તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
સાધના સોસાયટીમાં ઘરના પાર્કિંગમાં સંગ્રહ કરાયેલા ૪૦ ગેસના બાટલામાંથી બે ધડાકા સાથે ફાટતાં આગ ભભૂકીઃ મોટી દૂર્ઘટના ટળી
કે. વી. કેટરર્સના સંચાલકે કહ્યું-માધાપરના ગોડાઉનમાં રીપેરીંગ ચાલુ હોઇ બાટલા ઘરના પાર્કિંગમાં રાખ્યા હતાં: કેટરર્સના કર્મચારીઓના કપડા ધોવા માટે પાણી ગરમ કરતી વખતે બનાવ બન્યોઃ ખરેખર બાટલા કેવી રીતે ફાટયા? તેની તપાસ :કાર અને એક એકટીવાને પણ આગથી નુકસાનઃ પાંચ કેરબા ડીઝલ પણ હતું : ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ પહોંચ્યોઃ ૪૦ બાટલા રહેણાંકમાં રાખ્યા હોઇ ફાયર બ્રિગેડ દ્વારા નોટીસ આપી બાટલા કબ્જે લેવાયાઃ અશોકભાઇ રૈયાણીના માલિકીના મકાનના પાર્કિંગમાં બનાવઃ આસપાસના લોકો ભયભીત થઇ ગયા : ફાયર બ્રિગેડની ટીમ ચાર જ મિનીટમાં પહોંચી જતાં આગ વધુ આગળ વધતી અટકીઃ જો ડીઝલના કેરબા સળગ્યા હોત તો અને વધુ બાટલા ફાટયા હોત તો ભયંકર પરિણામ આવ્યું હોત : ગેસના બાટલાઓની સાથે ૪૦-૪૦ લીટરના ડીઝલ ભરેલા પાંચ કેરબા પણ હતાં

રાજકોટ તા. ૨૭: શહેરના સહકાર મેઇન રોડ પર સાધના સોસાયટીમાં રહેતાં કેટરર્સ સંચાલકે પોતાના બે માળના મકાનના પાર્કિંગમાં સંગ્રહ કરીને રાખેલા એલપીજી ગેસના ૪૦ નંગ બાટલામાંથી બપોરે બે બાટલા ધડાકાભેર ફાટતાં નાસભાગ મચી ગઇ હતી. બાટલા ફાટવાને કારણે આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડને જાણ થઇ હતી. ફાયર બ્રિગેડની ટીમ ચાર જ મિનીટમાં પહોંચી ગઇ હતી અને આગને કાબુમાં લઇ લેતાં મોટી દૂર્ઘટના અટકી હતી. અહિ પાર્કિંગમાં ૪૦ બાટલાની સાથે સાથે ૪૦-૪૦ લીટર ડીઝલ ભરેલા પાંચ કેરબા પણ હતાં. જો ફાયર બ્રિગેડ સમયસર પહોંચ્યું ન હોત તો ભયંકર દૂર્ઘટના સજાઈ હોત તેમ આસપાસના રહેવાસીઓએ કહ્યું હતું. ગેસના બે બાટલા ફાટતાં તેના ચીથરા નીકળી ગયા હતાં. આગમાં બે લોકો દાઝી પણ ગયા હતાં. તેમજ એક કાર અને એક્ટીવા પણ આગની લપેટમાં આવી ગયા હતાં.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સહકાર સોસાયટી મેઇન રોડ પર સાધના સોસાયટી-૨/૫ના ખુણે રહેતાં અશોકભાઇ કરસનભાઇ રૈયાણીના બે માળના મકાનમાં નીચે પાર્કિંગના ભાગે ગેસના બાટલા ફાટતાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર પરેશભાઇ ચુડાસમા સહિતની ટીમ તત્કાળ પહોંચી ગઇ હતી અને પાર્કિંગમાં લાગેલી આગ બુઝાવી હતી. ફાયર બ્રિગેડ સુત્રોના કેહેવા મુજબ એલપીજી ગેસના બે બાટલા ફાટવાને કારણે આગ લાગી હતી. મકાન માલિક અશોકભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે તે કે. વી. કેટરર્સ નામે કેટરર્સનો વ્યવસાય કરે છે. તેના કેટરર્સના માણસોના કપડા ધોવા માટે પાર્કિંગમાં રાખેલા બાટલા પર પાણી ગરમ કરતી વખતે આગ ભભૂકી ઉઠી હતી. જો કે અહિથી ફાયર બ્રિગેડને ગેસ રિફીલીંગ માટેની મોટર પણ મળતાં ખરેખર આગ કઇ રીતે લાગી? બાટલા કઇ રીતે ફાટયા? તેની વિસ્તૃત તપાસ હાથ ધરાઇ છે.
