનારા અને મોબોઇલ નંબરના એક ધારક વિરૂધ્‍ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ સંતોષભાઇ  નાગજીભાઇ મોરી, હરદેવસિંહ અને દેવરાજભાઇ કળોતરાને બાતમી મળી હતી કે શહેરના સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રોડ પર બોમ્‍બે સુપર કોમર્શીયલ ઝોનની સામે એપીસીએલ ટ્રાન્‍સપોર્ટ મેઇન ડેપો સૌભાગ્‍ય વેર હાઉસ નામના ટ્રાન્‍સપોર્ટના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉતર્યો છે. આ માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્‍યો

ટીમે ત્‍યાં પહોંચી તપાસ કરતાં બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અનોખી તરકીબ અજમાવવામાં આવી હોવાનું સામે આવ્‍યું હતું. ગોડાઉનમાં રાખેલા વાદળી રંગના ૨૮ લોખંડના બેરલોની તપાસ કરતા તેના ઉપરના ભાગે લાકડાનો વહેર (પાવડર) ભરેલો નીકળ્‍યો હતો. જો કે પોલીસે આ વ્‍હેર-લાકડાનો ભુક્કો બહાર કાઢીને જોતાં તેની વચ્‍ચેથી અલગ અલગ બ્રાન્‍ડની મોંઘીદાટ સ્‍કોચ, વોડકાની બોટલો નીકળી હતી. પોલીસે જેમ્‍સન વ્‍હીસ્‍કો, જેએન્‍ડબી, જોની વોકર રેડ લેબલ, બેલેન્‍ટાઇન, દીવાર્સ વ્‍હાઇટ લેબલ અને એબ્‍સોલ્‍યુટ વોડકાની કુલ ૧૭૪ બોટલો કબ્‍જે કરી હતી. આ દારૂની કિંમત રૂા. ૬,૨૨,૯૮૦ ગણવામાં આવી હતી.

ગોડાઉનમાં હાજર મેનેજરની પુછતાછ કરતાં આ બેરલો રાજસ્‍થાનના નીમરાણા ગામેથી આવ્‍યા હતાં. પોલીસે મોકલનાર અને અન્‍ય એક ફોન નંબરના ધારક વિરૂધ્‍ધ તથા તપાસમાં ખુલે તેની સામે કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેૈતન્‍ય મંડલીકની સુચનાથી પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, હરદેવસિંહ ઘનશ્‍યામસિંહ, દેવરાજભાઇ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(2:44 PM IST)