News of Saturday, 28th March 2026
મહિકાના પાટીયા પાસે ‘હિટ એન્ડ રન': જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં ૧૯ વર્ષિય સાહિલનું મોત
રાજકોટ-ભાવનગર હાઇવે પર રાત્રીના બનાવઃ અજાણ્યો વાહનચાલક બાઇકને ઉલાળી ભાગી ગયોઃ યુવાન દિકરાના મોતથી મહિકાના પાટીયે રહેતાં મુળ જુનાગઢના વરાણીયા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૮: હિટ એન્ડ રનના બનાવમાં વધુ એક યુવાનનું મોત થયું છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાના પાટીયા પાસે રાત્રીના મુળ જુનાગઢના યુવાનને બાઇક સહિત કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં આ યુવાનનું મોત થયું છે. રાતે તે જમવાનું પાર્સલ લઇને ઘરે જતો હતો ત્યારે મહિકાના પાટીયા નજીક આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મહિમકાના પાટીયા પાસે ઠાકરધણી હોટેલની પાછળ રહેતો સાહિલ રાજશેભાઇ વરાણીયા (ઉ.વ.૧૯) રાતે મહિકાના પાટીયા પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. તેના પાઇલોટ અને ઇએમટી તબીબે તેને તત્કાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મોડી રાતે મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી અને તેમને જાણ કરતાં તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતાં. જાણવા મળ્યા મુજબ મૃત્યુ પામના સાહિલ ઉર્ફે લાલો બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતો અને ઇમિટેશનનું કામ કરતો હતો. તેના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. આ પરિવાર મુળ જુનાગઢનો વતની છે અને હાલ રાજકોટ મહિકાના પાટીયા પાછળ રહે છે. સાહિલ રાતે જમવાનું પાર્સલ લેવા માટે બાઇક લઇને ગયો હતો. પાર્સલ લઇ ઘરે પરત જતો હતો ત્યારે મહિકાના પાટીયા પાસે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આજીડેમ પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
(11:04 AM IST)