વધુ વિગત મુજબ કેટરર્સ સંચાલક અશોકભાઇ રૈયાણીએ ફાયર બ્રિગેડના અધિકારી અને પોલીસ અધિકારીની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે પોતે કે. વી. કેટરર્સના નામે કેટરીંગનો વ્યવસાય ધરાવે છે. તેનું ગોડાઉન માધાપર ચોકડીએ છે. પણ ત્યાં રીપેરીંગ ચાલુ હોઇ થોડા દિવસોથી ગેસના બાટલા ઘરના પાર્કિંગમાં રાખ્યા હતાં. અહિ કેટરર્સ કર્મચારીઓના કપડા ધોવા માટે એક ગેસના બાટલાને ચુલા સાથે કનેક્ટ કરી પાણી ગરમ કરવામાં આવતું હતું ત્યારે અચાનક બે ગેસના બાટલા ફાટયા હતાં અને આગ ભભૂકી ઉઠી હતી.
જો કે એક સાથે ૪૦ ગેસના બાટલા રહેણાંકમાં રાખ્યા હોઇ ફાયર બ્રિગેડ દ્વારા આ અંગેનો ખુલાસો પુછાયો હતો અને આટલા બાટલા ક્યાંથી આવ્યા? તે સ્પષ્ટ કરવા, કાગળો પુરાવા રજૂ કરવા નોટીસ અપાઇ હતી. તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમે ફાટેલા બે બાટલા અને બીજા ભરેલા ૩૮ બાટલા કબ્જે કર્યા હતાં. ફાયર બ્રિગેડના ઓફિસરશ્રી ચુડાસમાના કહેવા મુજબ અહિથી એક ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ ટ્રાન્સફર કરવા માટેની એટલે કે રીફીલીંગ કરવા માટેની ઇલેક્ટ્રીક મોટર પણ મળી આવી છે. આ જોતાં રીફીલીંગ તો થતું નહોતું ને? તેની પણ તપાસ કરવામાં આવશે.
ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતનો કાફલો પણ પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતાં આગમાં એક કાર જીજે૦૩એચજે-૬૮૦૭ અને એક્ટીવા જીજે૦૩કેપી-૬૮૦૭ને પણ મોટી નુકસાની થઇ હતી. બે બાટલા ફાટી જતાં ચીંથરા નીકળી ગયા હોય તેવી હાલત થઇ ગઇ હતી. કેટરર્સ સંચાલક અશોકભાઇ રૈયાણીને પોલીસે આટલા મોટા જથ્થામાં ગેસના બાટલા સંગ્રહ કરવાનું કારણ પુછતાં તેમણે માધાપરના ગોડાઉનમાં કામ ચાલુ હોઇ તેના કારણે બાટલા અહિ લાવ્યાનું રટણ કર્યુ હતું. આ અંગે પોલીસ ખરાઇ કરશે.
વધુ વિગત મુજબ ધડાકા સાથે બાટલા ફાટતાં આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાઇ ગયો હતો અને નાસભાગ મચી ગઇ હતી. લોકોએ કહ્યું હતું કે જો ફાયર બ્રિગેડની ટીમ તત્કાળ પહોંચી ન હોત તો કદાચ આગ વધુ મોટુ સ્વરૂપ પકડી ગઇ હતો. વળી બે બાટલા ફાટી ગયા તે સિવાયના ૩૮ ભરેલા બાટલા અને સાથે સાથે ડીઝલના પાંચ કેરબા પણ પડયા હોઇ જો આગ તેમાં પ્રસરી ગઇ હોત તો શું થયું હોત તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે. તેમ લોકોએ કહ્યું હતું. આ કેરબાઓ ૪૦-૪૦ લિટરના હતાં અને પાંચેયમાં ડીઝલ ભરેલુ હતું. કેટરર્સના કામ માટે આ ડીઝલ એકઠુ કરીને રખાયું હોવાનું કહેવાયું હતું.
ગેસના બાટલા ધડાકા સાથે ફાટવાથી આગ લાગવાની આ ઘટનાને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. સદ્દનસિબે ફાયર બ્રિગેડની ટીમોએ આગ ત્વરીત કાબુમાં લઇ લેતાં ભયંકર દુર્ઘટના અટકી હતી. તેમ આસપાસના રહેવાસી લોકોએ જણાવ્યું હતું. (૧૪.૧૦)
આગ ઓલવવા જતાં પાડોશી વૃધ્ધ અને યુવાન દાઝ્યા
રાજકોટઃ કેટરર્સ સંચાલક અશોકભાઇ રૈયાણીના ઘરના પાર્કિંગમાં ગેસના બાટલા ફાટયા બાદ આગ ભભૂકતાં આગ ઓલવવા જતાં પાડોશી શામજીભાઇ લાખાભાઇ દેસાઇ (ઉ.વ.૭૭) અને મોહિત દિપકભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૦) દાઝી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. શામજીભાઇ નિવૃત જીવન જીવે છે. તેને બે દિકાર અને એક દિકરી છે. જ્યારે મોહિત એક બહેનથી મોટો છે અને ટીઆરબી તરીકે નોકરી કરે છે.

(3:02 PM IST)










