તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
તું કેમ ગઇકાલે ગાળો બોલવાની ના પાડતો'તો? કહી નઇમબીન પર પાંચ જણાનો લોખંડના પાઇપથી હુમલો
જંગલેશ્વરના યુવાને રોડ પરથી બહેન દિકરીઓ નીકળતી હોઇ અજાણ્યા ૪ શખ્સોને અપશબ્દો બોલતાં અટકાવતાં આ શખ્સો અને અયાન સોરાએ મળી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૭: જંગલેશ્વરમાં રહેતાં યુવાનને રાતે તે ઘર નજીક ચોકમાં હતો ત્યારે તેના જ વિસ્તારના શખ્સે બીજા ચાર જણા સાથે આવીને ઝઘડો કરી ગાળો દઇ પાઇપથી હુમલો કરી માથા, મોઢા, શરીરે ઇજાઓ પહોંચાડતાં લોહીલુહાણ થઇ ગયો હતો. રસ્તા પરથી બહેન-દિકરીઓ નીકળતી હોઇ વિસ્તારમાં રહેતાં અજાણ્યા શખ્સોને ગાળો બોલવાની ના પાડતાં આ બાબતનો ખાર રાખી હુમલો કરાયો હતો.
જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર અંકુર સોસાયટી-૧ ભવાની ચોકમાં રહેતો નઇમબીન ઇમ્તિયાઝબીન કથીરી (ઉ.વ.૨૬) રાતે ઘર નજકી ચોકમાં હતો ત્યારે જંગલેશ્વરના જ અયાન સોરાએ ઝઘડો કરી લોખંડના પાઇપથી હુમલો કરી આડેધડ માર મારતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરી હતી. પોલીસે નઇમની ફરિયાદ પરથી અયાન અને ચાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે.
નઇમ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો છે અને છુટક વાયરીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. તેના લગ્ન થયા નથી. નઇમે જણાવ્યું હતું કે રાતે હું ઘર પાસે ચોકમા ઉભો હતો ત્યારે અયાન ઇબ્રાહીમભાઇ ઉર્ફે હકુભાઇ સોરા જેને હુ ઓળખુ છું તે તે તથા તેની સાથે બીજા ચાર શખ્સો મારી પાસે આવેલ અને તેઓના બધાના હાથમા લોખંડના પાઇપ હતા અને અયાન સોરાએ મને કહેલ કે કાલે તુ અહિ મારા માણસો નિકળ્યા અને ગાળો બોલતા હતા તેને તે કેમ ગાળો બોલવાની ના પાડતો હતો? જેથી મે તેને કહેલ કે અમારા ઘર પાસે બહેન દીકરીઓ હોઇ તમે ગાળો ના બોલો એટલુ જ મેં કહ્યું હતું.
આ સાંભળતા જ અયાને પાઇપથી હુમલો કરી મને કપાળે, નેણ, નાક અને હોઠ પર ઘા મારી દીધા હતા. તેમજ અયાનની સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સોએ પણ પાઇપથી હુમલો કરી મને પગ, વાંસા, શરીરે આડધેડ ઘા ફટકાર્યા હતાં. દેકારો થતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. જેથી હુમલો કરનારા અયાન સહિતના પાંચયે ભાગી ગયા હતાં. બાદમાં મેં મારા મોટા ભાઇ મોઇનબીનને ફોન કરીને આ ઝગડા બાબતે જાણ કરી હતી. દરમિયાન મારો મિત્ર આદિલ સુમાર રિક્ષા લઇને નીકળતાં તે મને જોઇ જતાં હોસ્પિટલે ખસેડયો હતો. નાક નીચે મને ટાંકા આવ્યા છે. અયાનના મિત્રો મારા ઘર પાસે ગાળો બોલતા હોઇ જેને બુધવારે સાંજે મેં ગાળો બોલવાની ના પાડી હોઇ ખાર રાખી આ ચારયે તથા અયાને આવીને હુમલો કર્યો હતો. હેડકોન્સ. એન. એ. ગઢવીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:21 PM IST)










