<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

કોઠારીયા સોલવન્‍ટમાં મોટા વિજયએ પ્રેમલગ્ન કરતાં નાના ભાઇ ભરતનું અપહરણઃ શાપર લઇ જઇ ધોલાઇ

ફઇના ઘરે જમવા બેઠો હતો ત્‍યાંથી બહાર બોલાવી કારમાં નાંખી લઇ ગયાઃ ધોકા-ઢીકાપાટુનો માર મારી ધમકાવી સિતારામ સોસાયટી પાસે ફેંકીને ભાગી ગયા : ભરત સારવાર માટે દાખલ થતાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્‍ટમાં જ રહેતાં યુવતિના પિતા ધીરૂભાઇ, સાથેના રામભાઇ, ખોડાભાઇ, રાહુલ અને ચાર અજાણ્‍યા વિરૂધ્‍ધ આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યોઃ જો અમારી દિકરી પાછી નહિ મોકલો તો તારા ભાઇના પણ આવા જ હાલ થશે, જેલમાં જવાથી અમને કોઇ ફરક નહિ પડે

રાજકોટ તા. ૨૬: તાજેતરમાં સરધાર પંથકના ગામમાં મોટો ભાઇ રામ એક યુવતિને ભગાડી જતાં નાના ભાઇ શ્‍યામનું અપહરણ કરી મારકુટ કરવામાં આવ્‍યાની ઘટના બની હતી. આવી જ બીજી ઘટના આજીડેમ પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં બની છે. કોઠારીયા સોલવન્‍ટમાં રહેતાં મોબાઇલના ધંધાર્થી યુવાનનો મોટો ભાઇ વિસ્‍તારની જ એક યુવતિને ભગાડી જતાં અને પ્રેમલગ્ન કરી લેતાં ખાર રાખી યુવતિના પિતા સહિતનાએ મોબાઇલના વેપારીનું કારમાં અપહરણ કરી લઇ જતાં અને ધોકા-ઢીકાપાટુનો માર મારી શાપર તરફ લઇ જઇ ફરીથી માર મારી ધમકી દઇ તેના ઘર પાસે ઉતારીને ભાગી જતાં ચકચાર જાગી છે. આ યુવાન સોલવન્‍ટના ગોપાલનગરમાં ફઇના ઘરે જમવા બેઠો હતો ત્‍યાંથી તેને ઉઠાવી લેવાયો હતો.

આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્‍ટ શુભમ્‌ મેઇન રોડ ખોડીયાર ડેરી સામે રહેતાં અને ઘરની નજીક જ આરકે સ્‍કૂલ પાસે મોમાઇ મોબાઇલ  નામે દૂકાન ચલાવતાં ભરત કરમણભાઇ અલગોતર-ભરવાડ (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારના જ ધીરૂભાઇ ટોળીયા, રામભાઇ ટોળીયા, રાહુલ ટોળીયા, ખોડાભાઇ જોગરાણા અને સાથેના અજાણ્‍યા ચારેક માણસો વિરૂધ્‍ધ અપહરણ, મારકુટ, ધમકીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ભરતે હોસ્‍પિટલના બીછાનેથી જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મોબાઇલની દુકાન ચલાવુ છું. અમે ચાર ભાઇ અને એક બહને છીએ. ગત રાતે દસેક વાગ્‍યે હું મારી મોબાઇલની દુકાન બંધ કરી મારા ફઇ અનુબેન મંગાભાઇ જોગરાણાના ઘરે ગોપાલનગરમાં જમવા ગયો હતો. હું જમતો હતો ત્‍યારે મારા ફઇના દિકરાએ આવીને કહેલું કે બહાર અમુક લોકો આવેલા છે તે તને બોલાવે છે. આથી હું બહાર જતાં જ ચાર અજાણ્‍યા શખ્‍સો મારા પર તૂટી પડયા હતાં. ‘તું જ વિજયનો ભાઇ છો ને?' તેમ કહી ઢકીાપાટુ મારવા માંડયા હતાં. ત્‍યાં ધીરૂભાઇ ટોળીયા, રામભાઇ, રાહુલ અખે ખોડાભાઇ પણ આવી ગયા હતા. આ લોકોએ પણ માર માર્યો હતો. બાદમાં મને ઢસડીને ખોડીયાર ડેરી જે નજીકમાં છે ત્‍યાં સુધી લઇ જઇ ફરી માર માર્યો હતો અને સ્‍વીફટ ગાડીમાં નાંખી દીધો હતો.

ચાર અજાણ્‍યા શખ્‍સો મારી સાથે બેસી ગયા હતાં. ધીરૂભાઇ, ખોડાભાઇ અને રાહુલ ઇનાવામાં બેસી ગયા હતાં. બાદમાં મને શાપર નજીક ગોંડલ રોડના પૂલ પાસે લઇ જઇ ત્‍યાં ફરીથી ધોકાથી માર માર્યો હતો. આ દરમિયાન અજાણ્‍યા શખ્‍સે નેફામાંથી છરી કાઢી મને બતાવી ધમકી દીધી હતી કે-તારા ભાઇને કહેજે પાયલને ઘરે પાછી મુકી જાય, બાકી તારા ભાઇની પણ આવી જ હાલત કરશું.

બેફામ મારને કારણે હું અર્ધબેભાન જેવો થઇ ગયો હતો. નીચે પડી ગયો પછી પણ માર માર્યો હતો. આ પછી ધીરૂભાઇ અને રામભાઇ તથા રાહુલ અને ખોડાભાઇએ વારાફરતી મને ઢીકાપાટુ માર્યા હતાં. બાદમાં ફરીથી ઇનોવા કારમા બેસાડી દીધો હતો. પછી ઇનોવા અને સ્‍વીફટ ફરી રાજકોટ તરફ લાવ્‍યા હતાં. અહિ સિતારામ સોસાયટી પાસે મને ગાડીમાંથી ધક્કો મારી પછાડી દીધો હતો અને બધા ભાગી ગયા હતાં.

જતાં જતાં પણ ધમકી આપી હતી કે પાયલ ને ઘરે પહોચાડી દેજે નહિતર જાનથી મારી નાંખશું, તારી લાશને ગીરમાં ફેંકી દઇશું, અમને આમાં કંઇ ફરક નહિ પડે, જેલમાં જવાથી અમે બીતા નથી. આ પછી હું રોડ પર પડયો હોઉ ત્‍યારે ઓળખીતા લાલાભાઇ વાળંદ નીકળતાં મને જોઇ જતાં મારી પાસે આવ્‍યા હતાં અને મેં તેના ફોનમાંથી મારા ભાઇ જયેશભાઇન ફોન કરી ઘટનાની જાણ કરતાં તે આવી ગયા હતાં અને મને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

ભરતે વધુમાં જણાવ્‍યું હતું કે આઠેક મહિના પહેલા મારા મોટા ભાઇ વિજયએ અમારા જ વિસ્‍તારના રામભાઇ ટોળીયાની દિકરી પાયલ સાથે પ્રેમલગ્ન કરી લીધા છે. થોડા દિવસ પહેલા મારો ભાઇ વિજય પાયલને લઇને અમારા ગામ સાયલાના જસાપર તરફ જતો રહ્યો છે. આ વાતનો ખાર રાખી રામભાઇ સહિતનાએ મારુ અપહરણ કરી બેફામ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. ટી. જે. સરવૈયાએ ગુનો નોંધ્‍યો હતો. આરોપીઓને ઝડપી લેવા પીએસઆઇ આર. એમ. સાખરા અને ટીમે તપાસ હાથ ધરી છે.

(1:41 PM IST)